થરૂર, શશી (જ. 9 માર્ચ 1956, લંડન) : યુનોના ઉચ્ચ અધિકારી અને ખ્યાતનામ પત્રકાર, લેખક અને રાજકારણી. ભારતીય નાગરિકત્વ ધરાવતા શશી થરૂરનું વતન કેરળ છે. યુનોના મહામંત્રીના પદ માટેની 2006ની સ્પર્ધાના તેઓ ઉમેદવાર હતા અને તેમની ઉમેદવારીને ભારત સરકારે સમર્થન આપ્યું હતું.
1978માં યુનોની વહીવટી સેવામાં જોડાઈને તેમણે કારકિર્દીનો આરંભ કર્યો હતો. યેરકુડ, મુંબઈ, કૉલકાતા અને દિલ્હી – એમ ભારતનાં વિવિધ સ્થળોએ શિક્ષણ મેળવી તેઓ ઇતિહાસના વિષય સાથે સ્નાતક થયા. તે પછી મૅસેચૂસેટ્સ યુનિવર્સિટીમાંથી બે વાર અનુસ્નાતક પદવીઓ મેળવી છે. અમેરિકાના મૅસેચૂસેટ્સ રાજ્યની ટફટ્સ યુનિવર્સિટીમાંથી તેઓ પીએચ.ડી. થયા છે. શાલેય અને કૉલેજના અભ્યાસકાળમાં તેઓ અગ્રગણ્ય વિદ્યાર્થી હતા. ચર્ચાસ્પર્ધા, ચૂંટણીઓ, પ્રશ્નોત્તરી વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ અગ્રિમ સ્થાન મેળવી તેમણે ઘણાં ઇનામો પ્રાપ્ત કર્યાં છે. તેમણે 1976માં 20 વર્ષની વયે રાજિકા કૃપાલાની યંગ જર્નાલિસ્ટ ઍવૉર્ડ મેળવ્યો હતો.
છ વર્ષની વયથી તેમણે લેખનકાર્યનો પ્રારંભ કર્યો હતો અને દસ વર્ષની વયે ‘ભારત જ્યોતિ’ નામના મુંબઈના સામયિકમાં તેમના લેખો પ્રકાશિત થવા લાગ્યા હતા. અગિયારમા વર્ષની શરૂઆત પૂર્વે તેમની ‘ઑપરેશન બેલોઝ’ નામની સાહસિક નવલકથા ‘જુનિયર સ્ટેટ્સમૅન’માં પ્રગટ થઈ હતી. તે પછી તેમની લેખનયાત્રા અવિરત ચાલુ રહી છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પત્રકાર તરીકે તેમની નામના છે અને ‘ઇન્ટરનેશનલ હેરલ્ડ ટ્રિબ્યૂન’, ‘વૉશિંગ્ટન પોસ્ટ’, ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’, ‘લૉસ ઍન્જિલીઝ ટાઇમ્સ’ વગેરેમાં તેઓ નિયમિત કટારલેખન કરે છે. એ જ રીતે જાણીતાં ભારતીય અંગ્રેજી અખબારો ‘ધ હિંદુ’, ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અને ‘જેન્ટલમૅન’ જેવાં અખબારોમાં પણ તેઓ કૉલમ ધરાવે છે. સેંટ સ્ટીફન કૉલેજ(કૉલકાતા)ના અભ્યાસકાળ દરમિયાન તેમણે એક ‘ક્વિઝ ક્લબ’ની રચના કરેલી, જે આજે પણ કાર્યરત છે. આ કૉલેજે 2005માં તેના 125મા વર્ષની ઉજવણીના સમારોહમાં વ્યાખ્યાન આપવા તેમને આમંત્રિત કર્યા હતા.
પત્રકાર અને જાણીતાં લેખિકા તિલોત્તમા થરૂર સાથે લગ્નગ્રંથિથી તેઓ જોડાયા અને ઈશાન તથા કનિષ્ક નામના જોડિયા દીકરાઓના પિતા થયા. તે પછી થોડા કાળ બાદ તેઓનાં લગ્ન છૂટાછેડામાં પરિણમ્યાં. પુત્ર ઈશાન યેલ યુનિવર્સિટીના સ્નાતક છે અને હૉંગકૉંગમાં ‘ટાઇમ’ સામયિક માટે કામ કરે છે, જ્યારે કનિષ્ક લંડનમાં રહી ‘ઓપન ડેમૉક્રેસી’ માટે કામ કરે છે.
યુનોની વહીવટી સેવાઓના ક્ષેત્રે શશી થરૂરની કામગીરી નોંધપાત્ર છે. 1978માં આ આંતરરાષ્ટ્રીય સંસ્થામાં જોડાયા અને હાઈકમિશનર ફૉર રેફ્યૂજીઝની કામગીરી તેમને સોંપવામાં આવી. 1989થી યુનોના વડા મથક ન્યૂયૉર્ક ખાતે તેઓ વરિષ્ઠ હોદ્દા પર વિવિધ કક્ષાએ કામ કરે છે. યુગોસ્લાવિયાની શાંતિરક્ષક કામગીરીમાં તેમના પ્રયાસો પ્રશસ્ય હતા. 1997–98માં ઉચ્ચ વહીવટી મદદનીશ તરીકે, 1998માં ડિરેક્ટર ઑવ્ કૉમ્યુનિકેશન તરીકે અને 2002માં કૉમ્યુનિકેશન અને જાહેર માહિતીના ક્ષેત્રે તેમણે પ્રશસ્ય કામગીરી કરી હતી. કૉમ્યુનિકેશનની વ્યૂહરચના-ક્ષેત્રે તેમણે યુનોને અગ્રિમ હરોળમાં મૂક્યું છે. યુનોમાંની તેજસ્વી કારકિર્દીને કારણે તેમણે મહામંત્રી-પદની સ્પર્ધામાં ઝુકાવ્યું હતું; પરંતુ પૂર્વચૂંટણીના ચોથા તબક્કાને અંતે બાન-કી-મૂન આ હોદ્દા પર નિશ્ચિત જણાતાં તેઓ આ સ્પર્ધામાંથી ખસી ગયા. તેમણે 9 ફેબ્રુઆરી, 2007માં યુનોના નાયબ મહામંત્રીના હોદ્દા પરથી રાજીનામું આપ્યું.
