થાક (fatigue) : શારીરિક કાર્ય/પ્રવૃત્તિ કરતી વેળા અથવા કર્યા પછી અતિ ઝડપથી અશક્તિનો થતો અનુભવ. તેને ક્લાંતિ અથવા શ્રાંતિ પણ કહે છે. થાકના જેવાં બીજાં લક્ષણો (symptoms) છે; જેમ કે, શ્રાંતિશંકા અથવા દુર્બલતા (asthenia) અને સ્નાયુ-નબળાઈ (muscular weakness). વ્યક્તિ જેનાથી ટેવાયેલી હોય તેથી વધુ શારીરિક કાર્ય કરે ત્યારે થાકી જાય છે. સતત લાંબા સમયના જોરદાર સંકોચન પછી સ્નાયુ થાકની સ્થિતિમાં પ્રવેશે છે. કસરતબાજો પરના પ્રયોગોએ દર્શાવ્યું છે કે સ્નાયુમાંનું ગ્લાયકોજન નામનું દ્રવ્ય જેટલી માત્રામાં ઘટે તેટલા પ્રમાણમાં થાક લાગે છે. સ્નાયુ જ્યારે સંકોચાય ત્યારે તેમાં સંગૃહીત ગ્લાયકોજનનું વિઘટન થાય છે અને તેમાંથી ગ્લુકોઝ-6-મોનોફૉસ્ફેટ બને છે, જે સ્નાયુને જરૂરી ઊર્જા (શક્તિ) પૂરી પાડે છે. જ્યારે સ્નાયુને સંકોચન સમયે જરૂરી ઊર્જા મળતી બંધ થાય ત્યારે થાકની સંવેદના થાય છે. જો સ્નાયુને મળતો લોહીનો પુરવઠો ઘટે અથવા બંધ થાય તો એક કે તેથી વધુ મિનિટોમાં ઑક્સિજન અને અન્ય પોષક તત્વો ન મળવાથી પણ સ્નાયુમાં થાક વરતાય છે. ચેતા-સ્નાયુસંગમ(neuromuscular junction)માં થઈને આવતા  ચેતાઓ (nerves)ના સંદેશાઓ ઘટે છે તેથી પણ સ્નાયુની સંકોચનક્રિયા ઘટે છે. વારંવાર સંકોચન માટેના સંદેશાઓ આવે ત્યારે ચેતા અને સ્નાયુતંતુઓના જોડાણ(ચેતા-સ્નાયુસંગમ)માં જરૂરી એવું ચેતા-સંદેશાવાહક (neurotransmitter) દ્રવ્ય એસિટાઇલ કોલિન ખૂટી જાય છે. તેથી સ્નાયુમાં સંદેશાઓ આવતા અટકે છે અને સ્નાયુની સંકોચનશીલતા ઘટે છે, જે થાક રૂપે અનુભવાય છે.

સામાન્ય રીતે ચેતા-સ્નાયુસંગમમાં ફક્ત 10,000 સંદેશાઓ માટેનો જ ચેતાસંદેશાવાહકનો જથ્થો હોય છે. તે વારંવાર અને ખૂબ ઝડપથી આવતા સંદેશાઓ માટે ઓછો પડે છે. તેથી આંચકી (convulsion) વખતે પણ વારંવાર આવતા સંદેશાઓથી જે અતિઉત્તેજનશીલતા(hyperexcitability)ની સ્થિતિ થાય છે તેમાં ચેતાસંદેશાવાહકની ખોટ વરતાય છે અને તેથી આંચકી શમે છે તે સમયે સ્નાયુઓ થાકી જાય છે. આમ ચેતા-સ્નાયુસંગમ કે બે ચેતાઓ મળે તે ચેતા-ચેતાસંગમ(synapse)માંના સંદેશવાહક દ્રવ્યની ખોટથી ઉદભવતો થાક ચેતાતંત્રની અતિઉત્તેજનશીલતાને ઘટાડે છે અને ચેતાતંત્રને સ્થિર કરે છે. તેથી એક પછી એક આવતા સંદેશાઓને કારણે ઉદભવતાં સ્નાયુસંકોચનો ક્રમશ: નબળાં થતાં જાય છે.

