થાટ : જેમાંથી રાગ ઉત્પન્ન થાય છે તેવી સાત સ્વરોની ક્રમબદ્ધ રચના. થાટને મેલ (કેટલાક સંસ્થિતિ) પણ કહે છે. કેટલાક ઠાઠ પણ કહે છે. નાદમાંથી શ્રુતિ, શ્રુતિમાંથી સ્વર, સ્વરમાંથી સપ્તક, સપ્તકમાંથી થાટ અને થાટમાંથી રાગ, આ પ્રમાણે ભારતીય સંગીતનો ક્રમબદ્ધ વિકાસ મનાય છે.

થાટરચનાના નિયમો : (1) થાટમાં સાત સ્વરો હોવા જોઈએ, અને તે સા, રે, ગ, મ, પ, ધ, નિ – એ નામના અને ક્રમના હોવા જોઈએ. (2) થાટને આરોહઅવરોહની જરૂર હોતી નથી. (3) તે રંજક હોવો જોઈએ, તેવું પણ નથી. (4) થાટમાંથી ઉત્પન્ન થતા રાગો પૈકી, એક વધુ સરળ તથા પ્રસિદ્ધ રાગના નામ પરથી, થાટને નામ આપવામાં આવે છે, તેને આશ્રય રાગ કહેવામાં આવે છે. (5) તે રાગમાં સાતે સ્વરો હોવા જોઈએ, એવો નિયમ નથી. ઉદાહરણાર્થ, આશાવરી થાટનો આશાવરી રાગ, જેમાં આરોહમાં ગ, નિ વર્જ્ય હોય છે, છતાં પણ તે થાટનો મુખ્ય રાગ મનાય છે; તેવી રીતે મારવા થાટનો મારવા રાગ, જેમાં ’પ’ વર્જ્ય હોવાથી છ સ્વરો આવે છે.

ઉત્તર તથા દક્ષિણ ભારતીય સંગીતપદ્ધતિમાં થાટસંખ્યા : સપ્તકના મુખ્ય સાત સ્વર, જેને શુદ્ધ સ્વર કહેવામાં આવે છે તથા પાંચ વિકૃત સ્વર મળી, બાર સ્વરોમાંથી દરેક વખત ક્રમબદ્ધ ફેરફાર કરતા જઈ, જુદા જુદા સાત સ્વરોની રચના કરવાથી, વિવિધ થાટો ઉત્પન્ન થાય છે.

ઉત્તર તથા દક્ષિણ સંગીતપદ્ધતિમાં, શુદ્ધ તથા વિકૃત મળી બાર સ્વરો જ મનાતા હોવા છતાં, દક્ષિણ પદ્ધતિમાં તે સ્વરોનાં નામ જુદાં હોવાથી તેમાં એક જ સ્વરનાં બે સ્વરૂપ સાથે લઈ થાટરચના કરવામાં આવે છે, જ્યારે ઉત્તર પદ્ધતિમાં શુદ્ધ તથા વિકૃત સ્વરનાં એક જ નામ હોવાથી, એક જ  સ્વરનાં બેઉ સ્વરૂપ થાટરચનામાં એકસાથે લેવામાં આવતાં નથી, તેથી દક્ષિણ પદ્ધતિમાં ગણિતની પદ્ધતિએ એકંદરે 72 થાટ ઉત્પન્ન થાય છે; જ્યારે ઉત્તર પદ્ધતિમાં 32 થાટ ઉત્પન્ન થઈ શકે છે.

દક્ષિણ પદ્ધતિના 72 થાટની રચના પંડિત વ્યંકટમખી દીક્ષિતે તેમના ગ્રંથ ‘ચતુરદંડિપ્રકાશિકા’માં નીચે પ્રમાણે બતાવી છે :

દક્ષિણના 72 થાટ : સપ્તકના શુદ્ધ તથા વિકૃત મળી બાર સ્વરોના ‘સા’થી ‘મ’ સુધી પૂર્વાર્ધ, તથા ‘પ’થી ‘સા’ સુધી ઉત્તરાર્ધ – એમ બે ભાગ કરી, તેમાંના સ્વરોને ક્રમબદ્ધ ગોઠવીને, તેમાં દરેક વખત ફેરફાર કરવાથી નીચે પ્રમાણે રચના થાય છે :

પૂર્વાર્ધ ઉત્તરાર્ધ
(1) સા, રે, રે, મ

(2) સા, રે, , મ

(3) સા, રે, ગ, મ

(4) સા, રે, , મ

(5) સા, રે, ગ, મ

(6) સા, , ગ, મ

(1) પ, , ધ, સાં

(2) પ, , નિ, સાં

(3) પ, , નિ, સાં

(4) પ, ધ, નિ, સાં

(5) પ, ધ, નિ, સાં

(6) પ, નિ, નિ, સાં

આ પ્રમાણે, પૂર્વાર્ધ તથા ઉત્તરાર્ધના છ, છ ભાગ થાય છે. તેમાં  પૂર્વાર્ધના દરેક ભાગ જોડે ઉત્તરાર્ધના છ ભાગ નીચે પ્રમાણે જોડવાથી એકંદરે 6 × 6 = 36 થાટ થશે :

આમાં ‘મ’ શુદ્ધ હતો, તેને બદલે ‘મ’ તીવ્ર લઈએ તો તીવ્ર ‘મ’વાળા પણ 6 × 6 = 36 થાટ થશે.

ઉદાહરણાર્થ :

આ પ્રમાણે શુદ્ધ ‘મ’ના 36 થાટ, તથા તીવ્ર ‘મ’ના 36 થાટ મળી એકંદરે 72 થાટ, દક્ષિણ અથવા કર્ણાટકી સંગીતપદ્ધતિમાં મનાય છે.

ઉત્તર પદ્ધતિના 32 થાટ

પૂર્વાર્ધ ઉત્તરાર્ધ
(1) સા, રે, , મ

(2) સા, રે, ગ, મ

(3) સા, રે, , મ

(4) સા, રે, ગ, મ

(1) પ, , નિ, સાં

(2) પ, , નિ, સાં

(3) પ, ધ, નિ, સાં

(4) પ, ધ, નિ, સાં

આ પ્રમાણે પૂર્વાર્ધના દરેક પ્રકાર જોડે ઉત્તરાર્ધના ચારે પ્રકાર જોડવાથી 4 × 4 = 16 થાટ શુદ્ધ ‘મ’વાળા પ્રકારના થશે. તેવી જ રીતે તીવ્ર ‘મ’વાળા પ્રકારના પણ 4 × 4 = 16 થાટ લેવાથી, એકંદરે 32 થાટ, ઉત્તર અથવા હિંદુસ્તાની સંગીતપદ્ધતિમાં મનાય છે.

પંડિત વિ. ના. ભાતખંડેએ રચેલા હિંદુસ્તાની સંગીતપદ્ધતિના પ્રચલિત 10 થાટ : આ તો થઈ ગણિતના હિસાબે થાટસંખ્યા, પણ દક્ષિણ પદ્ધતિના 72 થાટો તથા તેનાં નામો બહુ લાંબાં હોવાથી યાદ રાખવામાં મુશ્કેલી પડે તેથી પંડિત વ્યંકટમખીએ પણ 19 થાટોમાં રાગોનો સમાવેશ કર્યો છે. તે પ્રમાણે હિંદુસ્તાની સંગીતપદ્ધતિમાં પણ 32 થાટો તથા તેનાં નામો યાદ રાખવાં અઘરાં હોવાથી, તેમજ કેટલીક વખત અમુક રાગોમાં આરોહઅવરોહમાં એક જ સ્વરનાં બે સ્વરૂપ આવતાં હોવાથી તેવા રાગોનો સમાવેશ 72 કે 32 થાટોમાં પણ થઈ શકતો નથી. તેથી, પં. વિ. ના. ભાતખંડેએ સરળતા ખાતર દસ થાટોની રચના કરી છે, જેમાં હિંદુસ્તાની સંગીતપદ્ધતિમાં મોટા ભાગના પ્રચલિત રાગોનો સમાવેશ થઈ જાય છે. આ દસ થાટો નીચે પ્રમાણે છે :

ઉત્તર પદ્ધતિના દસ થાટોને મળતા આવતા દક્ષિણ પદ્ધતિના થાટોનાં નામ :

  ઉત્તર પદ્ધતિ દક્ષિણ પદ્ધતિ
 (1) બિલાવલ ધીરશંકરાભરણ
 (2) કલ્યાણ મેચકલ્યાણી
 (3) ખમાજ હરિકાંબોજી
 (4) ભૈરવ માયામાલવગૌડ
 (5) પૂર્વી કામવર્ધિની
 (6) મારવા ગમનશ્રમ
 (7) કાફી ખરહરપ્રિયા
 (8) આશાવરી નટભૈરવી
 (9) ભૈરવી હનુમત તોડી
(10) તોડી શુભવંતુવરાલી

જે રાગમાં એકથી વધુ થાટના સ્વરો આવતા હોય, તેવા રાગનું મુખ્ય અંગ જે થાટનું હોય, તેને આધારભૂત ગણી સરળતા ખાતર તે રાગને, તે થાટમાં માનવામાં આવે છે; જ્યારે કેટલાક ગુણીજન તેવા રાગને તેવા બે કે ત્રણ થાટોમાંથી ઉત્પન્ન થયેલો માની તે દરેક થાટનાં નામ આપી, તેને ‘મિશ્ર-મેલોત્પન્ન’ રાગ કહે છે.

જયસુખલાલ ત્રિ. શાહ