થિયમ, રતન (જ. 20 જાન્યુઆરી 1948, મણિપુર) : મણિપુરના ખ્યાતનામ પ્રયોગશીલ નટ, દિગ્દર્શક, નાટ્યકાર. મણિપુરી રાસના જાણીતા ગુરુ તરુણકુમાર થિયમના પુત્ર રતન થિયમ 1974માં દિલ્હીના રાષ્ટ્રીય નાટ્યવિદ્યાલય(એન.એસ.ડી.)માંથી સ્નાતક બનીને બહાર આવ્યા અને ભારતના અગ્રણી સર્જનાત્મક પ્રયોગશીલ દિગ્દર્શક તરીકે બે જ દાયકામાં કીર્તિ સંપાદન કરી. ઇમ્ફાલની એમની કોરસ રેપરટરી થિયેટર મંડળીએ 1976થી દેશવિદેશમાં પોતાનાં નાટકો પ્રસ્તુત કરીને ભારે લોકચાહના હાંસલ કરી છે. રતન થિયમનાં સૌથી નોંધપાત્ર નાટ્ય-નિર્માણોમાં ગ્રીક નાટ્યકાર સૉફોક્લીઝનું ‘ઍન્ટિગની’, ભાસનાં નાટકો – ‘ઊરુભંગ’, ‘કર્ણભાર’ અને સ્વલિખિત ‘ચક્રવ્યૂહ’ સહિતની મહાભારત ટ્રિલૉજી; ધર્મવીર ભારતીનું ‘અંધાયુગ’, કુંડલીકનું ‘ચક્ર’, બાદલ સરકારનું ‘જુલુસ’, સ્વલિખિત ‘ઇમ્ફાલ-ઇમ્ફાલ’ વગેરેનો સમાવેશ થાય છે. મણિપુરી નૃત્ય, લોકપ્રણાલીઓ અને ગયા બે દાયકાની ભારતની ‘નવ-થિયેટર’ માટેની ઝુંબેશનો પડઘો ઝીલી રતન થિયમે નાટ્યનિર્માણ ઉપરાંત નટની તાલીમ અને નાટ્યલેખનમાં ખૂબ મોટું પ્રદાન કર્યું છે. મણિપુરની રાસલીલા, થાંગ તા, મોઇશાં પર્બ અને વારી લીલાની પરંપરિત પ્રણાલીઓને આ તાલીમ અને નિર્માણોમાં એ પ્રયોજે છે. વેશભૂષા, પ્રકાશ અને સંગીતનું આયોજન ખૂબ વિશિષ્ટ હોય છે અને નટોનો આંગિક-વાચિક અભિનય પ્રસ્તુતિની જગ્યા સાથે એ રીતે અભિવ્યક્તિશીલ બને છે કે નટ અને પ્રેક્ષક પ્રત્યાયનની ગાંઠે ગંઠાય છે. એમની રંગભૂમિની પ્રવૃત્તિને ગૌરવ આપતા અનેક પુરસ્કારો એમને એનાયત થયા છે : સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ 1987, ‘પદ્મશ્રી’ 1989, નાંદીકાર ઍવૉર્ડ, 1992, કાલિદાસ સન્માન 2005, ભારતમુનિ સન્માન 2011, ભૂપેન હઝારિકા ફાઉન્ડેશન ઍવૉર્ડ 2013 વગેરે. દેશવિદેશના અનેક નાટ્યસમારોહો અને પરિષદોમાં એમણે ભાગ લીધો છે. રતન થિયમ ત્રણ વર્ષ માટે રાષ્ટ્રીય નાટ્યવિદ્યાલયના નિયામક પણ હતા. તાજેતરમાં (2013થી) રતન થિયમ રાષ્ટ્રીય નાટ્યવિદ્યાલયના અધ્યક્ષ તરીકે સંકળાયા છે. પાંચ મૌલિક નાટકો ઉપરાંત એમણે ચાર નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ અને બે કાવ્યસંગ્રહો પણ પ્રસિદ્ધ કર્યાં છે.
એમણે પોતાની મણિપુરી નાટ્યની શૈલીથી સભર – મણિપુરના નવનાટ્યની ઘણી વિશિષ્ટ કહી શકાય એવી નાટ્યપ્રણાલિકાનું સર્જન કર્યું છે. ભારતના રાષ્ટ્રીય નવનાટ્યની ખોજમાં તેમનું આ એક અતિ મહત્વનું પ્રદાન છે.
હસમુખ બારાડી
ગોવર્ધન પંચાલ