થૉમસ, સર હર્બટ (જ. 1606, યૉર્ક; અ. 1 માર્ચ 1682, યૉર્ક) : અંગ્રેજ મુસાફર અને લેખક. ક્રિસ્ટોફર હર્બટના પુત્ર. હર્બટે પોતાના પ્રવાસ વિશે 1634માં ત્રણ ગ્રંથો લખ્યા હતા, જેમાં પર્શિયન રાજાશાહીના વર્ણનના અને આફ્રિકા-એશિયાના પ્રવાસવર્ણનના ગ્રંથો મુખ્ય છે. આમાંય આફ્રિકા-એશિયાના વર્ણનગ્રંથની કુલ ચાર આવૃત્તિઓ અનુક્રમે થઈ હતી. ઑક્સફર્ડ અને કેમ્બ્રિજમાં ભણેલા હર્બટ પછીથી પૅરિસ ખાતેના એલચી સર ડોડમોર કૉટનના રસાલામાં સર રૉબર્ટ શિરલે સાથે જોડાયા. 1627ના માર્ચ મહિનામાં સફર દરમિયાન હર્બટ કેપ ઑવ્ ગુડ હોપ થઈ માડાગાસ્કર અને ગોવા થઈને સૂરત આવ્યા (જાન્યુઆરી, 1628). એ ત્રણેય ભારતમાં ખૂબ ફર્યા તે દરમિયાન કૉટન અને શિરલે મૃત્યુ પામ્યા. તે પછી મોરેશિયસ અને સેન્ટ હેલેનાની મુલાકાત લઈ 1626માં હર્બટ ઇંગ્લૅન્ડ પહોંચ્યા. 1630–31માં યુરોપમાં ફર્યા. 1634માં નિવૃત્ત થઈ પછી લેખનકાર્ય કર્યું. ઇંગ્લૅન્ડમાં સિવિલ વૉર વખતે પાર્લમેન્ટની તરફેણમાં રહ્યા. 1660માં બ્રિટનમાં સ્ટુઅર્ટ રાજાની પુન:સ્થાપનાના સમયે તેઓ બૅરોનેટનું સન્માન પામ્યા હતા.
રસેશ જમીનદાર