માર્ચ, 2009માં ભારતની સામાન્ય ચૂંટણીમાં તેઓ તેમના નજીકના પ્રતિસ્પર્ધીથી એક લાખ વધુ મતોથી કૅરળ રાજ્યના થિરુવનંતપુરમ્ મતવિસ્તારમાંથી વિજેતા બન્યા હતા. લોકસભાના સભ્ય તરીકે તેઓ મનમોહન સિંઘના મંત્રીમંડળમાં વિદેશ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી તરીકે 2009માં જોડાયા.
ટિવટર પર તેઓ એક લાખ જેટલા અનુયાયીઓ (followers) ધરાવે છે. તેમનાં વિધાનો ઘણાં ચર્ચાસ્પદ પણ બને છે. કોચીનની ક્રિકેટ ફ્રેંચાઇઝીના મુદ્દે તેમણે મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું હતું. 2012માં કૅબિનેટની પુનર્રચના થઈ ત્યારે તેઓ માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે જોડાયા હતા. ભારતમાં વ્યાપક પ્રવાસો સાથે તેઓ વ્યાખ્યાનો પણ આપતા રહે છે. સુનંદા થરૂર સાથેનું તેમનું લગ્નજીવન જાહેર જીવનનું વિવાદસ્પદ પ્રકરણ બની રહ્યું હતું અને થોડા દિવસો બાદ દિલ્હીની એક હોટલમાંથી તેમનો મૃતદેહ મળ્યો હતો.
પત્રકાર હોવા સાથે તેઓ અંગ્રેજી સાહિત્યના લેખક છે. તેમનાં ઘણાં સર્જનો ભારતીય સૂર ધરાવે છે. કેટલાંકમાં ભારતથી દૂર રહેવાનો ઝુરાપો વિશેષ રૂપે પ્રગટ થાય છે. ‘ધ ગ્રેટ ઇન્ડિયન નૉવેલ’ (1989) અને કેરળને કેંદ્રમાં રાખી રચાયેલી કૃતિ ‘ગૉડ્ઝ ઓન કન્ટ્રી’ (2002) નોંધપાત્ર છે. તેમની નવલકથા ‘શો બિઝનેસ’ (1992) પરથી હિન્દી ફિલ્મ બની છે. તેમની ‘રાયટ’ નવલકથા પર ઇસ્માઇલ મર્ચન્ટ ફિલ્મ બનાવવા ચાહતા હતા, પરંતુ 2005માં મર્ચન્ટના અવસાનને કારણે આ કામ અધૂરું રહ્યું.
ભારતીય ક્રિકેટ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તેમના રસના વિષયો છે. તેઓ અસાધારણ અદાકાર પણ છે. 1974માં મીરા નાયરના ‘ઍન્ટની અને ક્લિયૉપેટ્રા’ નાટકમાં તેમણે ઍન્ટનીની ભૂમિકા અદા કરી હતી. 1990માં તેમને હિન્દુસ્તાન ટાઇમ્સ લિટરરી ઍવૉર્ડ તેમની નવલકથા ‘ધ ગ્રેટ ઇન્ડિયન નૉવેલ’ માટે એનાયત થયો હતો. આ જ નવલકથાને 1991માં ‘કૉમનવેલ્થ રાઇટર્સ પ્રાઇઝ’ મળ્યું હતું. 1998માં તેમને ‘એક્સેલ્સિયર ઍવૉર્ડ ફૉર એક્સેલન્સ ઇન લિટરેચર’ એનાયત થયો હતો. 1976માં ‘રાજિકા કૃપાલાની યંગ જર્નાલિસ્ટ ઍવૉર્ડ’થી આરંભી તેમણે પત્રકારત્વ અને લેખનક્ષેત્રે લગભગ સત્તર ઍવૉર્ડ મેળવ્યા છે.
અમેરિકાની પગેટ સાઉન્ડ યુનિવર્સિટી(University of Puget Sound)એ મે, 2000માં તેમને આંતરરાષ્ટ્રીય સંબંધોના ક્ષેત્રે ‘ડૉક્ટર ઑવ્ લેટર્સ’ની પદવી એનાયત કરી હતી. 2004માં તેમને ‘પ્રવાસી ભારતીય સન્માન’નો યશસ્વી ઍવૉર્ડ આપવાની જાહેરાત થઈ હતી, જે તેઓ યુનોનાં ધારાધોરણો અનુસાર સ્વીકારી શકે તેમ નહોતા. અલબત્ત, ત્યારબાદ 2007માં તેમણે પ્રવાસી ભારતીયો માટેનો આ ઍવૉર્ડ સ્વીકાર્યો હતો.
આમ પત્રકાર, સર્જક અને વહીવટદાર તરીકે તેઓ વિશેષ ખ્યાતિ ધરાવતા ભારતીય છે.
રક્ષા મ. વ્યાસ