તેંડુલકર, સચિન રમેશ

March, 2016

તેંડુલકર, સચિન રમેશ (જ. 24 એપ્રિલ 1973, મુંબઈ) : ભારતનો અત્યંત શક્તિશાળી, નાની ઉંમરમાં મહત્વની સિદ્ધિ મેળવનાર જમણેરી બૅટ્સમૅન, જમણેરી ધીમો ગોલંદાજ તથા ભારતીય ટીમનો સુકાની (1996). રમતવિશ્વમાં ક્વચિત્ એવી પ્રતિભાનું પ્રાગટ્ય થાય છે કે જે એની સર્વતોમુખી શક્તિથી અદ્વિતીય સ્થાન મેળવે છે. 1985–86માં મુંબઈની શારદાશ્રમ વિદ્યામંદિર તરફથી મુંબઈની આંતરસ્કૂલ-ટૂર્નામેન્ટ હેરિસ શીલ્ડ સ્પર્ધામાં સચિન તેંડુલકરે બાર વર્ષની વયે સદી કરી. પછીને વર્ષે એણે કુલ નવ સદી કરી, જેમાં બે બેવડી સદીઓનો સમાવેશ થાય છે. તેમાં પણ એક દાવમાં તો એણે એક દિવસમાં 276 રન કર્યા અને કુલ 2336 રન નોંધાવ્યા. 1987–88માં એણે ત્રણ હજારથી વધુ રન કર્યા, જેમાં નિશાળથી માંડીને ઉચ્ચ કક્ષાના ક્રિકેટ સુધી એના સાથી બનેલા વિનોદ કામ્બલી સાથે 664 રનની અણનમ ભાગીદારી કરી. આમાં સચિન તેંડુલકરે 48 ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ રહી 329 રન કર્યા. એ વર્ષે છેલ્લા ત્રણ દાવમાં એનો જુમલો અણનમ 207 રન, અણનમ 329 રન અને અણનમ 346 રનનો હતો અને અદભુત ગણાય એવી તેની એવરેજ 1028 રનની હતી.

