દાસ, ઉપેન્દ્રનાથ (જ. 1848, કૉલકાતા; અ. 1895) : બંગાળી લેખક. કૉલકાતા સંસ્કૃત કૉલેજિએટ સ્કૂલમાં ભણ્યા. માધ્યમિક શિક્ષણ પછી અભ્યાસ છોડ્યો. 1874માં બંગાળી નાટ્યસંસ્થા જોડે સંકળાઈને તેમણે નાટકો લખવાં શરૂ કર્યાં. એમનાં બે નાટકોશરત સરોજિની (1874), અને ‘સુરેન્દ્ર વિનોદિની’ (1875) વિરોધના વાવંટોળમાં ફસાયાં હતાં, કારણ કે એમાં બ્રિટિશ સલ્તનત સામે ક્રાંતિનો સૂર હતો અને અંગ્રેજોના અત્યાચારોનું હૃદયવિદારક ર્દશ્યાંકન હતું. એ નાટકોમાંનાં કરુણ ગીતોએ પ્રેક્ષકોનાં હૃદય વલોવેલાં. એ નાટકોનું કથાવસ્તુ સાચા બનાવો પરથી લેવાયું છે. પ્રસંગો તથા પાત્રો સમકાલીન વાતાવરણમાંથી પસંદ કરાયાં છે. એમાંનું જે અત્યંત નિષ્ઠુર એવા અંગ્રેજ મૅજિસ્ટ્રેટનું પાત્ર છે, તે એ સમયના હુગલીના અંગ્રેજ ન્યાયાધીશનું છે. એ મૅજિસ્ટ્રેટની કેટલાક કેદીઓએ હત્યા કરી હતી. નાટક 4 માર્ચ, 1876ને દિને ભજવાયું હતું અને બીજે દિવસે જ એમની ધરપકડ કરવામાં આવી હતી. પણ તેના બીજે જ દિવસે હાઈકોર્ટે એમને છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. અંગ્રેજી પ્રહસન ‘બ્રધર જિલ ઍન્ડ આઈ’ ઉપરથી તેમણે ‘દાદા ઑ આમિ’ (1886) લખેલું. 1875માં એ નૅશનલ થિયેટરના ડિરેક્ટર તરીકે નિમાયા હતા.
ચન્દ્રકાન્ત મહેતા