દાસગુપ્ત, આલોકરંજન (જ. 6 ઑક્ટોબર 1933, કૉલકાતા) : બંગાળીના અગ્રણી કવિ. તેમની કૃતિ ‘મરમી બરાત’ને સાહિત્ય અકાદમીનો 1992ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.
પ્રારંભિક શિક્ષણ તેમણે શાંતિનિકેતનમાં લીધું. ત્યાંના આશ્રમજીવનનો તેમના વ્યક્તિત્વ તેમજ કવિતા પર સ્થાયી પ્રભાવ રહ્યો. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં લીધું અને જાદવપુર યુનિવર્સિટીમાં જોડાયા અને ત્યાં તુલનાત્મક સાહિત્ય વિભાગમાં તથા બંગાળી ભાષા-સાહિત્ય વિભાગમાં અધ્યાપન કર્યું (1957–76). જર્મનીની હાઇડલબર્ગ યુનિવર્સિટીના સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટ ખાતે તેઓ છેલ્લાં કેટલાંક વર્ષો મુલાકાતી પ્રાધ્યાપક તરીકે રહ્યા.
સાહિત્યિક કારકિર્દીના 4 દાયકા દરમિયાન તેમણે 14 કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા છે. તેમાં છેલ્લામાં છેલ્લો કાવ્યસંગ્રહ તે ‘આપનિ જખન નિશ્વાસન’ (1991). તે ઉપરાંત સાહિત્યિક સમાલોચનાના ગ્રંથ તે ‘ધ લિરિક ઇન ઇંડિયન પોએટ્રી’ તથા ‘ગટે ઍન્ડ ટાગોર’. તેઓ કવિતા તથા નાટકના અનુવાદો પણ કરતા રહ્યા છે; તેમાં જર્મન કવિતાનો બંગાળીમાં તથા બંગાળી અને અન્ય ભારતીય ભાષાની કવિતાનો જર્મનીમાં અનુવાદ મુખ્ય છે. તેમણે લખેલાં અને અનુવાદ કરેલાં નાટકો મંચિત થયાં છે. તેમને મળેલા સાહિત્યિક પુરસ્કારોમાં જર્મનનું ગેટ પારિતોષિક, રવીન્દ્રનાથ ટાગોર પારિતોષિક, આનંદ પુરસ્કાર તથા શિરોમણિ ઍવૉર્ડ અને પ્રવાસી ભારતીય સન્માન નોંધપાત્ર છે.
તેમની કવિતા બંગાળ પૂરતી સીમિત રહી નથી. તેમનાં કાવ્યો ભૌગોલિક સીમાડા વટાવી જઈ સાર્વત્રિક પ્રેમભાવને સ્પર્શે છે. તેમની કાવ્યરચનાઓમાં અનોખું વૈશ્વિક વાતાવરણ વણાયેલું છે. તેઓ માનવજીવનનાં દુ:ખ તથા વેદના પ્રત્યે સભાન છે. વાસ્તવમાં તેઓ માનવનિયતિ વિશે તીવ્ર જાગરૂકતા ધરાવે છે અને તેનાથી પ્રેરાઈને જ તેઓ કવિસહજ ઉત્કટતાથી નિયતિનો પ્રભાવ નિરૂપે છે.
તેમના પુરસ્કૃત કાવ્યસંગ્રહમાં ઘરસંસારથી માંડીને વૈશ્વિકતા સુધીનો ભાવસંદર્ભ છે. વૈયક્તિક તેમ જાહેર જીવનના કડવા અને વેદનાપૂર્ણ અનુભવોને તેમાં અભિવ્યક્તિ સાંપડી છે. આ સંગ્રહમાં 2 ભાવવાહી પદ્યનાટકો પણ છે. તેમાં સાંપ્રત સમયની કેટલીક યાદગાર રચનાઓ પણ ગ્રંથસ્થ થયેલી છે. આ બધી વિશેષતાઓને લીધે આધુનિક ભારતીય કવિતામાં તેનું ઊંચું સ્થાન છે. તેમને 1985માં ગથે પ્રાઇઝ, 1985માં આનંદ પુરસ્કાર, 1985 અને 2005માં પ્રવાસી ભારતીય સન્માન, 1987માં રવીન્દ્ર પુરસ્કાર એનાયત થયો છે.
મહેશ ચોકસી