તૃષા : તરસ લાગવી તે. આયુર્વેદમાં અતિ તરસ રોગ ગણાય છે. ભય તથા શ્રમાધિક્યથી વાતપ્રકોપ દ્વારા અને ઉષ્ણતીક્ષ્ણ પદાર્થોનું સેવન કરવાથી પિત્તપ્રકોપ દ્વારા તાલુમાં શોષ થાય છે અને તૃષારોગ ઉત્પન્ન થાય છે. શરીરમાં જલવાહી (અંબુવહ) સ્રોત હોય છે. તેમાં દુષ્ટી થવાને કારણે પણ તૃષા થાય છે. તૃષારોગ વાતજ, પિત્તજ, કફજ, ક્ષતજ, ક્ષયજ, આમજ તથા અન્નજ પ્રકારથી 7 પ્રકારનો હોય છે. વળી અનેક રોગોમાં ઉપદ્રવ તરીકે તૃષા થાય છે તેને ઉપસર્ગજ તૃષા કહેવાય છે.
ચિકિત્સા : વાતજ તૃષામાં ગોળ સાથે મિશ્રિત દહીં આપવું તેમજ ગુડૂચી (ગળો)નો રસ આપવો. પિત્તજન્ય તૃષામાં ઉંબરનાં ફળોનો રસ, અનંતમૂળનો રસ, સારિવાદિ ગણની ઔષધિઓ(અનંતમૂળ, ચંદન, ખસ, જેઠીમધ, ફાલસા, ગડુ વાવ.)નો રસ અથવા ક્વાથ અપાય છે. ક્ષતજ તૃષામાં ગાંઠારસ આપવો. આમજ તૃષામાં ગરમ પાણી પીવા માટે અપાય છે. શીત જળમાં મધ મિશ્ર કરી અપાય છે.
હરિદાસ શ્રીધર કસ્તૂરે