તેંડુલકર, વિજય (જ. 9 જાન્યુઆરી 1928, પુણે; અ. 19 મે 2008, મુંબઈ) : ભારતપ્રસિદ્ધ પ્રયોગલક્ષી નાટકકાર, પત્રકાર અને નિબંધકાર. સોળ વર્ષની વયે અસાધારણ સંજોગોમાં શિક્ષણ છોડવું પડ્યું. શાળામાં એમના એક શિક્ષક અનંત કાણેકર જે મરાઠીના અગ્રગણ્ય સાહિત્યકાર હતા તેમણે બાળ વિજયમાં જે શક્તિસ્રોત જોયો, તેથી એમને થયું, કે એ બાળકને જો યોગ્ય માર્ગદર્શન આપ્યું હોય તો ભવિષ્યમાં એ મરાઠી સાહિત્યમાં અગ્રિમ સ્થાન લેશે એટલું જ નહિ પણ ભારતીય સાહિત્યમાં પણ ઉચ્ચ સ્થાન મેળવી મરાઠીની કીર્તિ વધારશે. તેથી કાણેકરે એમને બરાબર રગડવા માંડ્યા. તે સમયે કાણેકર મરાઠી ફિલ્મના સંવાદો લખતા હતા. ત્યારે તેંડુલકરને સાથે રાખી એમને સંવાદકલાની સમજણ આપતા. એ રીતે તેંડુલકરની નાટ્યશક્તિને વેગ મળ્યો અને એમણે ફિલ્મકથાના સંવાદલેખનમાં હાથ અજમાવ્યો, અને 1950થી 1960 દરમિયાન એમણે ઊગતા યશસ્વી નાટકકાર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું. પહેલું નાટક 1957માં એમનો પહેલો એકાંકી નાટકસંગ્રહ ‘રાત્ર’ પ્રગટ થયો, તે પૂર્વે બે એકાંકીઓ ભજવાયાં હતાં. એમણે તે પછી નાટક ભજવતી સંસ્થાઓ રંગાયન, ભારતીય વિદ્યાભવન કલાકેન્દ્ર, આવિષ્કાર વગેરે માટે નાટકો લખવા માંડ્યાં. એમનું પહેલું નાટક જેણે એમને મરાઠીના અગ્રગણ્ય નાટકકાર તરીકે સ્થાન અપાવ્યું તે ‘અજગર આણિ ગંધર્વ’ 1966માં પ્રકાશિત થયું. તે રંગમંચ પર અનેક વાર સફળતાથી ભજવાયું. તે પછી ‘ભેકડ’ 1969માં પ્રગટ થયું. એમનું ‘શ્રીમંત’ નાટક (1956) શ્રીમંતો પર વ્યંગ્ય છે, જેમાં શ્રીમંતો પોતાના અપરાધો છુપાવતા હોય છે અને ગરીબ લોકોના અલ્પ અને માની લીધેલા અપરાધોનો પ્રચાર કરે છે, તેનું હાસ્યાસ્પદ નિરૂપણ થયું છે. એમના ‘માણુસ નાંવાં ચે બેટ’ મનોવૈજ્ઞાનિક નાટક છે, જેમાં વ્યક્તિના ઉત્કર્ષ-અપકર્ષનું ચિત્ર ઉપસાવ્યું છે. ‘ચિમણીચં ઘર હોંતં મેણ્યાચં’ નાટકમાં સુખી માનવીની મહત્વાકાંક્ષાઓ, દિવાસ્વપ્ન રૂપે, ર્દશ્યાંકિત કરી છે જે મરાઠીમાં એક અભિનવ પ્રયોગ છે. એમનું ‘‘મી જિંકલો, મી હારલો’’ એક સાંપ્રત રાજકારણ પર આધારિત લોકપ્રિય પ્રહસન છે. એવું જ બીજું પ્રહસન જેનાથી એમને મરાઠીના અગ્રિમ નાટકકાર તરીકે સ્થાન મળ્યું તે છે ‘કાવળ્યાંચી શાળા’ 1964માં પ્રગટ થયું. તે વર્ષો સુધી રંગમંચ પર સતત ભજવાયું અને હજીયે એના પ્રયોગો થયાં કરે છે. આજે મોટાભાગના મરાઠીના જે પ્રતિષ્ઠિત અભિનેતાઓ છે તે તેંડુલકરનાં નાટકોમાંના તેમના અભિનયથી જ ખ્યાતિ મેળવી શક્યા છે.