સ્નાયુ-સંકોચન વખતે ત્રણ જુદી જુદી પદ્ધતિએ ઊર્જા મળે છે :  (1) ફૉસ્ફાજેન તંત્ર, (2) ગ્લાયકોજન-લૅક્ટિક ઍસિડ તંત્ર અને (3) જારક (aerobic) તંત્ર. એડિનોસાઇન ટ્રાઇફૉસ્ફેટના અણુમાંથી ફૉસ્ફેટના બે મૂલાંકુરો (radicals) નીકળે ત્યારે 7300 × 2 = 14600 કૅલરી ઊર્જા મુક્ત થાય છે. તેવી જ રીતે ક્રિયેટિન ફૉસ્ફેટમાંનો ફૉસ્ફેટ મૂલાંકુર મુક્ત થાય ત્યારે પણ શક્તિ મળે છે. આ પ્રકારની ઊર્જા એકદમ ઝડપી અને ટૂંકા ગાળા માટે મળે છે. 100 મીટરની દોડ, કૂદકો મારવો, વજન ઊંચકવાની હરીફાઈમાં ભાગ લેવો, પાણીમાં કૂદકો મારવો કે ફૂટબૉલ રમતી વખતે એકદમ દોડવું વગેરે ટૂંકા ગાળાની એકદમ વધુ શક્તિ વાપરતી ક્રિયાઓમાં ફૉસ્ફેટના મૂલાંકુરો છૂટા પડવાથી ઉત્પન્ન થતી ફૉસ્ફાજેન તંત્રની ઊર્જા કામ આવે છે. ગ્લુકોઝ, ચરબી અને ઍમિનો- ઍસિડનું કણાભસૂત્રો(mitochondria)માં રાસાયણિક દહન થાય અને તેમાંથી જે શક્તિ ઉત્પન્ન થાય તે ઑક્સિજનની હાજરીમાં જ શક્ય બને છે. તેથી તેને જારક તંત્ર કહે છે. જ્યાં સુધી પોષક દ્રવ્ય હોય ત્યાં સુધી એટલે કે લાંબા ગાળા સુધી આ પ્રકારે ઊર્જા મેળવી શકાય છે. ફૉસ્ફાજેન તંત્ર ફક્ત 8થી 10 સેકન્ડ માટે જ ઊર્જા આપે છે. 400 મીટરની દોડ, 100 મીટર તરવું, ટેનિસ કે સૉકર રમવું વગેરે 1થી 3 કે 1થી 6 મિનિટનો શ્રમ કરાવતી રમતો કે ટૂંકા સમયના શ્રમવાળાં કાર્યોમાં સ્નાયુઓમાંના ગ્લાયકોજનના જથ્થાનું વિઘટન થાય છે. તેના બે તબક્કા છે : પ્રથમ તબક્કાને અંતે પાયરુવિક ઍસિડ બને છે અને તે વખતે ઉત્પન્ન થતી ઊર્જા માટે ઑક્સિજન વપરાતો નથી. ત્યારબાદ જો પૂરતો અને સતત ઑક્સિજનનો પુરવઠો મળે તો કણાભસૂત્રોમાં જારક તંત્ર દ્વારા વધુ ઊર્જા મળે છે. આ બીજા તબક્કાને ક્રેબનું ચક્ર કહે છે. તેમાં ઑક્સિજનની હાજરી જરૂરી છે. આ સમયે જો સતત અને પૂરતો ઑક્સિજન ન મળે તો પાયરુવિક ઍસિડમાંથી લૅક્ટિક ઍસિડ બને છે અને ઊર્જા ઉત્પન્ન થાય છે. જ્યારે લૅક્ટિક ઍસિડ વધુ પ્રમાણમાં બને છે ત્યારે તે સ્નાયુકોષોમાંથી નીકળીને આસપાસના પ્રવાહીમાં તથા લોહીમાં ભળે છે. લૅક્ટિક ઍસિડનો ભરાવો થાક સર્જે છે. જ્યારે ફરીથી ઑક્સિજનનો પુરવઠો પૂરતો થઈ પડે તેવી સ્થિતિ થાય એટલે કાં તો લૅક્ટિક ઍસિડનો ચયાપચય થાય છે અથવા યકૃત (liver) દ્વારા તેને ગ્લુકોઝમાં રૂપાંતરિત કરાય છે. આ ગ્લુકોઝ ફરીથી સ્નાયુઓમાં ગ્લાયકોજન રૂપે સંગૃહીત થાય છે. 1થી 3 મિનિટ જેટલું લાંબું ચાલતાં તથા ઑક્સિજનની ઊણપવાળી સ્થિતિમાંનાં સ્નાયુસંકોચનોમાં લૅક્ટિક ઍસિડનું ઉત્પાદન થવાથી થાક લાગે છે.

