દિનાજપુર : બાંગ્લાદેશના ઉત્તર-પશ્ચિમમાં હિમાલયની તળેટીમાં આવેલ રાજશાહી વહીવટી વિભાગનો જિલ્લો. નદીઓના કાંપથી રચાયેલાં ફળદ્રૂપ મેદાનોમાં આ જિલ્લો આવેલો છે. આ મેદાનોની વચ્ચે વચ્ચે થોડા ઊંચા ભાગો પણ આવેલા છે.

બાલુર ઘાટનાં નદીઓના કાંપવાળાં ફળદ્રૂપ મેદાનોમાં ખાદ્યાન્ન તથા રોકડિયા પાકોનું પુષ્કળ ઉત્પાદન થાય છે. તેમાં શેરડી, શણ, તેલીબિયાં અને ડાંગરનો સમાવેશ થાય છે. તેથી જિલ્લામાં ખેતપેદાશોને આધારિત ઉદ્યોગોનું પ્રમાણ વિશેષ છે. બાંગ્લાદેશના  ગીચ વસ્તીવાળા જિલ્લાઓમાં તેની ગણના થાય છે.

બાંગ્લાદેશના આ જિલ્લાને અડીને ભારતના પ. બંગાળ રાજ્યનો પશ્ચિમ દિનાજપુર જિલ્લો આવેલો છે. આ બંને જિલ્લાઓની વચ્ચેથી ભારત-બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સીમા પસાર થાય છે.

જિલ્લાનું મુખ્ય વહીવટી મથક દિનાજપુર છે. તે આશરે 25° 38’ ઉ. અ. અને 88° 44’ પૂ. રે. પર આવેલું છે. આ શહેરની વસ્તી 29,90,128 (2011) છે. તેની પશ્ચિમમાં પુનર્ભવા નદી વહે છે. રંગપુરથી તે 66 કિમી. અંતરે છે. ઈશાન ખૂણામાં જૂનું શહેર વસેલું છે, જ્યાં ભૂતપૂર્વ મહારાજાનો રાજમહેલ આવેલો છે.

આ નગરની આસપાસનાં ફળદ્રૂપ કાંપનાં મેદાનોમાં ડાંગર, મકાઈ, શેરડી, શણ, અળશી, રાઈ, જવ વગેરે ખેતપેદાશોનું મબલખ ઉત્પાદન થાય છે, તેથી આ નગર કૃષિઊપજોના વ્યાપારકેન્દ્ર તરીકે વિકાસ પામ્યું છે. આ નગરમાં ચોખા, શણ, અને ખાદ્યતેલની મિલો અને સાબુ બનાવવાનાં કારખાનાં આવેલાં છે. આ નગરમાં એક તાપવિદ્યુતમથક પણ ચાલે છે. તે સડક અને રેલમાર્ગે બાંગ્લાદેશના પાટનગર ઢાકા સાથે જોડાયેલું છે. 1947 પહેલાં આ નગર રેલમાર્ગે બિહાર તથા પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલું હતું.

આ શહેર રાજશાહી યુનિવર્સિટીને સંલગ્ન બે કૉલેજો ધરાવે છે.

1869માં ત્યાં નગરપાલિકાની સ્થાપના થઈ હતી.

બીજલ પરમાર