તૃત્સુઓ : ઋગ્વેદમાં ઉલ્લિખિત એક પ્રજાવિશેષ. ભરતોના રાજા સુદાસે પરુષ્ણી (રાવી) નદીના તટે વિપક્ષની દસ ટોળીઓના રાજાઓને યુદ્ધમાં હરાવ્યા એ ઘટના ‘દાશરાજ્ઞ યુદ્ધ’ તરીકે સુપ્રસિદ્ધ છે, જે ઋગ્વેદસંહિતાના સપ્તમ મંડલના સૂકત 18માં નિરૂપાઈ છે. આ યુદ્ધમાં તૃત્સુઓ સુદાસના પક્ષમાં હતા, જ્યારે વિપક્ષમાં  તુર્વશ, દ્રુહ્યુ, પૂરુ, અનુ વગેરેનો સમાવેશ થતો હતો. ભરતો વિપાશા (બિયાસ) અને શુતુદ્રી (સતલજ) નદીના પ્રદેશો સુધી ધસી ગયા હતા. આગળ જતાં ભરતો પર તૃત્સુઓની સત્તા પ્રવર્તીને ભરતો તથા તૃત્સુઓ પોતાની બંને બાજુની જાતિઓ સાથે યુદ્ધ કર્યા કરતા. પછીથી તૃત્સુઓ પૂરુઓ સાથે એક થયા. વિપક્ષમાં યદુઓ અને તુર્વશો એક થયા હોવાનું માલૂમ પડે છે. તૃત્સુ–પૂરુઓ પરુષ્ણી (રાવી) અને યમુના નદીના દોઆબ પ્રદેશમાં પ્રસર્યા હતા. ભરતો, તૃત્સુઓ અને પૂરુઓ એ ત્રણ પ્રજાઓના સમન્વયમાંથી કુરુ પ્રજા ઉદભવી હતી. તૃત્સુઓનો મૂળ નિવાસ સરસ્વતી નદીના તટપ્રદેશોમાં હતો. ઋગ્વેદસંહિતામાં તૃત્સુઓનો ઉલ્લેખ કેટલાંક સૂક્તોમાં બહુવચનમાં અને કેટલાંક બીજાં સૂક્તોમાં એકવચનમાં આવે છે. તૃત્સુઓ સંજયોના મિત્રો હોવાનું ઋગ્વેદસંહિતાના મંડલ 7ના સૂક્ત 47માં જણાવ્યું છે. આમ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા ભારતીય આર્યોમાં તૃત્સુઓ મહત્વનું સ્થાન ધરાવે છે.

તૃત્સુઓ ભરતોના પુરોહિત હતા ને વસિષ્ઠો સાથે એકાત્મક ગણાય એમ સૂચવાયું છે. પરંતુ ‘તૃત્સુ’ એ શબ્દ રાજા સુદાસ માટે એકવચનમાં પ્રયોજાયો લાગે છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી