આના કૅરેનિના (1877) : રશિયન નવલકથા. રશિયન સાહિત્યકાર લેવ તૉલ્સ્તૉય(1828-1910)ની ‘વૉર ઍન્ડ પીસ’ પછીની ઉત્કૃષ્ટ કૃતિ. આ સામાજિક નવલકથામાં હેતુનો સંઘર્ષ અને પ્રેમની વિનાશક શક્તિની ખોજનું નિરૂપણ છે. 50 ઉપરાંત પાત્રો અને 5 કુટુંબોને સ્પર્શતી આ નવલકથામાં લેવિનનું પાત્ર લેખકનું પ્રતિનિધિત્વ કરે છે.

ઓગણીસમી સદીના આઠમા દાયકાના રશિયન સમાજને આલેખતી આ નવલકથાની પાર્શ્વભૂમિકા મૉસ્કો, સેંટ પીટર્સબર્ગ અને ગામડાની જાગીરદારીની છે. બે પ્રણયપ્રસંગો કથાના કેન્દ્રસ્થાને છે : લેવિન અને કિટ્ટી શેરબત્સ્કીનું સુખી દામ્પત્ય અને કાઉન્ટ વ્રૉન્સ્કી અને આના કૅરેનિન વચ્ચેનો દુ:ખદ પ્રણયસંબંધ.

લેવિન ઉદાર અને ભલો જમીનદાર છે. મૉસ્કોના અમીરની પુત્રી પ્રિન્સેસ ઍક્ટેરિના(કિટ્ટી)ના પ્રેમમાં છે. સુંદર અને ધનવાન યુવાન કાઉન્ટ વ્રૉન્સ્કી પણ કિટ્ટીને ચાહે છે. કિટ્ટીની માતા વ્રૉન્સ્કીને વધુ સારો ઉમેદવાર માને છે. લેવિન હિંમત કરીને કિટ્ટી આગળ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે ત્યારે કિટ્ટી તેનો અસ્વીકાર કરે છે. લેવિન આ આઘાત રુઝવવા ગામડે ચાલ્યો જાય છે.

વ્રૉન્સ્કીને લગ્ન કરતાં તો ભ્રમરવૃત્તિમાં રસ છે. એટલે કિટ્ટીના બનેવીની બહેન આના કૅરેનિન જોડે પ્રેમચેષ્ટા કરે છે. કિટ્ટીને બેવડો આઘાત લાગે છે, લેવિનના પ્રેમને એણે તરછોડ્યો એનો, અને વ્રૉન્સ્કીએ એને છેહ દીધો તેથી એની તબિયત બગડેલી માટે તે જર્મની હવાફેર માટે જાય છે. લેવિન તેની જાગીરની સંભાળ રાખે છે. થોડા સમય પછી ફરીથી તે કિટ્ટી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે અને આખરે બંને પરણીને સુખી થાય છે. કિટ્ટીને દીકરો જન્મે છે, લગ્ન પછી લેવિનના જીવનમાં આધ્યાત્મિક વળાંક આવે છે.

આના કૅરેનિન ઍલેક્સ કેરેનિનની પત્ની છે, પરંતુ પતિના રુક્ષ વ્યવહારને કારણે તેને પતિ પ્રત્યે લાગણી રહેતી નથી. આના પ્રેમાળ માતા છે. જ્યારે વ્રૉન્સ્કી આના પ્રત્યે પ્રેમ કરે છે ત્યારે આના મૉસ્કો છોડી સેંટ પીટર્સબર્ગ જતી રહે છે. વ્રૉન્સ્કી આનાનો રેલગાડીમાં પીછો પકડે છે. તે પછી બંને વચ્ચે પ્રેમ ઝડપથી આગળ વધે છે. એને પરિણામે આના સગર્ભા બને છે. એ જાણીને વ્રૉન્સ્કી આઘાતથી નીચે પડી જાય છે અને ઘવાય છે. આના પતિ આગળ તેના વ્રૉન્સ્કી સાથેના પ્રેમની કબૂલાત કરે છે. ઍલેક્સ મૂંઝાય છે. વ્રૉન્સ્કી હવે પછી તેને ઘેર આવે નહિ એ શરતે વાત પર તે ઢાંકપિછોડો કરે છે. પતિની શરતનો આના અને વ્રૉન્સ્કી ભંગ કરે છે. પોતે પ્રસૂતિમાં મૃત્યુ પામશે એમ લાગતાં આના પતિની ફરીથી માફી માગે છે, જે તેને મળે છે. વ્રૉન્સ્કી શરમથી જાત પર ગોળીબાર કરી આપઘાત કરવા પ્રયાસ કરે છે.

