થાયરેટ્રૉન : ધનધ્રુવ અને ઋણધ્રુવ વચ્ચે ગ્રિડ રાખવામાં આવેલ હોય તેવી ગૅસટ્યૂબ. ગ્રિડ અને ઋણધ્રુવ (કૅથોડ) વચ્ચે ધનવોલ્ટતા આપવાથી આ ટ્યૂબ કાર્યાન્વિત બને છે.

આકૃતિ 1

આકૃતિ 1 થાયરેટ્રૉનનું સાંકેતિક ચિત્ર દર્શાવે છે. ઔદ્યોગિક ઇલેક્ટ્રૉનિક સાધનોમાં જેનો ખૂબ ઉપયોગ થાય છે તે થાયરિસ્ટરો વિકાસ પામ્યાં તે પહેલાં થાયરેટ્રૉન સાધનો ખૂબ પ્રચલિત હતાં. હજુ પણ ખૂબ મોટા પાવર વાપરતાં સાધનોમાં થાયરેટ્રૉન વાપરી શકાય છે. થાયરેટ્રૉન ગૅસટ્યૂબના બે મુખ્ય પ્રકાર છે : ઠંડો ઋણધ્રુવ હોય તેવી ગૅસટ્યૂબ અને ગરમ ઋણધ્રુવ હોય તેવી ટ્યૂબ. બીજા પ્રકારની ટ્યૂબનું કાર્ય Silicon-Controlled Rectifier  SCRને મળતું છે અને તે વિશેષ પ્રમાણમાં વપરાય છે. આકૃતિ 2 ગરમ ઋણ-ધ્રુવવાળી થાયરેટ્રૉન ટ્યૂબની વિગત દર્શાવે છે.

થાયરેટ્રૉન ટ્યૂબમાં ધન અને ઋણ-ધ્રુવો વચ્ચે વધારે વીજદાબ(voltage)ની તેમજ ફિલામેન્ટ માટે જુદા પાવરસપ્લાયની જરૂર પડે છે, જ્યારે SCRમાં માત્ર એક સપ્લાય અને એક કંટ્રોલ-સિગ્નલ પૂરતા છે. વળી આયનીકરણ (ionisation) અને વ્યયનન(deionisation)નો સમય થાયરેટ્રૉનમાં SCR/થાયરિસ્ટર કરતાં પ્રમાણમાં વધુ છે.

આ કારણે થાયરેટ્રૉનનો ઉપયોગ 1 કિલોહર્ટ્સ(KHz)થી વધુ આવૃત્તિવાળાં સાધનો માટે થઈ શકતો નથી પરંતુ થાયરેસ્ટર ઘણી વધુ આવૃત્તિવાળાં કામોમાં વાપરી શકાય છે.

આકૃતિ 2

થાયરેટ્રૉનમાં માધ્યમ તરીકે ગૅસ છે, તેના બંને ધ્રુવો વચ્ચે વધારે વીજદાબ રાખવો પડે છે અને તે વીજદાબ-આધારિત છે. આ ત્રણે બાબતો થાયરેટ્રૉનની મોટી મર્યાદા છે. થાયરિસ્ટરમાં વીજદાબ ઓછો, માધ્યમ તરીકે ગૅસને બદલે ધન-સ્વરૂપમાં ‘અર્ધવાહકો’ તેમજ વીજદાબ-આધારિતતાને બદલે વીજપ્રવાહઆધારિતતા છે. આ કારણસર થાયરેટ્રૉનને બદલે થાયરિસ્ટર બહોળા પ્રમાણમાં વપરાય છે.

જગદીશભાઈ કાશીભાઈ ચૌહાણ