આનંદીબાઈ ઇત્યાદિ ગલ્પ (1957) : બંગાળી લેખક ‘પરશુરામ’ (મૂળ નામ : રાજશેખર) (જ. 1880, બર્દવાન; અ. 1967)નો વાર્તાસંગ્રહ. તેને 1958ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો હતો. પરશુરામ રસાયણવિજ્ઞાન તથા સંસ્કૃત પ્રશિષ્ટ ગ્રંથો પરત્વે એકસરખી વિદ્વત્તા ધરાવે છે; બોલચાલની બંગાળી ભાષાનો શબ્દકોશ રચનાર આ વાર્તાકારને તેમની હાસ્યરસિકતા માટે પણ ભારે ચાહના મળી છે અને તેમની એ શૈલી-વિશેષતા આ ટૂંકી વાર્તાઓને અનન્યતા બક્ષે છે.
આ પુરસ્કૃત સંગ્રહની વાર્તાઓમાં પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિઓ પ્રયોજવા માટે પરશુરામે આધુનિક સમય તથા ભૂતકાલીન સમયરંગ ઉપરાંત છેક પુરાણકાલીન સામગ્રીનો ઉપયોગ કર્યો છે. પાત્રાલેખન માટે તેમણે વર્ણન-કથનરીતિ ઉપરાંત નાટ્યોચિત શૈલીનો પણ રોચક વિનિયોગ કર્યો છે. માનવજાતની લાંબા સમયથી અસ્તિત્વ ધરાવતી કેટલીક વિષમતાઓ પરત્વે વાચકવર્ગનું ધ્યાન ખેંચવા આ સંગ્રહની કેટલીક વાર્તાઓ પૌરાણિક પરિવેશમાં ગોઠવાઈ છે. કલમના આછા લસરકા વડે તેમણે પાત્રોના સુંદર હૃદયસ્પર્શી આલેખ ઉપસાવ્યા છે અને આ વાર્તાસૃષ્ટિનું તે એક યાદગાર પાસું છે.
ચન્દ્રકાન્ત મહેતા