દકીકી (જ. 10મી સદી; અ. 977) : ઈરાનના સામાની વંશનો છેલ્લો કવિ. આખું નામ અબુ મનસૂર મુહમ્મદ બિન એહમદ દકીકી તૂસી. સામાની વંશના બીજા કવિઓમાં રૂદકી પછી તે આવે. કેટલાકે તેનું વતન બલ્ખુ બુખારા કે સમરકંદ જણાવ્યું છે. બીજા મત મુજબ તે તૂસમાં જન્મ્યો હતો અને બલ્ખનો નિવાસી હતો.
દકીકીને નૂહ બિન મન્સૂર સામાનીના દરબાર સાથે સંબંધ હતો. તેની કવિત્વશક્તિની ખ્યાતિને લીધે અમીર નૂહ બિન મનસૂરે પોતાના દરબારમાં સ્થાન આપ્યું હતું. શરૂઆતમાં તે માવરાઉન્હેરના શાસક ફખરૂદ્દવલહ અબુ સઈદ મનસૂર યુગાનીની પ્રશંસામાં કસીદાકાવ્યો રચતો. અમીર નૂહ બિન મનસૂરની આજ્ઞા અનુસાર તેણે શાહનામા લખવાની શરૂઆત કરી હતી. દકીકીની ખ્યાતિ મહદ્અંશે તેના શાહનામાને કારણે છે. શાહનામાની એક હજાર પંક્તિઓ લખ્યા પછી તે પોતાના એક ગુલામના હાથે 977માં માર્યો ગયો હતો. તેથી શાહનામાની રચનાનું કાર્ય અધૂરું રહ્યું. ફિરદોસીએ પોતાના શાહનામામાં આ હજાર પંક્તિઓનો સમાવેશ કરીને તેનો ઋણસ્વીકાર કર્યો છે. તેની આ પંક્તિઓમાં દકીકીએ ગુશ્તાસપ અને જરથુષ્ટ્રના ઉદગમ અંગેનું વર્ણન કર્યું છે. તેમાં જરથુષ્ટ્રની ભારોભાર પ્રશંસા છે.
શાહનામા ઉપરાંત દકીકીએ કસીદા, ગઝલ અને કિતઆ પણ લખ્યાં છે. તેના થોડા કસીદા પ્રાપ્ય છે. તેમાં ખાસ પ્રકારની શૈલી અને બોધ જોવા મળે છે. તે દરેક પ્રકારનાં કાવ્યોની રચના કરતો. તેની શૈલી સચોટ અને ભાષા શુદ્ધ છે. તેનાં નાનાં કાવ્યો રંગદર્શી મિજાજનાં છે. ઐતિહાસિક બનાવોનું વર્ણન તે તાર્દશ કરે છે. તેના સમયમાં ફારસી પર અરબીની અસર વધુ હતી; છતાં દકીકીએ પોતાની ભાષાને શબ્દોની ભેળસેળથી પર રાખી હતી.
ઈસ્માઈલ કરેડિયા