જુદા જુદા રોગો અને વિકારોમાં અસામાન્ય થાક લાગે છે. આવો થાક સ્થાનિક (કોઈ સ્નાયુજૂથમાં) કે વ્યાપક હોય છે તેવી રીતે તે ઉગ્ર (acute), ઉપોગ્ર (sub-acute) કે દીર્ઘકાલીન (chronic) પ્રકારનો હોય છે. શારીરિક ઢીલાશ (lassitude) અને જલદીથી થઈ આવતી થકાવટની સ્થિતિ કેટલાય તીવ્ર જીવાણુજન્ય (bacterial) અને વિષાણુજન્ય (viral) ચેપમાં, યકૃતશોથ(hepatitis)માં, ચેપી એકકોષકેન્દ્રિતા(infectious mononucleosis)માં, હૃદયરોગના હુમલામાં, ઍડિસનનો રોગ તથા ગલગ્રંથિ(thyroid gland)ના રોગો તેમજ પીયૂષિકા (pituitary) ગ્રંથિના રોગોમાં, ફેલાયેલા કૅન્સરમાં, અતિશય પ્રમાણમાં હીમોગ્લોબિન ઘટવાથી થતી પાંડુતા(anaemia)માં, અપૂરતા પોષણની સ્થિતિમાં, કૅન્સરવિરોધી સારવારમાં તથા પાર્કિન્સનિઝમ (કંપવા) તથા બહુચેતાકાઠિન્ય (multiple sclerosis) જેવા ચેતાતંત્રના રોગોમાં જોવા મળે છે. માથાને ઈજા થાય ત્યારે ખોપરીમાંનું મગજ ધ્રુજારી અનુભવે છે. તેનાથી થોડો સમય તેનું કાર્ય બગડે છે. તેને વિકમ્પક્ષોભ (concussion) કહે છે. તે સમયે તથા લાંબા સમય સુધી ઘેનકારક દવા લેવાથી પણ ઢીલાશ અનુભવાય છે. વિવિધ પ્રકારના મનોવિકારોમાં પણ થાક અને ઢીલાશ અનુભવાય છે.

અર્ગોગ્રાફમાં નોંધાતા થાકનો આલેખ
નોંધ : ચોક્કસ વજનની વસ્તુને સતત ખેંચતા રહેતા સ્નાયુને સમય પસાર થાય તેમ તેમ થાક લાગે છે જેથી તે પરનું ખેંચાણ ઘટે છે.

બીટા બ્લૉકર્સ અને ડિજિટાલિસ પ્રકારની દવાઓની આડઅસર રૂપે પણ વધુ અને વહેલો થાક લાગે છે. હૃદયના દ્વિદલ વાલ્વના અપભ્રંશ (prolapse), હૃદ્-સ્નાયુવૃદ્ધિરુગ્ણતા (hypertrophic cardiomyopathy), હૃદયના ત્રિદલ વાલ્વની વિકૃતિવાળી એબ્સ્ટેઇનની કુરચના, પ્રાથમિક ફેફસી અતિદાબ (primary pulmonary hypertension), ફેફસી શિરારોધજન્ય (pulmonary veno-occlusive) રોગ, વ્યાપક રક્તકોષભક્ષિતા (systemic lupus erythematosus), ઇન્સ્યુલિન-આધારિત મધુપ્રમેહ વગેરે વિવિધ રોગોમાં પણ વધુ થાક લાગે છે.

મહત્તમ સ્નાયુદુર્બળતા (myasthenia gravis), ચેતામૂળરુગ્ણતા (radiculopathy) તથા પરિઘીય ચેતારુગ્ણતા (peripheral neuropathy) જેવા ચેતાતંત્રના વિવિધ વિકારોમાં કોઈ ચોક્કસ અંગના સ્નાયુઓ થાકે છે. લાંબા સમયના વ્યાપક થાકનું કારણ ઘણી વખત સ્પષ્ટપણે મળતું હોતું નથી; પરંતુ તેમાં મનોવિકાર કે ચેતાતંત્રીય વિકારની સંભાવના વધુ ગણાય છે. મનોવિકારી થાક સવારે વધુ હોય છે અને તે જેમ જેમ દિવસ જાય તેમ તેમ અન્ય વ્યક્તિઓ સાથેનો સામાજિક સંપર્ક વધતાં ઘટે છે, જ્યારે રોગ કે વિકારજન્ય થાક સાંજે તથા શ્રમ કર્યા પછી વધે છે.

ઉગ્ર થાક સામાન્ય રીતે ચયાપચય કે સ્નાયુઓના વિકારોમાં થાય છે. અતિશય શ્રમ અથવા સ્નાયુઓની નબળાઈ કે લકવો તેમાં મુખ્ય છે.

