તૃતીય જીવયુગ

કેનોઝોઇક(નૂતન જીવ) મહાયુગનો પૂર્વાર્ધકાળ એટલે તૃતીય જીવયુગ. ભૂસ્તરીય કાળક્રમમાં મધ્યજીવયુગ (મેસોઝોઇક યુગ) પછી શરૂ થતો હોઈ તેને તૃતીય જીવયુગ (ટર્શ્યરી) નામ આપવામાં આવ્યું છે. ભૂસ્તરીય ઇતિહાસમાં તેમની ખડકરચનાઓની જમાવટ આજથી ગણતા 6.5 ± કરોડ વર્ષ અગાઉથી શરૂ થઈને 20 ± લાખ (છેલ્લાં સંશોધનો મુજબ 16 ± લાખ વર્ષ) વર્ષ વચ્ચેના 6.3 કરોડ વર્ષના ગાળા દરમિયાન થયેલી છે. તેની નીચે ક્રિટેસિયસ રચના અને ઉપર પ્લાયસ્ટોસીન રચના આવેલી છે. તેની ઉપર અને નીચેની સીમા સુસ્પષ્ટ નથી. તૃતીય જીવયુગના કાળગાળાને પેલિયોસીન, ઇયોસીન, ઑલિગોસીન, માયોસીન અને પ્લાયોસીન – એ પ્રમાણેના પાંચ કાલખંડમાં વહેંચેલો છે.

0 વર્ષ અર્વાચીન

પ્લાયસ્ટોસીન

વાટર્નરી

યુગ

ચતુર્થ

જીવયુગ

16 લાખ

વર્ષ

પ્લાયોસીન

માયોસીન

ઓલિગોસીન

ઇયોસીન

પેલિયોસીન

ટર્શ્યરી

યુગ

તૃતીય જીવયુગ

6.5 કરોડ

વર્ષ

ક્રિટેસિયસ

જુરાસિક

ટ્રાયસિક

મેસેઝોઈક

યુગ

મધ્યજીવયુગ

22.5

કરોડ

વર્ષ

પરમિયન

કાર્બોનિફેરસ

ડેવોનિયન

સાઈલ્યુરિયન

ઓર્ડોવિસિયન

પેલિયોઝોઈક યુગ

પુરાજીવયુગ

57 કરોડ  

પ્રિ-કેમ્બ્રિયન યુગ

450 કરોડ

વર્ષ

પ્રાચીન ભૌગોલિક સંજોગો : યુરોપના સંદર્ભમાં જોતાં, મેસોઝોઇક  અને ટર્શ્યરી નિક્ષેપસમૂહો વચ્ચેની સરહદ ત્વરિત નિક્ષેપવિરામ (break in sedimentation) દ્વારા જાણી શકાય છે. ટર્શ્યરી રચનાઓના નિક્ષેપોમાં એકાએક અને અસરકારક ફેરફારો પ્રાણી અવશેષોનાં સ્વરૂપોમાં જોવા મળે છે, પ્રાણીઓના આખા ને આખા વંશ (family) અને ગણ(order) નાશ પામે છે, પરંતુ તેમના વધુ ઉત્ક્રાન્ત પ્રકારો અસ્તિત્વમાં આવતા જાય છે. મધ્યજીવયુગનો સર્વોપરી પૃષ્ઠવંશી સરીસૃપવર્ગ મોટા પાયા પરના વિલોપ દ્વારા ક્ષીણ થઈ અર્દશ્ય બની જાય છે. તેની જગાએ સસ્તન પ્રાણીઓ(mammals)નું પ્રાધાન્ય વધતું જાય છે. પ્રારંભિક સસ્તન પ્રાણીઓ સરળ શરીરરચનાવાળાં હોય છે, પરંતુ ઘણી ઝડપથી તે જટિલ રચનાવાળાં બનતાં જાય છે અને જાતિ, વંશ તેમ જ ગણની વિપુલ સંખ્યામાં એકબીજાથી અલગ પડતાં જાય છે. તૃતીય જીવયુગના આગમન સાથે અપૃષ્ઠવંશી પ્રાણીઓ પૈકી સીફેલોપોડ વર્ગની જાતિઓ-ઉપજાતિઓનો પણ વિલોપ થાય છે. મધ્યજીવયુગમાં જેમનું વર્ચસ હતું તે એમોનાઇટ–બેલેમ્નાઇટનો તદ્દન નાશ થઈ જાય છે. પ્રથમ જીવયુગનાં ત્રિખંડી(trilobites) પ્રાણીઓની જેમ જ તે હવે ભૂસ્તરીય ઇતિહાસના માત્ર શેષ તરીકે જોવા મળે છે. સીફેલોપોડનું સ્થાન ગેસ્ટ્રોપોડ લેતાં જાય છે, જે તેમના અધિકતમ વિકાસની કક્ષામાં પ્રવેશતાં જાય છે. અત્યારે જોવા મળતી વનસ્પતિનાં પ્રારંભિક લક્ષણો ક્રિટેસિયસ કાળમાં શરૂ થયેલાં, તેમ છતાં તૃતીય જીવયુગ દરમિયાન વનસ્પતિના લગભગ બધા જ સમૂહો જોવા મળે છે. મોટે ભાગે કોનિફર્સ અને સપુષ્પ વનસ્પતિ તેમજ શંકુઆકાર વનસ્પતિનો સમાવેશ કરી શકાય. મધ્યજીવયુગમાં ઘાસનું તો અસ્તિત્વ જ ન હતું, તેનો હવે ઝડપી ફેલાવો થતો જાય છે અને ખાસ કરીને તૃણભક્ષી પ્રાણીઓની ખાવાની ટેવોમાં થતા ફેરફારોમાં તેનો અગત્યનો ફાળો છે.

