થર્ટી-સિક્સ ચૌરંગી લેઇન

March, 2016

થર્ટી-સિક્સ ચૌરંગી લેઇન : ભારતીય ચલચિત્રોનાં મહિલા દિગ્દર્શકોમાં આગવું સ્થાન ધરાવતાં અપર્ણા સેનનું પ્રથમ અંગ્રેજી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1981. ભાષા : અંગ્રેજી. નિર્માણસંસ્થા : ફિલ્મવાલાઝ. નિર્માણ : શશી કપૂર. દિગ્દર્શન અને કથા : અપર્ણા સેન, છબીકલા : અશોક મહેતા. સંગીત : વનરાજ ભાટિયા. મુખ્ય કલાકારો : જેનિફર કેન્ડલ, જ્યૉફ્રી કૅન્ડલ, સોની રાઝદાન, દીના અરદેશર, ફા સોઅર્સ, રેની રૉય, સિલ્વિયા ફિલિપ્સ, ધૃતિમાન ચેટરજી, દેવશ્રી રૉય. અવધિ 113 મિનિટ.

કૉલકાતાના ચૌરંગી વિસ્તારમાં એક ઍંગ્લો-ઇન્ડિયન શિક્ષિકા વાયોલેટ સાવ એકાંત જીવન ગાળી રહી છે. શેક્સપિયરના સાહિત્યનો તેને જબરો લગાવ છે. આજીવિકા માટે શાળામાં વિદ્યાર્થિનીઓને તે શેક્સપિયરનું સાહિત્ય ભણાવે છે. સાહિત્ય શીખવવાનો આનંદ લેવાની સાથોસાથ તે એટલો સમય પોતાની એકલતા ટાળવાનો પણ પ્રયાસ કરતી રહે છે. એક દિવસ તેના સૂના જીવનમાં એક પ્રેમી યુગલનો પ્રવેશ થાય છે. સમરેશ અને નંદિતા એકબીજાના પ્રેમમાં છે. બંનેને ક્યાંય એકાંત મળતું નથી. સમરેશ પોતાની નવલકથા નિરાંતે લખી શકે એ માટે વાયોલેટ તેને પોતાના ઘરનો ઉપયોગ કરવાનું કહે છે, પણ સમરેશ નંદિતા સાથે એકાંત ગાળવા માટે ઘરનો ઉપયોગ કરે છે. બંનેના આગમનથી વાયોલેટનું જીવન હર્યુંભર્યું બની જાય છે. પોતાનાં સંતાનોની જેમ તે એ બંનેને પ્રેમ કરે છે. બહારના ધમાલિયા જીવન અને વાયોલેટની આંતરિક એકલતા વચ્ચે બંને જણાં એક કડી બની રહે છે. વાયોલેટને પોતાની જિંદગીનો સૂનકાર ભરાતો લાગે છે, પણ થોડા જ સમયમાં આ માયા સંકેલાઈ જાય છે. સમરેશ અને નંદિતા લગ્ન કરી લે છે. હવે તેમને છૂપી રીતે મળવા સારુ વાયોલેટના ઘરની જરૂર નથી રહી. તેઓ ઘર છોડીને જતાં રહે છે. સંબંધોની સુખદ અનુભૂતિઓને વાયોલેટ હાથમાંથી સરકી જવા દેવા ઇચ્છતી નથી. તેને આશા છે કે યુગલ તેની પાસે પાછું આવશે, પણ એ આશા ઠગારી નીવડે છે. સમરેશ અને નંદિતા ફરી ક્યારેય દેખાયાં નથી. વાયોલેટ ફરી એકલતાની ગર્તામાં ધકેલાઈ જાય છે.

શ્રેષ્ઠ દિગ્દર્શન, શ્રેષ્ઠ છબીકલા અને શ્રેષ્ઠ ચલચિત્રનાં રાષ્ટ્રીય પારિતોષિક આ ચલચિત્રને એનાયત કરાયાં હતાં. મનીલા આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં શ્રેષ્ઠ ફિલ્મનો ગોલ્ડન ઈગલ ઍવૉર્ડ ઉપરાંત અંગ્રેજીમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો ફિલ્મફેર ઍવૉર્ડ પણ આ ચલચિત્રને મળ્યો હતો.

હરસુખ થાનકી