એમને અખિલ ભારતીય નાટકકાર તરીકે પ્રતિષ્ઠિત કરનાર નાટક ‘‘શાંતતા કોર્ટ ચાલુ આહે’’ (1967) છે. એ નાટક ભારતની 14 ભાષાઓમાં અનુવાદિત થયું છે. લગભગ ભારતના સર્વ પ્રદેશોમાં તે અનેક વાર ભજવાયું છે. દૂરદર્શન પર અનેક વાર ભજવાયું છે. આધુનિક ભારતનાં શ્રેષ્ઠ નાટકોમાં એને સ્થાન મળ્યું છે. એ નાટક માટે એમને સંગીતનાટક અકાદમીનું કમલાદેવી ચટ્ટોપાધ્યાય પારિતોષિક મળ્યું છે. આ નાટકમાં અભિનયના ભાવ કે વિષયનું વાસ્તવિક જીવનમાં સીધું સંક્રમણ થતું બતાવ્યું છે. જેનો અભિનય કરે છે તે જ અભિનેતા-અભિનેત્રીના જીવનમાં સાચેસાચ બને છે. આ નાટકનું અંગ્રેજી ભાષામાં પણ ભાષાંતર થયું છે અને વિદેશી કલાકારોએ તે ભજવ્યું પણ છે.
હવે નાટકકારનો માર્ગ ફંટાયો. અત્યાર સુધીનાં નાટકોમાં મધ્યમવર્ગની સમસ્યાઓનું ર્દશ્યાંકન કરુણરસપ્રધાન અને તેમની તરફ સહાનુભૂતિ ઉત્પન્ન થાય તે પ્રકારનું હતું, હવે, યૌનસંબંધ અને હિંસક કૃત્યોના આલેખન તરફ એ વળે છે અને મધ્યમ વર્ગ તથા બૌદ્ધિક વર્ગને છોડીને નિમ્નવર્ગ તથા શ્રમજીવીઓના આલેખન તરફ વળે છે. ભાષા પણ ભદ્રવર્ગની પરિમાર્જિત ભાષાને બદલે ગ્રામીણ તળપદી બને છે. વળી એમણે મરાઠી લોકનાટ્ય ‘તમાશા’-શૈલી અને ભાષાનો પ્રયોગ છૂટથી કરવા માંડ્યો. આમ કરવા જતાં એમનાં નાટકો વિવાદ અને વિરોધ જન્માવનારાં બન્યાં. એમનાં નાટકો ‘સખારામ બાઇન્ડર’ (1972) તથા ‘ગીધાડે’(1961)માં પરંપરિત મૂલ્યોને નેવે મૂકેલાં છે. અને અશ્લીલતાને કારણે પ્રતિબંધિત થયેલાં કે કોર્ટની લાંબી કાર્યવાહી પછી તેમના પરનો પ્રતિબંધ ઉઠાવાયેલો. ‘ઘાસીરામ કોતવાલ’ (1972), નાટકમાં ઐતિહાસિક પાત્ર ઘાસીરામની કામાંધતાનું, પ્રાચીન મૂલ્યોના આગ્રહી લોકોને આઘાત પહોંચાડે એવું નિરૂપણ થયું છે. એ નાટકમાં એમણે મરાઠી લોકસંગીતનો પણ પ્રયોગ કરી નાટકને આસ્વાદ્ય બનાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે. છ કલાકના આ નાટકના અત્યાર સુધી 6000 ઉપરાંત પ્રયોગો થયા છે, જે એક વિક્રમ ગણાય. એ નાટક તથા ‘શાંતતા કોર્ટ ચાલુ આહે’ યુરોપ-અમેરિકામાં પણ ભજવાયું હતું. એ નાટકોમાં સાંપ્રત સમયમાં નાટક તથા ફિલ્મોમાં જે હિંસાનાં ર્દશ્યો આવે છે તથા યૌનસંબંધ દર્શાવાય છે તે તરફ પરોક્ષ રીતે વ્યંગ્ય કર્યો છે. એમને સારા ભારતમાં નાટકકાર તરીકે એટલી ખ્યાતિ મળી હતી કે 1964માં એમને જવાહરલાલ નહેરુ ફેલોશિપ બે વર્ષ માટે મળી. ‘સમાજમાં હિંસાની વૃદ્ધિનું સ્વરૂપ અને તેની રૂપદર્શીકલા જોડે પ્રાસંગિકતા’ એ વિષય પર સંશોધન કરવાનું હતું. 1979માં એમને રાષ્ટ્રીય નાટ્યસંસ્થાન(નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામા)ના ઉપકુલપતિના પદે નિયુક્ત કરવામાં આવ્યા. પાંચ વર્ષ સુધી એમણે એ પદ સંભાળ્યું અને શિક્ષણનું સ્તર સુધારવા ખૂબ મહેનત લીધી. 1984માં એમણે નાટકના ક્ષેત્રમાં જે મહત્વનું પ્રદાન કર્યું તે માટે એમને, ‘પદ્મભૂષણ’ના ખિતાબથી નવાજવામાં આવ્યા.