પૃથ્વીના પટ પર આજે જોવા મળતા ખંડોના આકારો, ભવ્ય પર્વતસંકુલો અને તેમની ગોઠવણી, જળપરિવાહ અને નદીમાર્ગો, વિશાળ ઉચ્ચપ્રદેશો અને મેદાની વિસ્તારો, આબોહવાના વિભાગો, પ્રાણીઓ અને વનસ્પતિનું વિતરણ, વગેરે જેવાં વર્તમાન લક્ષણો ટર્શ્યરી કાળગાળા દરમિયાન આકાર પામતાં ગયાં છે.

અંતિમ ક્રિટેસિયસ કાળ વખતે ઉદભવેલી, દુનિયાના ઘણા વિસ્તારોને આવરી લેતી, પ્રચંડ લાવા પ્રસ્ફુટન જેવી તેમજ તે પછીથી ગોંડવાના ખંડના ભંગાણની અને ખંડપ્રવહનની ઘટનાઓ નિમ્ન ટર્શ્યરી કાળમાં ચાલુ રહેલી. આ જ કાળગાળા દરમિયાન ટેથીઝ મહાસાગરની પીછેહઠને કારણે તે ખંડ છેવટે નાનામોટા ટુકડાઓમાં વિભાજિત થતો ગયો, જેનાં અવશિષ્ટ થાળાં થોડો વખત રહ્યાં. આખાયે ટર્શ્યરી કાળ પર્યંત ટેથિયન ભૂસંનતિમય થાળામાંના નિક્ષેપજથ્થાનું ઊર્ધ્વગમન થતું રહ્યું, તેને સ્થાને આલ્પ્સ, હિમાલય, પીરીનીઝ, એપેનાઇન, કાર્પેથિયન, કોકેસસ, વગેરે પર્વતમાળાઓ ક્રમવાર તબક્કાઓમાં ઉત્થાન પામતી ગઈ. ખંડોનું નવનિર્માણ થતું રહ્યું, આબોહવાના ફેરફારો થતા ગયા, તેમ તેમ પ્રાણીઓનાં સ્થળાંતર થતાં રહ્યાં. ટર્શ્યરીના ઉત્તરાર્ધકાળ વખતે ઉત્તર ગોળાર્ધમાં વધુ પડતી ઠંડી આબોહવા ઉત્પન્ન થતી જતી હોવાથી વિષુવવૃત્ત તરફ પ્રાણીઓ ખસતાં ગયાં. ક્યારેક તો ઉત્થાન પામતી જતી પર્વતમાળાઓ આ સ્થળાંતરમાં અવરોધરૂપ બની, પરિણામે કેટલાંક પ્રાણીઓનો વિલોપ થઈ ગયો.

