દત્તાની, મહેશ (જ. 7 ઑગસ્ટ 1958, બૅંગાલુરુ) : ભારતીય અંગ્રેજી નાટ્યકાર. દિગ્દર્શક અને અભિનેતા. એમણે શિક્ષણ બૅંગાલુરુમાં. વિજ્ઞાપન વિષયમાં સ્નાતકોત્તર પ્રમાણપત્ર (diploma). થોડોક સમય પારિવારિક વ્યવસાયમાં રહ્યા; પરંતુ નાટ્યપ્રવૃત્તિમાં સવિશેષ રસને લીધે તે પ્રવૃત્તિને પૂર્ણ સમયનો વ્યવસાય બનાવ્યો. બૅંગાલુરુમાં પર્ફૉર્મિંગ આર્ટ્સ ગ્રૂપ ‘પ્લે પેન’ની સ્થાપના કરી અને તેના સંસ્થાપક-નિર્દેશક બન્યા. ભારતીય નાટકોને અંગ્રેજી ભાષામાં અનૂદિત કે રૂપાંતરિત કરીને ભજવવાનું કાર્ય આ સંસ્થા દ્વારા થાય છે. વળી અંગ્રેજીમાં લખાયેલ ભારતીય નાટકોના વિકાસ માટે પણ આ સંસ્થા કાર્ય કરે છે. દત્તાનીએ બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન-(બી.બી.સી.)ની રેડિયોની ચૅનલ માટે નાટકો લખ્યાં છે. ‘ડ્રાન્સ લાઇક એ મૅન’ (1889), ‘તારા’ (1990), ‘બ્રેવલી ફૉર ધ ક્વીન’ (1991), ‘ફાઇનલ સોલ્યુશન’ (1993), ‘ઑન એ મગી નાઇટ ઇન મુંબઈ’ (1998), ‘સેવન સર્કલ્સ રાઉન્ડ ધ ફાયર’ (1998), ‘30 ડેઝ ઇન સપ્ટેમ્બર’ (2001), ‘બ્રિફ કેન્ડલ’ (2009) ઇત્યાદિ એમની નાટ્યકૃતિઓ છે. એમણે એમાંની કેટલીક કૃતિઓ ભજવી છે અને તેનું દિગ્દર્શન પણ કર્યું. ‘ડ્રાન્સ લાઇક એ મૅન’ પર ફિલ્મ બની કે જેને 1998નો ઍવૉર્ડ પણ મળ્યો છે.
દિલ્હી, મુંબઈ અને લંડનમાં રજૂઆત પામેલ કેટલાંક નાટકોના તેઓ દિગ્દર્શક પણ રહ્યા છે. વળી તેમણે ‘ભરતનાટ્યમ્’નું શિક્ષણ લીધું છે. તેમનાં ‘તારા’ અને કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત (1998) ‘ફાઇનલ સૉલ્યુશન્સ ઍન્ડ અધર પ્લેઝ’ નાટકો પ્રસિદ્ધ થયાં છે. તેમને સાહિત્ય કલા પરિષદ ઍવૉર્ડથી પણ સંમાનિત કરવામાં આવેલ છે. તેમના બીજા નાટ્યગ્રંથમાં ચાર કૃતિઓનો સમાવેશ છે અને તે બધાં ભારતમાં જુદાં જુદાં સ્થળોએ ભજવાયાં છે. આ નાટકોમાં લેખકે કઠિન વિષય-વસ્તુને સંવેદનશીલતા અને સમજણ સાથે રજૂ કર્યાં છે.
સમકાલીન ભારતમાં ડગલે ને પગલે ઊભાં થતાં સાંપ્રદાયિક મતમતાંતરો અને દંગાઓ, સ્ત્રીપુરુષ સંબંધોમાંની વિષમતા તથા સ્ત્રી પ્રત્યેની અવજ્ઞા, વાણિજ્યવ્યવહારગત મૂલ્યહ્રાસ વગેરે વિષયો પ્રતિ દત્તાનીનું ધ્યાન ગયું છે અને પરિણામે તેમની કલમ દ્વારા અંગ્રેજીમાં લખાતાં ભારતીય નાટકોને જરૂરી પોષણ મળતું રહ્યું છે.
વિ. પ્ર. ત્રિવેદી