શ્રાંતિશંકા કે દુર્બળતા (asthenia) : કાર્ય કે શ્રમ કરવાની શરૂઆત કરતાં પહેલાં થાક લાગશે તેવી લાગણી કે શંકા થાય તેને શ્રાંતિશંકા કે દુર્બળતા કહે છે. વધુ શ્રમવાળા કાર્યની શરૂઆત પહેલાંની લાંબા સમયની ઢીલાશ તેના મૂળમાં રહેલી છે. આવી વ્યક્તિ સ્નાયુઓ વડે કરાતો શ્રમ કરતાં ખચકાય છે અને તેમને પોતાના સ્નાયુબળ (muscular strength), સ્નાયુશક્તિ (muscular power) તથા સ્નાયુબળ-ધારિતા(muscular endurance)માં ઘટાડો થયેલો હોય તેમ અનુભવાય છે. સ્નાયુશક્તિમાંના કે સ્નાયુબળ-ટકાવમાંના થોડા ઘટાડાને માપી શકાતો નથી. તેથી મહત્તમ સ્નાયુદુર્બળતાના કે બહુચેતારુગ્ણતા(polyneuropathy)ના શરૂઆતના તબક્કામાં ફક્ત થાકશંકા જ જોવા મળે છે. તેવી જ રીતે ગલગ્રંથિના વધેલા કાર્યથી થતા અતિગલગ્રંથિતા (hyperthyroidism) નામના વિકારમાં, નાના મગજના કાર્યમાં ઝડપથી થતી વિષમતામાં તથા પાર્કિન્સનિઝમના શરૂઆતના તબક્કાઓમાં તથા વિવિધ મનોવિકારી કે બહુતંત્રીય (systemic) રોગોની શરૂઆતમાં પણ થાકશંકા થાય છે. ટૂંકા ગાળાની થાકશંકા કોઈ શારીરિક રોગો સૂચવે છે, જ્યારે લાંબા ગાળાની થાકશંકા મનોવિકારી ચિંતા (anxiety neurosis) તથા ખિન્નતા(depression)ના મનોવિકારોમાં જોવા મળે છે. તેને ચેતાદુર્બળતા (neurasthenia) કહે છે. અગાઉ તે વિકારને શ્રમસંલક્ષણ(effort syndrome)ને નામે ઓળખવામાં આવતો હતો. આ સંલક્ષણવિકારના દર્દીની છાતીમાં ધબકારા વધુ હોય છે. તે વારંવાર નિસાસા નાખે છે (sighing) તથા તેને અતિશય અને અકારણ પરસેવો થાય છે. માનસિક અનુકૂલનની ખામીને સ્વીકારવાને બદલે ઘણી વખત દર્દી કોઈ મોટા શારીરિક રોગની શંકા રાખ્યા કરે છે અને તેથી તેની સારવાર કરવામાં મુશ્કેલી રહે છે.

સ્નાયુનબળાઈ અથવા અલ્પક્ષમતા (muscular weakness) : સ્નાયુનાં બળ અને શક્તિમાં થયેલા નિશ્ચિત ઘટાડાને સ્નાયુની નબળાઈ કહે છે. તેથી કોઈ ચોક્કસ અને સામાન્ય રીતે થઈ શકતું કાર્ય પણ થઈ શકતું નથી. ઘણી વખતે નબળાઈ એટલી ઓછી હોય છે કે સહેલાઈથી પારખી શકાતી નથી. ક્યારેક કુટુંબની કોઈ વ્યક્તિ કે મિત્ર દર્દીને તમારો પગ ક્યારથી લંઘાય છે એમ પૂછે ત્યારે જ તેને પોતાને તેની ખબર પડે તેટલી ઓછી નબળાઈ પણ હોઈ શકે. ચેતાતંત્રના કોઈ પણ સ્તરે રોગ કે વિકાર હોય છે; દા. ત., સ્નાયુ, ચેતા-સ્નાયુસંગમ, ચેતાતંતુઓ, ચેતામૂળ, કરોડરજ્જુના અગ્રશૃંગી કોષો કે ચેતાપથ, મગજમાં આવેલી તલગંડિકાઓ (basal ganglia) અથવા નાનું મગજ. ક્યારેક વ્યક્તિ હિસ્ટીરિયાના કે માનસિક વિકારથી પીડાતી હોય છે તો ક્યારેક તે બનાવટ પણ કરતી હોય છે. લોહીમાં સોડિયમનું પ્રમાણ ઘટે, ગલગ્રંથિનું કાર્ય વધે કે ઘટે, કેટલીક દવાઓની ઝેરી અસર થાય, ભૂખમરો કે કૅન્સર થાય, હાડકાં કે સાંધામાં દુખાવો કરતા વિકારો થાય તો સ્નાયુઓમાં નબળાઈ આવે છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે

શિલીન નં. શુક્લ