થાયોનિલ ક્લોરાઇડ : સલ્ફર ઑક્સિક્લોરાઇડ અથવા સલ્ફ્યુરસ ઑક્સિક્લોરાઇડ તરીકે પણ ઓળખાતું રંગવિહીન કે આછા પીળા રંગનું પ્રવાહી. તેની વાસ ગૂંગળામણ ઉપજાવે તેવી તીવ્ર હોય છે. તેનું ઉ.બિં. 78.8° સે., સૂત્ર SOCl2 અથવા OSCl2 ઠાર-બિંદુ –105° સે. તથા વિ. ઘનતા 1.638 છે. 140° સે. તાપમાને તે વિઘટન પામે છે. પાણીમાં પણ ધુમાડા સાથે વિઘટન પામીને સલ્ફ્યુરસ ઍસિડ બનાવે છે. આથી તેને સલ્ફ્યુરસ ઍસિડનો ક્લોરાઇડ કહી શકાય. બેન્ઝિન તથા કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં તે દ્રાવ્ય છે.
તે ચામડી અને સ્નાયુનો પ્રબળ પ્રકોપક છે. થાયોનિલ ક્લોરાઇડ બનાવવા માટે PCl5 ઉપર SO2 વાયુ પસાર કરી નીપજતા પ્રવાહીનું આંશિક નિસ્યંદન કરવામાં આવે છે.
SO2 + PCl5 → SOCl2 + POCl3
તેનું ઔદ્યોગિક ઉત્પાદન કરવા માટે સલ્ફર ક્લોરાઇડમાં 75°થી 80° સે. તાપમાને SO3 ઉમેરીને મિશ્રણમાં ક્લોરિન વાયુનો પ્રવાહ પસાર કરવામાં આવે છે જે છૂટા પડતા સલ્ફરને ફરી સલ્ફર ક્લોરાઇડમાં ફેરવે છે :
SO3 + S2Cl2 → SOCl2 + SO2 + S
થાયોનિલ ક્લોરાઇડ કીટનાશક તરીકે, ઇજનેરી પ્લાસ્ટિક બનાવવા, તથા ઉદ્દીપક તરીકે વપરાય છે. તેના ઉ.બિં.થી ઉપરના તાપમાને તેનું S2Cl2, SO2 અને Cl2 માં વિઘટન શરૂ થતું હોઈ તે કાર્બનિક રસાયણમાં કલોરિનીકરણ માટે વધુ વપરાય છે.
જગદીશ જ. ત્રિવેદી