એમણે ફિલ્મના ક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું અને કથાનક તથા સંવાદો લખ્યાં. એમની ફિલ્મ ‘નિશાન્ત,’ ‘આક્રોશ’ (તેનું દિગ્દર્શન ગોવિન્દ નિહાલાનીએ કર્યું હતું); ‘આદત’ (અમોલ પાલેકર દિગ્દર્શિત) ‘ભૂમિકા’, ‘અર્ધ-સત્ય’ એ બધી ફિલ્મોને રાષ્ટ્રીય તેમજ રાજ્યના કથાલેખન માટેના પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. એ ઉપરાંત એમની ‘બોબી’ ફિલ્મને પણ રાજ્ય તરફથી પુરસ્કાર મળ્યો હતો. મરાઠી ફિલ્મોમાં ‘કમલા’ (1982); ‘કન્યાદાન’ (1983)ને માટે પણ તેમને રાજ્યસરકારના પુરસ્કારો મળ્યા હતા.
એમણે સમાચારપત્રોના તંત્રી તરીકે પણ નામના મેળવી હતી. ‘મરાઠા’ તથા ‘લોકસત્તા’ પત્રોના તંત્રી તરીકે એમણે લખેલા તંત્રીલેખો માટે રાજ્યસરકાર તરફથી એમને પુરસ્કાર મળ્યો હતો. એમણે નિબંધલેખક તરીકે મરાઠી સાહિત્યમાં ખ્યાતિ મેળવી હતી. એમના નિબંધસંગ્રહો ‘રાતરાણી’ (1981) તથા ‘ગોવ્યાચી ઉન્હે’ (1982)માં પ્રગટ થયા હતા. જેને માટે એમને મહારાષ્ટ્ર રાજ્ય તરફથી પુરસ્કાર મળ્યો હતો.
એમણે હિન્દી પુસ્તક મોહન રાકેશકૃત ‘આધેઅધૂરે’, ગિરીશ કર્નાડના નાટક ‘તુગલક’નું કન્નડમાંથી મરાઠીમાં તથા ટેનેસી વિલિયમ્સ તથા હેન્રી જેમ્સનાં પુસ્તકોનાં પણ મરાઠી ભાષાંતરો કરેલાં છે.
1984નાં વર્ષે એમને કીર્તિના ચરમ શિખરે પહોંચાડ્યા હતા. બિરલા ફાઉન્ડેશન તરફથી અપાતા અખિલ ભારતના શ્રેષ્ઠ સાહિત્યકાર તરીકે ત્રણ લાખનું સરસ્વતી સન્માન પારિતોષિક એમને અર્પણ કરાયું હતું. ‘પાહિજે જાતિએ’ (2001) ‘મિત્રાચી ગોષ્ઠિ (2001)’ ‘રેન મૅકર ઑફ રોમાન્સ’ પરથી તેમણે મરાઠીમાં ‘અશી પાખરે યેતી’ (2004) વગેરે નાટકો લખ્યાં છે.
વિજય તેંડુલકર સહેજ બંડખોર વૃત્તિના તથા પ્રયોગલક્ષી નાટ્યકાર હતા. વર્તમાન સમાજ તેમની નાટ્યવસ્તુ વિશે શું અભિપ્રાય ધરાવશે તેની તેમણે પરવા કરી નહોતી. ‘ગીધાડે’, ‘ઘાસીરામ કોતવાલ’ તથા ‘સખારામ બાઇન્ડર’ની કથાવસ્તુઓ તેનો પુરાવો છે. પ્રયોગલક્ષી નાટ્યકાર તરીકે તેમણે ‘શાંતતા, કોર્ટ ચાલુ આહે’ નાટકમાં આભાસી ન્યાયાલય(mock trial)ની તકનીકનો ઉપયોગ કર્યો છે. ‘ઘાસીરામ કોતવાલ’માં શબ્દ-નૃત્ય-સંગીતના સુભગ મિશ્રણ દ્વારા તેમણે આલેખન કર્યું છે. ‘રેઇન મેકર ઑવ્ રોમાન્સ’ પર આધારિત ‘અશી પાખરે યેતી’ નાટ્યકૃતિમાં તેનો નાયક અરુણ સરનાઈક સમગ્ર નાટકમાં પ્રેક્ષકો સાથે સંવાદ કરે છે અને તેના દ્વારા કથાવસ્તુનું આલેખન કરે છે.
સમગ્ર રીતે વિચારીએ તો વિજય તેંડુલકર પ્રવર્તમાન પ્રવાહની ઊલટી દિશામાં તરનાર નાટકકાર હતા.
ચન્દ્રકાન્ત મહેતા