તેંગ, હેશિયો પિંગ

March, 2016

તેંગ, હેશિયો પિંગ (જ. 22 ઑગસ્ટ 1904, ઝીચ્વાન પ્રાંત; અ. 19 ડિસેમ્બર 1999, બેજિંગ) : રશિયા સાથેના વૈચારિક સંઘર્ષમાં આગેવાની લેનાર અને પશ્ચિમ સાથેના ચીનના સંબંધો પુન: સ્થાપવાની હિમાયત કરનાર ચીનનો પ્રભાવક નેતા.

ફ્રાન્સમાં અભ્યાસકાળ દરમિયાન (1921–24) અને 1925–26માં રશિયાની મુલાકાત દરમિયાન સામ્યવાદી આંદોલનમાં સક્રિય. તેમણે દક્ષિણ ચીનમાં સામ્યવાદી સેનાના રાજકીય અને લશ્કરી સંગઠન માટે નેતૃત્વ પૂરું પાડ્યું. તેમણે માઓત્સે તુંગ દ્વારા પ્રેરિત ‘લાગ માર્ચ’- (1934–35)માં ભાગ લીધો તથા ચાલીસીના દાયકામાં સેનામાં રાજકીય અધિકારી તરીકે સેવાઓ આપી. જાપાની આક્રમકો સામે (1939–1945) તથા ચીની રાષ્ટ્રવાદીઓ વિરુદ્ધ (1945–1949) ચીની લશ્કરનું સેનાપતિ પદ સંભાળ્યું.

ચીનમાં સામ્યવાદી શાસન સ્થપાયા બાદ 1952માં તેઓ ઉપ પ્રધાનમંત્રી બન્યા. આમ છતાં તેમની મહત્વની કામગીરી ચીની સામ્યવાદી પક્ષના સંગઠનવિષયક હતી. બુદ્ધિમાન  અને મહત્વાકાંક્ષી એવા તેંગે પક્ષમાં મજબૂત રાજકીય આધાર ઊભો કર્યો. 1930ના દાયકાથી જ તેંગ માઓત્સે તુંગના વિશ્વાસુ હોવાથી માઓત્સે તુંગે તેમને વધુ સત્તા આપી અને 1954માં તે પક્ષના મહામંત્રી બન્યા તથા 1955માં શાસકીય પૉલિટબ્યૂરોના સભ્ય થયા.

હેશિયો પિંગ તેંગ

1950ના દાયકાના ઉત્તરાર્ધથી તેંગે ચીનના વિદેશી સામ્યવાદી નેતાઓ સાથેના સંબંધોમાં મહત્વની ભૂમિકા ભજવી. 1963માં ચીન-રશિયાના સંબંધોમાં સર્જાયેલા વૈમનસ્ય વખતે મૉસ્કો ખાતેની નિષ્ફળ વાટાઘાટો દરમિયાન ચીની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ તેંગે સંભાળ્યું હતું.

ચીની અર્થતંત્રના વિકાસની બાબતે માઓ તથા તેંગ વચ્ચે મતભેદો ઊપસી આવ્યા. ‘ગ્રેટ લીપ ફોરવર્ડ’ તરીકે જાણીતી માઓની આદર્શવાદી નીતિઓનો અમલ કરવામાં આવ્યો (1958) ત્યારે ચીનના લોકોને ઘણી હાડમારીઓનો સામનો કરવો પડ્યો. અર્થતંત્રની સ્થિરતાને ફરી સ્થાપવાની કામગીરી તેંગને સોંપવામાં આવતાં, તેમણે વ્યવહારુ નીતિ અપનાવી. માઓને આ પસંદ ન પડ્યું. તેંગ તથા તેમના સાથીઓની ‘ચીની સાંસ્કૃતિક ક્રાંતિ’ દરમિયાન (1966–1969) હકાલપટ્ટી કરવામાં આવી. જોકે 1973માં તેંગને પુન:સ્થાપિત કરવામાં આવ્યા અને ઉપ-વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

1975માં તેંગને પક્ષની મધ્યસ્થ સમિતિના અધ્યક્ષ, પૉલિટ બ્યૂરોના સભ્ય તથા જનરલ સ્ટાફના વડા તરીકે નીમવામાં આવ્યા. ચાઉ એન લાઇ(ચીની વડાપ્રધાન)ના સ્વાભાવિક વારસદાર તરીકે તેમની ગણના થતી હતી. આમ છતાં ફરી એક વાર તેઓ સત્તાસ્થાનેથી પદભ્રષ્ટ થયા (એપ્રિલ, 1976).

સપ્ટેમ્બર, 1976માં માઓત્સે તુંગનું મૃત્યુ થયું તથા ઑક્ટોબર 1976માં  ઉદ્દામવાદીઓની સાફસૂફી કરવામાં આવી. જુલાઈ, 1977માં તેંગ ફરીથી પ્રથમ ઉપ-વડાપ્રધાન તરીકે પોતાના પદ પર પાછા ફર્યા. અને 1978થી વ્યવહારુ આધુનિકીકરણના કાર્યક્રમનો અમલ શરૂ કર્યો. તેમણે ચીનના આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય પરિવર્તનોનો દોર શરૂ કર્યો. તેંગના નેતૃત્વ નીચે ચીનના અન્ય દેશો સાથેના સાંસ્કૃતિક અને વ્યાપાર-વિષયક સંબંધોમાં વધારો થયો. માર્ચ, 1979માં તેમણે યુ.એસ.ની મુલાકાત લીધી. તેમણે પ્રવૃત્તિઓ પરના સામ્યવાદી પક્ષનાં નિયંત્રણોને શિથિલ કર્યાં.

તેંગની આર્થિક નીતિઓના પરિણામે ચીની અર્થતંત્રનો વિકાસ થયો અને લોકોના જીવનધોરણમાં સુધારો થયો. આમ છતાં, આ ફેરફારોને લીધે ફુગાવાના દરમાં વધારો થયો અને અનેક સામાજિક વિષમતાઓ ઊપસી આવી. આનો કેટલાક ચીની નેતાઓએ વિરોધ પણ કર્યો.

તેંગની નીતિઓને લીધે ચીની  સમાજનું રાજકીય બંધિયારપણું દૂર થયુ. તથા ચીની લોકોએ રાજકીય મુક્ત આબોહવાને માણી. જોકે ઘણા નાગરિકોની લોકશાહી માટેની માંગણી વધતી જતી હતી. 1989માં તિઆનાનમેનસ્કવૅર ખાતે વિદ્યાર્થીઓએ લોકશાહી માટેના મોટા પાયે દેખાવો કર્યા. લશ્કરે નિર્દયતાપૂર્વક આ દેખાવકારોને કચડી નાખ્યા.

ચીની અર્થતંત્રના આધુનિકીકરણ માટે તેંગે સામ્યવાદી તથા અન્ય શાસન પ્રથાઓમાંથી વિચારો લીધા હતા. આજે તેંગ ચીની સામ્યવાદી પક્ષ કે સરકારમાં કોઈ સત્તાસ્થાને ન હોવા છતાં તેમનું રાજકીય પ્રભુત્વ અકબંધ રહ્યું છે.

નવનીત દવે