દાતું (1973) : કન્નડ નવલકથા. કન્નડ સાહિત્યમાં સાંપ્રતકાલીન શ્રેષ્ઠ નવલકથાકાર ભૈરપ્પાની આ નવલકથાને સાહિત્ય એકૅડેમી તરફથી કન્નડ સાહિત્યની 1975ના વર્ષની શ્રેષ્ઠકૃતિ તરીકે ઍવૉર્ડ માટે પસંદ કરાઈ હતી.
વ્યક્તિના વિકાસને અવરોધતાં ન્યાતજાતનાં બંધનો તોડવા કટિબદ્ધ પિતા–પુત્રીને તેમના અવિરત પ્રયાસો છતાં અંતમાં મળતી સરિયામ નિષ્ફળતાની આ કથા છે. એ નિષ્ફળતા એમનાં પોતાનાં નિષેધો, સિદ્ધાંતજડતા અને એમના અકડુપણાને કારણે છે. સમાજ પણ એમના કાર્યમાં અવરોધો ઊભા કરે છે. પ્રસંગોના નિરૂપણ માટે લેખકે ઇતિહાસ, વાસ્તવિકતા તથા પુરાણકથાઓનો કથાગુંફનમાં સુપેરે ઉપયોગ કર્યો છે. સમકાલીન સમાજની જે સંકીર્ણતા છે, જે વિરોધો છે અને જે આંતર અને બાહ્ય સંઘર્ષો છે તેનું અહીં ચિત્રણ છે. મુખ્ય પાત્ર બે જ હોવાથી કથાનક સરળ બન્યું છે અને એમાં સાદ્યંત રસ જળવાઈ રહે છે એનું કારણ પરિસ્થિતિ અને સંજોગોનું વૈવિધ્ય છે.
ચન્દ્રકાન્ત મહેતા