ટર્શ્યરી યુગ દરમિયાન ભિન્ન ભિન્ન થાળાંમાં જામતા ગયેલા નિક્ષેપોમાં તે વખતે વિપુલ પ્રમાણમાં અસ્તિત્વ ધરાવતાં સસ્તન પ્રાણીઓ દટાતાં ગયેલાં, તેના અવશેષો જે આજે મળી રહે છે, તેની વિપુલતા પરથી ટર્શ્યરીને સસ્તન પ્રાણીઓનો યુગ (age of mammals) કહેવામાં આવ્યો છે. આજે જેનો અભાવ છે. જેનાથી બિલકુલ અજાણ છીએ એવા અસંખ્ય પ્રાણીપ્રકારો પણ મળી આવેલા છે. આ ઉપરાંત કેટલાંક સસ્તન પ્રાણીઓમાં ઉત્ક્રાંતિની કક્ષામાં તેમના મગજનો ક્રમિક વિકાસ થતો રહેલો, જેના પુરાવા તેમના જીવાવશેષોના તલસ્પર્શી અભ્યાસ પરથી મળી રહે છે. પ્રાણીઓના આકાર અને કદ, તેમની ખાવાની રીત, વગેરે પરથી ઉત્ક્રાંતિની કક્ષાઓ નક્કી કરી શકાય છે. આ સંદર્ભમાં તેમના દાંત ખૂબ જ ઉપયોગી નીવડે છે. ઊભયજીવી અને માછલી જેવાં પ્રાણીઓના દાંત નાના, શંકુ આકારના પણ અસંખ્ય હોય છે; પહેલાંનાં માંસભક્ષી પ્રાણીઓના દાંતમાં પણ ફેરફાર થતો ગયો, તેમની ખોપરી કૂતરા જેવી બનતી ગઈ, જે આજનાં એ પ્રકારનાં પ્રાણીઓનું પૂર્વજ મનાય છે. તેઓ કદમાં નાનાં હતાં અને તત્કાલીન તૃણભક્ષી પ્રાણીઓ પર નભતાં હતાં.

ટર્શ્યરી કાળના જીવન વિશે ટૂંકમાં આ પ્રમાણે કહી શકાય : ભૂમિ તેમજ દરિયાઈ સંજોગો હેઠળ સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓમાં વિવિધતા આવી, વિસ્તૃતીકરણ થયું અને ઘણા મોટા પાયા પર ઉત્ક્રાંતિ થતી રહી. પેલીસીપોડ અને ગેસ્ટ્રોપોડમાં વધારો થયો અને જુદા જુદા પ્રકારો વિકસ્યા. ફોરામિનિફર અને માછલીઓમાં વૈવિધ્ય આવ્યું અને સંખ્યામાં વધારો  થયો. ઘાસ, છોડ અને સપુષ્પ વનસ્પતિમાં પણ ઘણો વિકાસ થયો.

ટર્શ્યરી કાળના જળકૃત ખડકો પૈકી ચૂનાખડકો, રેતીખડકો, પંકપાષાણ કૉંગ્લોમરેટ મુખ્ય છે. અગ્નિકૃત ખડકો પૈકી જ્વાળામુખીજન્ય પ્રકારો વિશેષ છે, સાથે સાથે તૈયાર થયેલા અંતર્ભેદિત ખડકો અને અંત:કૃત ખડકો  પણ છે. જળકૃત દરિયાઈ નિક્ષેપો દુનિયાભરમાં બહોળા પ્રમાણમાં મળી આવે છે. ક્યાંક ઓછી તો ક્યાંક વધુ જાડાઈમાં તે જોવા મળે છે. મેક્સિકોની ઉત્તરના અને પશ્ચિમના ભાગો, ઉત્તર અમેરિકાનો ઍટલાન્ટિક સમુદ્રનો છાજલી વિસ્તાર પૅસિફિક મહાસાગરની ફરતે કિનારીઓ, આલ્પ્સ અને હિમાલયની ઉત્થાન પામતી હારમાળાઓની બાજુઓ, મધ્ય કૅલિફૉર્નિયાની દક્ષિણનો વિસ્તાર ટર્શ્યરી કાળના જળકૃત ખડકોનાં સ્થાનોનાં ઉદાહરણો છે. બિનદરિયાઈ જળકૃત ખડકસ્તરો મોટે ભાગે ઓછી જાડાઈના છે, જે ખંડોના અંદરના ભૂમિભાગોમાં જોવા મળે છે. મોટાભાગના ટર્શ્યરી જળકૃત ખડકો છીછરો જળનિક્ષેપ પ્રકાર સૂચવે છે. ટર્શ્યરી કાળમાં જ્વાળામુખીજન્ય પ્રસ્ફુટનથી તૈયાર થયેલા ખડકપ્રકારો ઘણો વિસ્તાર આવરી લે છે. આ પ્રકારો ભારત, પૅસિફિક મહાસાગરની કિનારીઓ, ભૂમધ્ય સમુદ્રનો વિસ્તાર, આઇસલૅન્ડ અને આસપાસનો દરિયાઈ તળનો વિસ્તાર આવરી લે છે.

ટર્શ્યરી કાળ દરમિયાન ટેથિયન ભૂસંનતિમય થાળાની તબક્કાવાર ઉત્થાનક્રિયાને પરિણામે ટર્શ્યરી રચનાઓ બે નિક્ષેપરચનાપ્રકારો રજૂ કરે છે. નિમ્ન ટર્શ્યરીનો દરિયાઈ નિક્ષેપપ્રકાર (marine facies) અને ઊર્ધ્વ ટર્શ્યરીનો સ્વચ્છજળ નિક્ષેપ પ્રકાર(freshwater facies).

ભારત : ટર્શ્યરી યુગ એ આખાય ભારતીય વિસ્તાર, હિમાલય તેમજ દ્વીપકલ્પના પ્રાકૃતિક ઇતિહાસમાં  ઘણો જ અગત્યનો યુગ છે. આ કાળ દરમિયાન જ ભારતમાં ઘણાં જ અગત્યનાં ભૂપૃષ્ઠ લક્ષણો અસ્તિત્વમાં આવ્યાં અને તેનું વર્તમાન ભૂપૃષ્ઠ આકાર પામ્યું. ઇયોસીનના મધ્યકાળ વખતે ભૂસંચલનનો યુગ શરૂ થયો, જેમાં ભારતીય વિસ્તારની જૂની ભૌગોલિક પરિસ્થિતિ ફેરફાર પામી. આ પુનર્ગોઠવણીમાં ભૂગતિવિદ્યા(geodynamics)ની બે ઘટનાઓ મહત્વની બની રહી. એક તો જૂના ગોંડવાના ભૂમિસમૂહની, તેના વિશાળ ટુકડાઓનું સમુદ્ર નીચે અવતલન થવાથી, અંતિમ ભંગાણની ક્રિયા બની; અને બીજું એ કે ઉત્તરે ટેથીઝ ભૂસંનતિ વિસ્તારના સમુદ્રનિક્ષેપોમાંથી હિમાલયની ઉત્તુંગ હારમાળાની ઉત્થાનની ક્રિયા બની.

ક્રિટેસિયસના અંતિમ ચરણ વખતે થયેલું આગ્નેય બળોનું બેસુમાર પ્રસ્ફુટન પોપડાનાં પ્રચંડ હલનચલન અને વિરૂપતાઓ લાવી મૂકવામાં પુરોગામી બની રહ્યું. ભૂગર્ભમાંથી પૃથ્વીના બાહ્ય વિભાગ ઉપર મૅગ્માજન્ય દ્રવ્યના જથ્થાઓનું સ્થાનાંતર ભૂપૃષ્ઠ પર સ્પષ્ટ અસરો કર્યા વગર રહી શક્યું નહિ. આ અસરો મુખ્યત્વે ભારતીય પોપડાના ખંડભાગોની અવતલન પ્રકારની અને ઉપલી સપાટીના ગેડીકરણની હતી. સ્તરભંગોની ક્રિયાઓ ટર્શ્યરીના પ્રારંભકાળમાં અસ્તિત્વમાં આવી. આમ પ્રસ્ફુટન અને ભૂસંચલનની આ બંને ઘટનાઓના સહગામી અને પરિણામી પ્રકાર વિશે કોઈ સંશય નથી.

હિમાલયનું ઉત્થાન : દરિયાઈ નિક્ષેપોનો જથ્થો, જે પર્મિયન કાળથી ટેથિયન ભૂસંનતિમય થાળામાં એકઠો થતો હતો, તેનું, મહાસાગર-તળની ધીમી ઊંચા આવવાની દીર્ઘકાલીન ક્રિયા દ્વારા, ઉત્થાન શરૂ થયું. મધ્ય ઇયોસીનથી ટર્શ્યરીના અંત સુધી મેસોઝોઇક સમુદ્ર(ટેથીઝ)ને સ્થાને પૃથ્વી પર મોટામાં મોટી અને ઊંચામાં ઊંચી પર્વતમાળા ઊપસી આવી ત્યાં સુધી, અમુક અમુક સમયગાળાને અંતરે થતા કેટલાક તબક્કાઓમાં આ ઉત્થાન ચાલુ રહ્યું. આ વિસ્તારોમાંથી સમુદ્ર ખસી ગયા બાદ પણ ટેથીઝનાં છેલ્લાં ચિહનો રૂપે થોડાં છૂટાંછવાયાં જલાશયો રહ્યાં. તેમના તળિયે તે કાળના લાક્ષણિક નિક્ષેપો જામતા ગયા. તે પૈકીનો ન્યુમુલાઇટ ચૂનાખડક ટર્શ્યરી સમયના ભૂસ્તરીય ઇતિહાસમાં નિ:સંશય અને અનોખું ભૂમિચિહન લેખાય છે; એટલું જ નહિ, ભૂસ્તરીય કાળક્રમમાં હિમાલયના ઉત્થાનની શરૂઆતના સમયનો નિર્ણય કરવા માટે આ જળકૃત-જલાશયો મહત્વનાં બની રહે છે.

હિમાલય પર્વતસંકુલનું ઉત્થાન ટર્શ્યરી કાળ દરમિયાન એક પછી એક એમ જુદા જુદા તબક્કાઓમાં થયેલું છે. પ્રથમ તબક્કો ઇયોસીનના પશ્ચાત્ ન્યુમુલિટિકમાં થયો, ઑલિગોસીનમાં તે ઊંચાઈની પરાકાષ્ઠાએ પહોંચ્યો. માયોસીનના મધ્યકાળ વખતે વધુ પ્રચંડ હલનચલન થયું, જેમાં શિવાલિકના બાહ્ય વિભાગ સહિત પર્વતોની વિશાળ હારમાળા ઊપસી આવી. છેલ્લો તબક્કો શિવાલિકની સંપૂર્ણ નિક્ષેપક્રિયા થઈ ગયા બાદ, તેમજ પૃથ્વી પર માનવ શ્યમાન થયા બાદ, મુખ્યત્વે પશ્ચાત્ પ્લાયોસીનમાં થયો અને છેક પ્લાયસ્ટોસીનના મધ્ય કાળ પછી પણ ચાલુ રહેલો. ઊર્ધ્વગમનના આ હલનચલનની ક્રિયા અર્વાચીન સમય બાદ પણ સંપૂર્ણપણે અટકી નથી. (જુઓ સારણી.)

ગોંડવાના પ્રદેશના અંતિમ ભંગાણ બાદ, પૃથ્વીની મેસોઝોઇક-ભૌગોલિક પરિસ્થિતિના ઘણા જ મહત્વના લક્ષણ તરીકે ભારતના દ્વીપકલ્પે તેનો વર્તમાન સીમિત ભૂમિઆકાર પ્રાપ્ત કર્યો. આ ફેરફારની ઘટનાને પરિણામે દક્ષિણ ગોળાર્ધમાં ભૂમિ અને સમુદ્રનું પુનર્વિતરણ થયું જ હોવું જોઈએ. આ ઘટનાઓ પછી મહત્વના ગણી શકાય એવા જૂજ ભૌગોલિક ફેરફારો થયા છે એટલે ટર્શ્યરીના અંતિમ ચરણ સુધીમાં પ્રાપ્ત થયેલા દક્ષિણ ભારતના ત્રિકોણાકારમાં વસ્તુત: ખાસ ફેરફાર થવા પામ્યો નથી.

ભારતમાં ટર્શ્યરી રચનાઓનું વિતરણ : પેલિયોસીન અને ઇયોસીનથી માંડીને પ્લાયોસીન સુધીના ટર્શ્યરી ખડકો ભારતના ખૂબ જ વિશાળ વિસ્તારો આવરી લે છે. દ્વીપકલ્પ અને બાહ્યદ્વીપકલ્પમાં તેમનું વિસ્તારપ્રમાણ ઘણું જ અસમાન છે. દ્વીપકલ્પમાં તે ઓછા પ્રમાણમાં  મળે છે. કેરળ, મલબાર વિભાગ, ગુજરાતનો તળ પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છના કિનારાભાગો તેમજ પૂર્વકિનારાના વિસ્તારો ટર્શ્યરી કાળના નિક્ષેપોથી બંધાયેલા છે. બાહ્યદ્વીપકલ્પનો ઘણો મોટો વિસ્તાર ટર્શ્યરીખડકોથી બનેલો છે. હિમાલયની પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ સરહદો, સિંધ અને બલૂચિસ્તાનના વિસ્તારો, વાયવ્ય હિમાલય, પંજાબ, કુમાઉં નેપાળ અને આસામ, હિમાલય, બ્રહ્મપુત્રનું કોતર, ઉત્તર અને દક્ષિણ મ્યાનમારના  વિસ્તારો ટર્શ્યરી  ખડકરચનાઓથી બનેલા છે.

ટર્શ્યરી ભારતના કરોડરજ્જુ સમાન વિંધ્યપર્વતો, કૈમુર ડુંગરધાર, હઝારીબાગ-રાજમહાલની ટેકરીઓ અને આસામની હારમાળાઓ ટર્શ્યરી સમયનો જળવિભાજક પ્રદેશ હતો. આ વિભાજકથી ટેથીઝમાં વહેતો ઉત્તરનો જળપરિવાહ અને તત્કાલીન હિન્દી મહાસાગરમાં દક્ષિણ તરફ વહેતો જળપરિવાહ જુદા પડતા હતા. એ કાળમાં ભારતીય પ્રદેશમાં બે મુખ્ય અખાત  (થાળાં) હતા : ખંભાત, કચ્છ, પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, સિમલા અને નેપાળ સુધી વિસ્તરેલો નૈઋત્ય-ઈશાન અખાત અને આરાકાન યોમાની ડુંગરધાર દ્વારા બે પેટાવિભાગોમાં વિભાજિત થતો આસામનો અને મ્યાનમારનો પૂર્વીય અખાત. એ વખતે સિંધુ-ગંગા-બ્રહ્મપુત્રનો આજનો મેદાની પ્રદેશ પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલું ઉત્તરતરફી ઢોળાવવાળું અફાટ, લાક્ષણિકતાવિહીન ઊંડું થાળું (ગર્ત) હતું. ભારતનો આખોય ટર્શ્યરી ઇતિહાસ આ અખાતો અને ગર્તની પૂરણીના નિક્ષેપોમાં વ્યાપકપણે જળવાયેલો છે. જેમ જેમ આ અખાતી સમુદ્રફાંટા પુરાતા ગયા અને પાછા હઠતા ગયા તેમ તેમ તે સ્થાનો સિંધમાં સિંધુ ઉત્તરભારતમાં ગંગા, આસામમાં બ્રહ્મપુત્ર અને મ્યાનમારમાં ઇરાવદી જેવી  અનુગામી નદીઓના પહોળા નદીનાળ પ્રદેશો(estuaries)ના વિપુલ કાંપથી પુરાતાં ગયાં. શરૂઆતના દરિયાઈ નિક્ષેપને સ્થાને આવતી નદીઓનાં વધતા જતા નદીનાળ અને ત્રિકોણ પ્રદેશોના નિક્ષેપો એકઠા થતા ગયા. આ બંને અખાતી પ્રદેશો જે આજે ખનિજતેલ પૂરું પાડે છે તે ટર્શ્યરી કાળની રચનાઓ સાથે સંકલિત છે. દ્વીપકલ્પ અને બાહ્ય દ્વીપકલ્પ વચ્ચેનો વિશાળ મેદાની વિસ્તાર પણ ટર્શ્યરીકાળ તેમજ ક્વાર્ટનરીકાળની નિક્ષેપરચનાઓથી ભરપૂર છે.

પેલિયોસીનઇયોસીન કાળ : ટેથીઝ મહાસાગરે વર્તમાન ભૂમધ્ય સમુદ્રની આસપાસના તમામ દેશો પર, ત્યાંથી મધ્યપૂર્વના દેશોને આવરી લઈને, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, પશ્ચિમ ભારત, કાશ્મીર અને આજના હિમાલયનો સમગ્ર વિસ્તાર તેમજ ત્યાંથી આગળ ચીનના છેડા સુધી. ક્રિટેસિયસના અંત સુધી પોતાની પકડ જમાવી રાખેલી. ટેથિયન ભૂસંનતિમય થાળામાં જમા થયેલો નિક્ષેપજથ્થો મધ્ય-અંતિમ ઇયોસીન દરમિયાન શરૂ થયેલી ભૂસંચલનઘટનામાં સંડોવાયો, ટેથીઝની પીછેહઠ શરૂ થઈ, હિમાલય તેની મધ્ય અક્ષમાંથી ઊંચકાતો ગયો. ઉત્થાન પામતા જતા હિમાલયના બંને છેડા પરથી ટેથીઝ દક્ષિણ તરફ ધકેલાતો ગયો, તેની સાથે ઠેકઠેકાણે સરોવરો અને પંકભૂમિઓ અવશેષરૂપ રહ્યાં, બે છેડાઓની જગાએ બે મુખ્ય અખાત તૈયાર થતા ગયા : 1. સિંધ-બલૂચિસ્તાન અખાત અથવા નૈર્ઋત્ય તરફી સમુદ્રથાળું જે નેપાળ, સિમલા, પંજાબ, પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતના ભાગોને આવરી લેતું હતું તે આજે ખંભાતના અખાતના અવશેષ-સ્વરૂપ રહ્યું છે. 2. પૂર્વીય અખાત જે ઉત્થાન પામતા જતા આરાકાન, યોમાને કારણે આસામ-અખાત અને બ્રહ્મી-અખાત જેવા બે ફાંટાઓમાં વહેંચાઈ ગયો, એટલું જ નહિ સતત ઊંચકાતા જતા વચ્ચેના વિસ્તારને કારણે એકમેકથી વધુ ને વધુ અલગ પડતા જતા હતા. ગંગાનાં મેદાનો એ કાળે ન હતાં, પરંતુ તેની જગાએ ગર્ત સ્વરૂપ ભૂમિભાગ બનતો જતો હતો. દ્વીપકલ્પીય ભારતના કંઠારપ્રદેશમાંથી દરિયાનાં પાણી ભૂમિપટ્ટીને દબાવ્યે જતાં હતાં (જેમ આજે પુદુચેરીની દરિયાઈ સ્થિતિ છે એ રીતે). ડેક્કન ટ્રેપનું લાવા-પ્રસ્ફુટન આ કાળમાં વધુ વિસ્તરી ચૂક્યું હતું. પશ્ચિમ કિનારાથી પૂર્વ કિનારા સુધીના પ્રદેશોમાં લાવાના થર ઉપર થર છવાઈ ગયા હતા. ઉત્તર ભાગમાં વાયવ્ય તરફ અરવલ્લીની પર્વતમાળા આજના કરતાં તો ઘણી વધારે ઊંચાઈવાળી હતી !

આ કાળ દરમિયાનનાં અસંખ્ય અપૃષ્ઠવંશી પ્રાણીઓ પૈકી ફોરામિનિફર-ન્યૂમુલાઇટ્સ સમૃદ્ધિના શિખરે હતાં. પરવાળાં અને મોલુસ્કાનું અસ્તિત્વ ઘટી ગયું હતું. ફોરામિનિફરનાં ન્યૂમુલાઇટ્સ અને ઓપરક્યુલિના પેલિયોસીનમાં ઝડપી વિકાસ પામ્યાં. તેમનાં નાનાં કદ ઝડપી ઉત્ક્રાંતિ અને વિપુલતાને કારણે તે સહસંબંધ માટે નિર્દેશક જીવાવશેષો (index fossils) તરીકે અનુકૂળ થઈ પડ્યાં. અપસરણ પામતા જતા ટેથીઝના તળમાં તે એટલાં બધાં તો વૃદ્ધિ પામ્યાં કે તેમનાં કવચ-અવશેષ ચૂનાખડકની નિક્ષેપક્રિયા માટે પૂરતાં થઈ પડ્યાં, જેમાંથી ન્યૂમુલાઇટયુક્ત ચૂનાખડકની રચના થઈ. એ વખતની તેમની નિક્ષેપક્રિયા તો સમુદ્રતળ પર થયેલી, પરંતુ આજે હિમાલયમાં 5790 મીટરની ઊંચાઈ પરની તેની પ્રાપ્તિ-સ્થિતિ હિમાલય ઊંચકાઈ આવ્યાની ઘટના સૂચવી જાય છે.

ઉરગવર્ગ પૈકી મગર અને કાચબા આજની જેમ જ સરોવરો અને નદીઓમાં રહેતા હતા. માછલીઓમાં મુખ્યત્વે અસ્થિયુક્ત પ્રકાર હતો અને થોડાક અપવાદને બાદ કરતાં માછલીઓ લગભગ આજના જેવી જ હતી.

