દાદરા અને નગરહવેલી : ગુજરાત રાજ્યના અગ્નિખૂણામાં આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 20° 05’ ઉ. અ. અને 73° 00’ પૂ. રે.. તે મહારાષ્ટ્રની સરહદ ઉપર આવેલો છે. અઢારમી સદીના અંતમાં આ પ્રદેશ પોર્ટુગીઝ સંસ્થાનનો ભાગ બન્યો હતો. 1954ની 2જી ઑગસ્ટથી આ પ્રદેશ સ્વતંત્ર બન્યો તથા 1961માં તેનું ભારતમાં વિલીનીકરણ કરવામાં આવ્યું ત્યારથી તે અલગ અસ્તિત્વ ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે. સેલવાસા આ પ્રદેશનું વહીવટી, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર છે. તે વલસાડ–નાસિક રોડ પર આવેલું છે. તેનો વિસ્તાર 491 ચોકિમી. જેટલો છે, જેમાં આદિવાસી પ્રજાનું પ્રમાણ સવિશેષ છે. આ પ્રદેશની વસ્તી આશરે 3,78,979 (2022) છે. તેમાંથી 78.99% લોકો અનુસૂચિત જાતિના અને આશરે 1.97% લોકો અનુસૂચિત જનજાતિના છે. ત્યાંના આદિવાસીઓ મોટે ભાગે ગૃહઉદ્યોગો અને ખેતી દ્વારા આજીવિકા મેળવે છે. વારલી, દૂબળા, ધોડિયા અને ભીલ કોમની વસ્તી અહીં વિશેષ છે જે પોતાની ભાતીગળ લોકસંસ્કૃતિ મુજબ જીવન ગુજારે છે. આ પ્રદેશમાં ભીલી, ગુજરાતી અને હિંદી ભાષાઓ બોલાય છે.
તેના ઉત્તર–પૂર્વ તથા દક્ષિણ–પૂર્વ વિસ્તારો ડુંગરાળ તથા મધ્ય વિસ્તાર સપાટ છે. ત્યાંની જમીન ભેજવાળી તથા ફળદ્રૂપ છે. નગરહવેલી વિસ્તારમાં સાગનાં જંગલો છે.
ત્યાંની કૃષિપેદાશોમાં ડાંગર, કઠોળ તથા ફળફળાદિનો સમાવેશ થાય છે.
ઑગસ્ટ, 1961 બાદ આ પ્રદેશને કેન્દ્રશાસિત વિસ્તારોના બધા લાભો મળતાં ગુજરાત અને મહારાષ્ટ્રના ઉદ્યોગપતિઓએ અહીં વિવિધ ઉદ્યોગો સ્થાપ્યા છે. સુંદર બાગ-બગીચા-ફુવારા અને પ્રાકૃતિક સૌંદર્યની કુદરતી ભેટને કારણે અનેક ફિલ્મોનું અહીં નિર્માણ થયું છે. રેલ-રસ્તાનો લાભ આ શહેરને મળેલો છે. વાપી અને ઉમરગામ જેવાં નજીકનાં શહેરો તેમજ સંજાણ અને નારગોલ જેવાં સાગરકિનારે આવેલાં વિહારધામોને કારણે પણ આ પ્રદેશનો વિકાસ થયો છે. સેલવાસાની ઉત્તરે દમણગંગા નદી વહે છે. સેલવાસામાં ઇન્દિરા પ્રિયદર્શિની ઉદ્યાન, તપોવન ઉદ્યાન અને આદિવાસી સંગ્રહાલય; જ્યારે દાદરામાં દમણગંગા સરોવર અને બાગબગીચા જોવાલાયક છે. કેન્દ્રસરકાર અને ગુજરાત સરકારની ઉદાર ઔદ્યોગિક નીતિને કારણે અહીં અનેક ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે.
મહેશ મ. ત્રિવેદી