દાર્જિલિંગ

March, 2016

દાર્જિલિંગ : પશ્ચિમ બંગાળનો જિલ્લો તથા જિલ્લામથક. ભારતનું જાણીતું પર્યટનસ્થળ, પશ્ચિમ બંગાળ રાજ્યનું ઉનાળુ પાટનગર તથા ગુરખા સ્વાયત્ત પરિષદનું વહીવટી મથક. તિબેટી ભાષામાં ‘દાર્જેલિંગ’ એટલે કે ‘વીજળીનો ભયંકર કડાકો’ શબ્દ પરથી આ સ્થળને તે નામ આપવામાં આવ્યું છે. ભૌગોલિક સ્થાન : 26° 50’ ઉ અ. અને 88° 20’ પૂ. રે..  તે કૉલકાતાની ઉત્તરે નેપાળ અને સિક્કિમને સીમાડે વસેલું છે. હિમાલય પર્વતમાળાના દક્ષિણ તરફના ઢાળની તળેટીમાંની ટેકરીઓની લાંબી હારમાળાની ઊંચી પાળ પર વસેલું આ સ્થળ દરિયાની સપાટીથી 2,160 મી.ની ઊંચાઈ પર છે. વિસ્તાર : 3,149 ચોકિમી. તેની વસ્તી આશરે 19,66,811 (2022) છે.

ત્યાંનું તાપમાન જાન્યુઆરીમાં 4° સે. અને જુલાઈમાં 17° સે. હોય છે. વર્ષના મોટા ભાગના દિવસોમાં તે ધુમ્મસથી ઘેરાયેલું હોય છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ત્યાં પડતા વરસાદની વાર્ષિક સરેરાશ 2,972 મિમી.  હોય છે. ત્યાંના રસ્તા વધુ ઢાળવાળા છે. એક જમાનામાં ત્યાંની વસ્તીમાં અંગ્રેજ લોકોનું પ્રમાણ નોંધપાત્ર હતું.

દાર્જિલિંગના ઢાળવાળા પ્રદેશમાં થતી ચાની સઘન રોપણી

1962માં સ્થપાયેલ યુનિવર્સિટી ઑવ્ નૉર્થ બંગાળનું તે મુખ્ય મથક છે. નગરમાં સેન્ટ જૉસેફ કૉલેજ, ખ્રિસ્તી ધર્મપંથના સંચાલન હેઠળનું લોરેટો કૉન્વેન્ટ તથા તેના સીમાડા પર હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ આવેલાં છે. નૅરોગેજ રેલમાર્ગથી તે નીચાણનાં આજુબાજુનાં સ્થળો સાથે જોડાયેલું છે. ત્યાંથી માઉન્ટ એવરેસ્ટ તથા કાંચનજંઘા પર્વતોનાં દર્શન થાય છે. ટાઇગર હિલ પરથી સૂર્યોદય નિહાળવો એ સહેલાણીઓ માટે ખાસ આકર્ષણ હોય છે. આજુબાજુની ખીણોની હરિયાળી તથા પર્વતોનાં હિમાચ્છાદિત શિખરોનાં ત્યાંથી દેખાતાં ર્દશ્યો મનોહારી હોય છે. ત્યાંની ટેકરીઓ પર ઉગાડવામાં આવતી ચા વિશ્વભરમાં વખણાય છે.

ઇતિહાસ : એક જમાનામાં તે તિબેટનો ભાગ હતો, પરંતુ પાછળથી તે સ્વતંત્ર સિક્કિમના રાજ્યનો ભાગ બન્યો. 1835માં સિક્કિમના રાજાએ તે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સોંપ્યો. 1947માં ભારતને આઝાદી મળી ત્યારથી આ પ્રદેશ સ્વતંત્ર ભારતનો ભાગ બન્યો છે. ભારત અને તિબેટ વચ્ચે પ્રાચીન કાળમાં થતા વ્યાપારના માર્ગ પરનું તે અંતિમ વિરામસ્થાન હતું. બ્રિટિશ શાસનકાળ દરમિયાન તે બંગાળ પ્રાંતનું ઉનાળાનું પાટનગર હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે