દારેસલામ

March, 2016

દારેસલામ : ટાન્ઝાનિયાની રાજધાની, મુખ્ય બંદર અને સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 6° 48’ દ. અ. અને 39° 17’ પૂ. રે..  ઝાંઝીબારથી દક્ષિણે 60 કિમી. દૂર હિંદી મહાસાગરના કિનારે તે આવેલું છે. અરબીમાં દારેસલામનો અર્થ ‘શાંતિનું ધામ’ થાય છે.  આ કુદરતી બંદર ભૂમિથી ઘેરાયેલું – રક્ષાયેલું છે. વિસ્તાર : 1393 ચોકિમી. તેની વસ્તી 4,364,541 (2012) છે.

આ શહેર વિષુવવૃત્તની દક્ષિણે આવેલું છે. ત્યાં હવા ગરમ અને ભેજવાળી હોય છે. આખા વરસ દરમિયાન સરેરાશ તાપમાન 26° સે. રહે છે. વરસ દરમિયાન સરેરાશ 1067 મિમી. વરસાદ પડે છે.

અહીં ડાંગર, મકાઈ, શેરડી, રૂ, સીસલ, કૉફી, નારિયેળ, તમાકુ, કાજુ અને લવિંગ ખેતીના પાકો છે. સોનું, હીરા, મીઠું અને ફૉસ્ફેટ એ ત્યાંનાં મુખ્ય ખનિજો છે.

બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછી આ નગરનો ઝડપી ઔદ્યોગિક વિકાસ થયો છે. કાપડ, સાબુ, રંગ, સિમેન્ટ, રસાયણ, દવા, કાચ, સિગારેટ, મોટર વગેરે ઉદ્યોગો ઉપરાંત દારૂ, ધાતુની વસ્તુઓ અને ખોરાકી ચીજો બનાવવાના ઉદ્યોગો ત્યાં વિકસ્યા છે.

1956 પૂર્વે આ બંદરે આરબ વહાણો અને બજરા (barge) અને લાઇટરો દ્વારા માલની ચડઊતર થતી હતી. 1956માં ઊંડા પાણીમાં પ્રિન્સેસ માર્ગારેટ ધક્કો બંધાતાં કિનારા સુધી સ્ટીમરો આવે છે. આ બંદર દ્વારા રૂ, સીસલ, કૉફી, ચામડાં, હીરા, સોનું, મીઠું અને કાજુની નિકાસ થાય છે, જ્યારે યંત્રો, દવા, પેટ્રોલિયમ, કાપડ વગેરેની આયાત થાય છે.

1907માં દારેસલામને ટાંગાનિકા સરોવર ઉપરના કિગોમાને જોડતી 1,255 કિમી. લાંબી રેલવેલાઇન નંખાઈ. તેની એક શાખા ટબોરાથી ઉત્તરે લેક વિક્ટોરિયા ઉપરના મ્વાંઝા સુધી અને બીજી શાખા કીલોસાથી કિલોમ્બેરો ખીણ અને રૂવુથી ટાંગા લાઇન ઉપરના મન્યુસી સુધી જાય છે. અહીં હવાઈ મથક પણ છે.

આલીશાન ભવનોનું નગર : દારેસલામ

1945 પછીથી ત્યાં સરકારી અને વેપારીગૃહોનાં આલીશાન મકાનો બંધાયાં છે. હૉસ્પિટલ સંકુલ, ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, હાઈકોર્ટ વગેરેનાં ભવ્ય મકાનો ત્યાં આવેલાં છે. 1961માં અહીં કૉલેજ અને 1970માં યુનિવર્સિટીની સ્થાપના થઈ છે. શિક્ષણનું માધ્યમ સ્વાહિલી ભાષા છે. આ ઉપરાંત અનેક પુસ્તકાલયો, સંશોધનસંસ્થાઓ, રાષ્ટ્રીય સંગ્રહસ્થાન વગેરે અહીં આવેલાં છે. ભારતીયો અને તેમાં પણ કચ્છ અને સૌરાષ્ટ્રના ગુજરાતીઓનો ટાન્ઝાનિયાના વિકાસમાં ઘણો ફાળો છે.

ઇતિહાસ : 1862માં ઝાંઝીબારના સુલતાને આ નગરની સ્થાપના કરી તે પૂર્વે ત્યાં મઝીઝિમા નામનું માછીમારનું બંદર હતું. આ બંદર અગાઉ મસ્કત અને ઝાંઝીબારના સુલતાનને તાબે હતું. 1885માં તે જર્મન અંકુશ નીચે આવ્યું. 1887માં તે જર્મન સેન્ટ્રલ આફ્રિકા કંપની હસ્તક આવ્યું. 70 કિમી. દૂર આવેલા બાગામોયોને સ્થાને તે પ્રદેશનું પાટનગર બન્યું. 1891થી 1916 સુધી તે જર્મન ઈસ્ટ આફ્રિકાનું પાટનગર રહ્યું. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થતાં 1919થી તે બ્રિટન નીચેનો શાસનાદિષ્ટ પ્રદેશ (mandate) બન્યો. 1950 પછી લોકોમાં જાગૃતિ આવી અને 1961માં દારેસલામ આઝાદ ટાંગાનિકાનું પાટનગર બન્યું. 1964માં ટાંગાનિકા અને ઝાંઝીબારનું એક રાજ્ય બનાવી ‘ટાન્ઝાનિયા’ નામ આપવામાં આવ્યું.

શિવપ્રસાદ રાજગોર