સચિન રમેશ તેંડુલકર

કીર્તિ કૉલેજમાં મરાઠીના પ્રાધ્યાપક એના પિતા રમેશ, મોટા ભાઈ અજિત અને તાલીમ આપનાર રમાકાંત આર્ચેકરની પ્રેરણાથી સચિન તેંડુલકર ગમે તેવી કપરી પરિસ્થિતિ હોય તોપણ સ્વસ્થ ચિત્તે આત્મવિશ્વાસથી ખેલવા લાગ્યો. એની બૅટિંગમાં અત્યંત ચપળ ફૂટવર્ક, સંગીન ટૅકનિક, આકર્ષક છટા, જરૂર પડ્યે આક્રમક બૅટિંગ કરવાની ક્ષમતા જોવા મળી અને તેથી ભારતના ઉત્કૃષ્ટ બૅટ્સમૅન સુનિલ ગાવસ્કર સહિત સહુ કોઈ એમ માનવા લાગ્યા કે આ અપ્રતિમ શક્તિશાળી ખેલાડી બૅટિંગના અનેક વિક્રમોને આંબી જશે. 1988ની બારમી ડિસેમ્બરે પોતાની પ્રથમ રણજી ટ્રૉફી મૅચમાં ગુજરાત સામે એણે અણનમ સદી કરી. સોળ વર્ષની વય પણ થઈ નહોતી અને એ સિઝનમાં એક સદી અને છ અડધી સદી સાથે 64.99ની સરેરાશથી 583 રન નોંધાવીને મુંબઈની રણજી ટ્રૉફી ટીમમાં સૌથી વધુ રન કરનાર ખેલાડી તરીકે મોખરે રહ્યો. 1989માં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જનારી ટીમમાં નાની વયને કારણે અને ખૂબ વહેલો ઉચ્ચ કક્ષાના ક્રિકેટમાં ન લઈ જવો તેવા નકારાત્મક વિચારોને પરિણામે એની પસંદગી ન થતાં તેંડુલકરને નિરાશા થઈ, પરંતુ ટેસ્ટ-પ્રવેશ માટે લાંબો સમય રાહ જોવી પડી નહિ. પાકિસ્તાનના પ્રવાસે ગયેલી ટીમમાં સોળ વર્ષ અને બસો પાંચ દિવસની વય ધરાવતા સચિન તેંડુલકરે ટેસ્ટ- પ્રવેશ કર્યો. ટેસ્ટ ખેલનારો ભારતનો સૌથી યુવાન ખેલાડી બન્યો અને બીજી ટેસ્ટમાં તો એ ટેસ્ટક્રિકેટનો સૌથી નાની વયે અર્ધી સદી નોંધાવનારો ખેલાડી બન્યો 16 વર્ષ અને 293 દિવસની ઉંમરે 1990ની 22મી ફેબ્રુઆરીએ ન્યૂઝીલૅન્ડના નેપિયરમાં રમાયેલી બીજી ટેસ્ટમાં અગાઉના દિવસે અણનમ 80 રન કરનાર તેંડુલકર પછીના દિવસે 88 રને ડેની મોરિસનની ગોલંદાજીમાં આઉટ થતાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી નાની વયે સદી કરવાનું સન્માન ચૂકી ગયો. ભારતીય ક્રિકેટમાં તો રણજી ટ્રૉફી, દુલિપ ટ્રૉફી અને ઈરાની કપની પ્રથમ મૅચમાં  સદી કરવાનું અપૂર્વ માન સચિન તેંડુલકરે મેળવ્યું. 1990માં ઓલ્ડટ્રેફર્ડના મેદાન પર ઇંગ્લૅન્ડ સામે બીજી ટેસ્ટમાં ભારતને વિજય માટે 408 રન કરવાના હતા અને ચાર વિકેટ ગુમાવીને ભારતે માત્ર 109 રન કર્યા હતા. આવી પરિસ્થિતિમાં ખેલવા આવેલા સચિન તેંડુલકરે અણનમ 119 રનની આક્રમક રમત બતાવી. સચિન તેંડુલકર ટેસ્ટ સદી કરનારો ભારતનો સૌથી યુવાન ખેલાડી બન્યો. તે સમયે એની ઉંમર સત્તર વર્ષ અને એકસો બાર દિવસની હતી. ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કે કાયદા પ્રમાણે વિદેશ પ્રવાસના કરાર પર સહી કરવા માટે સચિન હજી યોગ્ય ઉંમરે પહોંચ્યો નહોતો. પછીના વર્ષે ઑસ્ટ્રેલિયામાં સિડની અને પર્થની ઝડપી ગોલંદાજોને સહાયરૂપ જીવંત વિકેટ પર સચિન તેંડુલકરે સદી કરી. 1991ની 18મી ઑક્ટોબરે અગાઉ પાંચ વર્ષમાં આઠ વખત શારજાહમાં હારનારા ભારતે પરાજયની કાલિમા દૂર કરી, ત્યારે એમાં ઇમરાનખાન, વકાર યૂનુસ અને વસીમ અક્રમની વેધક ગોલંદાજી સામે 40 દડામાં અણનમ 52 રન કરીને સચિને મહત્વનું યોગદાન આપ્યું. દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ઝડપી ગોલંદાજોના બાઉન્સર સામે ભારતના બૅટ્સમૅનો નિષ્ફળ જતા હતા ત્યારે જોહાનિસબર્ગમાં 111 રન અને પૉર્ટ એલિઝાબેથમાં 73 રન કર્યા અને સચિન તેંડુલકર ભારતનો અગ્રિમ બૅટ્સમૅન બની ગયો. વિરોધી ગોલંદાજોએ ઝડપથી વિકેટો ખેરવીને દબાણભર્યું વાતાવરણ સર્જ્યું હોય તોપણ કશાય બોજ વિના ખેલી શકતા સચિનના ખમીરનો ખ્યાલ તો તેણે ચેન્નાઈમાં ઇંગ્લૅન્ડ સામે કરેલા 165 રન અને શ્રીલંકા સામે લખનૌમાં કરેલા 142 રન આપે છે. આને પરિણામે તે ક્રિકેટના ઇતિહાસનો એકમાત્ર બૅટ્સમૅન બન્યો જેણે એકવીસ વર્ષનો થતાં પહેલાં સાત સદી લગાવી હોય. ઇંગ્લૅન્ડની યૉર્કશાયર કાઉન્ટીએ 1992માં એની ટીમ તરફથી ખેલનારા સર્વપ્રથમ વિદેશી ક્રિકેટર તરીકે તેંડુલકરને કાઉન્ટી મૅચો ખેલવા બોલાવ્યો. 1994માં ન્યૂઝીલૅન્ડ સામે ઓપનિંગમાં આવવાની પરિસ્થિતિ ઊભી થતાં તેંડુલકરે 49 દડામાં 82 રન કર્યા. અગાઉ ટેસ્ટમાં ઝળકેલા, પરંતુ મર્યાદિત ઓવરોવાળી એક-દિવસીય મૅચમાં ચોથા કે પાંચમા ક્રમે આવીને મહત્વની કામગીરી બજાવવામાં અસમર્થ તેંડુલકરનો વન-ડેમાં ઓપનર તરીકે જાણે નવો જન્મ થયો. 1994ના વર્ષમાં દસ એક-દિવસીય આંતરરાષ્ટ્રીય મૅચોમાં 53.20ની સરેરાશથી તેંડુલકરે 532 રન કર્યા. 1987–88ની સિઝનમાં આવી પંદર મૅચોમાં 478 રનનો શ્રીકાંતનો વિક્રમ તોડ્યો અને એક જ સિઝનમાં એક-દિવસીય આંતરરાષ્ટ્રીય મૅચોમાં પાંચસો રન કરનાર સર્વપ્રથમ ભારતીય બૅટ્સમૅન બન્યો. ટેસ્ટક્રિકેટ વધુ ખેલાવું જોઈએ એવી ઇચ્છા સેવતા તેંડુલકરે સપ્ટેમ્બરમાં ઑસ્ટ્રેલિયા સામે પહેલી વાર સદી કરી અને એ પછી બીજી ત્રણ સદી નોંધાવી. કવરથી મિડ્-ઓનની વચ્ચે છટાદાર જમીનસરસો ડ્રાઇવ લગાવતા તેંડુલકરને જોવો એ એક લહાવો છે. 1994–95માં વેસ્ટ ઇન્ડીઝ સામે નાગપુરમાં કરેલા 179 રન એ એનો સૌથી મોટો ટેસ્ટ-જુમલો છે, જ્યારે વન-ડેની આંતરરાષ્ટ્રીય મૅચોમાં 1995–96માં શ્રીલંકા સામે દિલ્હીમાં કરેલા 137 રન એ એનો સૌથી વધુ જુમલો છે. તે પોતાના ક્રિકેટજીવનના સૌથી દુ:ખદ દિવસ તરીકે 1996માં કૉલકાત્તામાં વિશ્વ કપની સેમી-ફાઇનલમાં શ્રીલંકા સામે થયેલી હારને ગણે છે. 1995ની 31મી ઑક્ટોબરે ‘વર્લ્ડ ટેલ’ કંપની સાથે કરેલા કરાર સચિન તેંડુલકરને બ્રાયન લારા કે શેન વૉર્ન કરતાં ક્રિકેટમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી તરીકે સ્થાન અપાવે છે. વન-ડે ક્રિકેટમાં એની ધીમી, મધ્યમ ઝડપી ગોલંદાજીથી પણ સચિન થોડી વિકેટો ઝડપવા માટે સફળ નીવડ્યો છે. એની સ્વસ્થતા અને ક્ષમતા બંનેને કારણે સચિન તેંડુલકરને 1996માં ખેલાનારી સિંગર કપ અને સહારા કપ જેવી વન-ડેની સ્પર્ધામાં ભારતીય ટીમનું સુકાનીપદ સોંપવામાં આવ્યું હતું.