આના કે વ્રૉન્સ્કી મૃત્યુ પામતાં નથી. આના પતિ સાથે રહેવા ઇચ્છતી નથી. પતિપત્ની છૂટાં પડે છે ત્યારે તેમના પુત્રનો કબજો પતિ ઍલેક્સ કૅરેનિન પાસે છે. વ્રૉન્સ્કીથી આનાને અવતરેલી પુત્રી આનાની સાથે છે. વ્રૉન્સ્કી અને આના દેશ બહાર અનેક સ્થળે મુસાફરી કરે છે, પરંતુ વતનપ્રેમ તેમને પાછાં રશિયા લાવે છે. આના તેના પુત્રને મળવા એકાએક તેના પ્રથમ પતિને ઘેર જાય છે. પુત્રને તેની માતા મૃત્યુ પામી છે એવું કહેવામાં આવ્યું છે. સેંટ પીટર્સબર્ગનો સમાજ આનાને આવકારવા તૈયાર નથી. તે વ્રૉન્સ્કી સાથે તેની જાગીર પર રહેવા જાય છે. ત્યાંનું વાતાવરણ વિલાસી છે તેમ ઝેરી, દૂષિત પણ છે. એક સ્ત્રીને ખાતર પોતાની કારકિર્દીનો ભોગ આપવા બદલ વ્રૉન્સ્કીને રોષ થાય છે. પોતાની અનૌરસ પુત્રીને કૅરેનિનનું નામ પિતા તરીકે સ્વીકારવું પડશે જાણી દુ:ખ થાય છે. તે આનાને છૂટાછેડા લેવા દબાણ કરે છે. કૅરેનિન છૂટાછેડા આપવાની ના પાડે છે. આનાનો સ્વભાવ હવે ઈર્ષાળુ બન્યો છે. વ્રૉન્સ્કીની માતા પુત્રને બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવા દબાણ કરે છે. આના ઝઘડો કરી એક રાતે મૉર્ફીન – અફીણ લે છે, છેવટે તે ટ્રેન નીચે ઝંપલાવી મૃત્યુ પામે છે. વ્રૉન્સ્કી ખાલી એકલતાવાળા કટુ જીવનમાંથી છૂટવા તુર્કી સામે જાગેલ યુદ્ધમાં જોડાઈ મૃત્યુને ભેટવા તૈયાર થાય છે. આ રીતે આ મહાન નવલકથા પ્રેમમાં માલિકી અને સ્વાર્થની ભાવના ભળતાં કેવો કરુણ અંત આવે છે તે દર્શાવે છે.

વાતાવરણનું અને પાત્રોનું જીવંત આલેખન આ નવલકથાની સિદ્ધિ છે. ઓગણીસમી સદીના આઠમા દાયકાના રશિયન સામાજિક જીવનનું આ કથામાં વાસ્તવિક ચિત્ર આલેખાયું છે. એક બાજુ એ સમયના ધનિક લોકોનાં દંભ અને વિલાસિતા, અને બીજી બાજુ સાચો પ્રેમ, ઉદારતા, સમાજની રૂઢિચુસ્તતા વગેરેનું એમાં હૃદયસ્પર્શી ચિત્રણ છે. લેવિન પોતાની ડાયરી કિટ્ટીને આપે છે, તેમાં એના જીવનના અન્ય પ્રણયપ્રસંગોનું ચિત્રણ હોય છે. તે પ્રસંગો તૉલ્સ્તૉયની પોતાની ડાયરીમાંથી લેવાયા હોવાનું મનાય છે. આ કથાને જગતની ઉત્તમ નવલકથાઓમાં સ્થાન અપાયું છે. આ જ નામે ભોગીલાલ ગાંધીએ અને ‘તરલા’ શીર્ષકથી ભોગીન્દ્રરાવ દિવેટિયાએ આ નવલકથાના અનુવાદ કર્યા છે.

કૃષ્ણવદન જેટલી