થીબ્ઝ (ઇજિપ્ત) : પ્રાચીન ઇજિપ્ત અથવા મિસરનું સદીઓ સુધી પાટનગર. ઇજિપ્તમાં રાજાશાહીની શરૂઆત કરનાર મેનિસે એની સ્થાપના કરી હતી. થીબ્ઝ નગર નાઈલ નદીના બંને કાંઠે પથરાયેલું હતું. એમાં લક્સરનો મહેલ અને કર્ણાકનું મંદિર પૂર્વ કાંઠે આવેલાં હતાં. જ્યારે ગુરનાહ અને મેન્ડિનેટ હબુ નામના વિસ્તારો પશ્ચિમ કાંઠે આવેલા હતા.
ઈ. સ. પૂ. 1500થી ઈ. સ. પૂ. 1000 દરમિયાન એની સૌથી વધારે જાહોજલાલી હતી. થટમોસ રાજાઓએ પણ એ સમય દરમિયાન રાજ કર્યું હતું. ઈ. સ. પૂ. 800થી એનું મહત્વ ઘટવા માંડ્યું અને મેમ્ફિસ નગરનું મહત્વ વધવા લાગ્યું. થીબ્ઝ એ ભવ્ય અવશેષો અને ખંડેરોવાળું સ્થળ છે, પરંતુ અત્યારે ત્યાં માત્ર થોડા આરબો જ વસવાટ કરે છે, જે પ્રવાસીઓના માર્ગદર્શક તરીકે કામ કરે છે. લક્સરના મહેલ પાસે લાલ ગ્રૅનાઇટ પથ્થરના બે સ્મૃતિસ્તંભો હતા. તેમાંનો એક પૅરિસના પ્લેસ ડી લા કૉન્કોર્ડમાં મૂકવામાં આવ્યો છે.
થીબ્ઝમાં ઇજિપ્તના રાજાઓનાં વિશાળ કબ્રસ્તાનો આવેલાં હતાં. ખડકો વચ્ચે રહેલી સુંદર કબરોમાંથી હજારો મમીઓ બહાર કાઢવામાં આવ્યાં છે. ઇજિપ્તના લોકો મૃતદેહોમાં રસાયણો, દવાઓ અને મસાલાઓ ભરીને લાંબા સમય સુધી સાચવી રાખતા, જે મમી તરીકે ઓળખાતા. થીબ્ઝમાં વિશાળ મંદિરો, મહેલો અને સ્મારકોના અવશેષો છે. એમાં એક મેમ્નોનનું પૂતળું પણ છે, જેમાંથી દરરોજ સવારે સૂર્યોદય સમયે ધનુષ્યના ટંકાર જેવો મોટો અવાજ નીકળતો હતો. એમાં કોઈ તરકીબ હશે અથવા કોઈ માણસ છુપાઈને આવો અવાજ કરતો હશે એમ માનવામાં આવે છે.
અહીં આવેલાં અન્ય સ્મારકોમાં રામસીસ–બીજાનું મંદિર, રામસીસ–ત્રીજાનું મંદિર અને મહેલ વગેરેનો સમાવેશ થાય છે. થીબ્ઝના મહારથીઓ ચડાઈઓ દ્વારા અરબસ્તાન, ઇથોપિયા અને એશિયા માઇનોરમાંથી પુષ્કળ ધનસંપત્તિ લાવતા અને એનાથી થીબ્ઝનાં મંદિરો તથા મહેલોને શણગારતા. ઈરાનના સમ્રાટ કેમ્બિસીસે ઈ. સ. પૂ. 525માં આ શહેરને લૂંટીને ઘણી મોટી સંપત્તિ મેળવી હતી એમ કહેવાય છે. આમ, થીબ્ઝ પ્રાચીન ઇજિપ્તનું ભવ્ય પાટનગર હતું, જેના અવશેષોએ પ્રાચીન ઇજિપ્તનાં ઇતિહાસ તથા સંસ્કૃતિ પર મહત્ત્વનો પ્રકાશ પાડ્યો છે. ઈ. સ. પૂ. 29માં રોમનોએ એનો નાશ કર્યો હતો.
મુગટલાલ પોપટલાલ બાવીસી