અત્યાર સુધીમાં સચિન તેંડુલકરે 41 ટેસ્ટના 60 દાવમાં 10 સદી સાથે 50.92ની સરેરાશથી કુલ 2911 રન કર્યા છે તથા 33 કૅચ ઝડપ્યા છે અને 3 વિકેટ મેળવી છે. વન-ડેની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં 118 વન-ડેના 115 દાવમાં 8 સદી સાથે 39.26ની સરેરાશથી 4084 રન કર્યા છે તથા 35 કૅચ ઝડપ્યા છે અને 39 વિકેટ ઝડપી છે.

સચીન તેંડુલકરને ઘણા માન-સન્માન, ઍવૉર્ડ વગેરે મળ્યાં છે. 1994માં અર્જુન ઍવૉર્ડ, 1997માં રાજીવ ગાંધી ‘ખેલરત્ન’ ઍવૉર્ડ, 1999માં ‘પદ્મશ્રી’, 2008માં ‘પદ્મવિભૂષણ’, 2013માં ‘ભારતરત્ન’, 2010માં સર ગારફિલ્ડ સોબર્સ ટ્રૉફી વગેરેથી સન્માનિત થયા છે.

ઑક્ટોબર, 2013માં 20-20 ક્રિકેટ રમ્યા પછી ક્રિકેટના ક્ષેત્રમાંથી તેમણે નિવૃત્તિ લીધી છે.

કુમારપાળ દેસાઈ