ભૂમિસ્થિત પ્રાણીજીવનના નિભાવ માટે ઘાસના પ્રદેશોનો વિકાસ થયો હતો; પરંતુ જંગલોનું પ્રમાણ ઘટ્યું હતું. છૂટીછવાઈ સ્થાનિક જગાઓમાં જંગલ આચ્છાદિત પંકભૂમિઓ તૈયાર થઈ હોવાથી આજે મળી આવતો લિગ્નાઇટ તૈયાર થવા માટેની અનૂકળતા ઊભી થઈ હતી. ટેથીઝના સીમાન્ત ભૂમિપ્રદેશો પર તાડનાં વૃક્ષોનો વિકાસ ખૂબ પ્રમાણમાં થયો હતો.

પેલિયોસીનમાં સસ્તન પ્રાણીઓ તેમનાં આદિ સ્વરૂપમાં હતાં, જેમના દાંત, પગ અને ખોપરીનાં લક્ષણો સરીસૃપોને મળતાં આવતાં હતાં. એ વખતે મોટા ભાગનાં સસ્તન પ્રાણીઓ કાંગારું પ્રકારનાં, કોથળીવાળાં હતાં, જે ઝીણા તીક્ષ્ણ દાંતવાળા ઉંદરજાતિનાં પ્રાણીઓ (rodents) સાથે સામ્ય ધરાવતાં હતાં; તેમ છતાં કેટલાંક પ્રાણીઓ નૂતન સ્વરૂપોમાં વિકસતાં ગયાં. જેમને વર્તમાન પ્રાણીઓના પૂર્વજો તરીકે ઘટાવી શકાય તેવાં, ઇયોસીનમાં ઉત્ક્રાંતિ પામ્યાં. નાભિવાળાં સસ્તન પ્રાણીઓ પૈકીનાં માંસભક્ષી અને ખરીવાળાં પ્રાણીઓનો વિકાસ પણ ઇયોસીનમાં જ થયો. જોકે ખરીવાળાં પ્રાણીનો જૂનામાં જૂનો અવશેષ તો પેલિયોસીનમાંથી મળી આવેલો છે. એ વખતે આ પ્રાણીઓ નાના કદનાં અને નહોર સહિતના પગના પંજાવાળાં હતાં આજનાં ખરીવાળાં પ્રાણીઓનું સ્વરૂપ ઇયોસીનમાંથી વિકાસ પામેલું છે.

એકી સંખ્યાનાં આંગળાંવાળાં (odd toed) તૃણભક્ષી પ્રાણીઓ ‘પેરિસોડૅક્ટાઇલ્સ’ પણ ઇયોસીનથી જ શરૂ થાય છે. આ પૈકી હીરાકોથેરિયમ અથવા વધુ જાણીતું નામ ‘ઇયોહિપસ’ સ્વરૂપનું પ્રાણી આપણા આજના ઘોડાનું સર્વપ્રથમ પૂર્વજ ગણી શકાય. તેનું તત્કાલીન કદ બિલાડાથી માંડીને મોટા શિયાળ કે કૂતરા જેવડું હતું. તેના આગલા પગોમાં ચાર અને પાછલા પગોમાં ત્રણ આંગળાં હતાં.

હ્રાઇનોસીરોસીસ પણ ઇયોસીનમાં જ પ્રથમ વાર દેખાય છે. તે ઇયોહિપ્પસ કરતાં જરાક મોટાં, તેમને આગલા પગે ચાર અને પાછલા પગે ત્રણ આંગળાં, દોડી શકે તે માટે લાંબા પગ અને ચાવવા માટે દાંત હતા.

બેકી સંખ્યાનાં આંગળાંવાળાં (even toed) ‘આર્ટિયોડૅક્ટાઇલ્સ’ તરીકે ઓળખાતાં પ્રાણીઓ પણ આ જ કાળની પેદાશ છે, જે ઊંટ, હરણ અને ડુક્કરનાં પૂર્વજ હતાં. તે તમામ આજનાં અનુગામી પ્રાણીઓ કરતાં કદમાં નાનાં, પરંતુ આકારમાં તો એવાં જ હતાં.

‘બિલાડીના પૂર્વજ’(father of cat)ના અર્થમાં લેવાતાં ‘ક્રીઓડોન્ટ’ તરીકે ઓળખાતાં માંસભક્ષી પ્રાણીઓ, તેને સમકક્ષ જોવા મળતાં આજનાં પ્રાણીઓ કરતાં બાંધામાં ઊતરતી કક્ષાનાં હતાં. તત્કાલીન વનસ્પતિભક્ષી પ્રાણીઓ કૂતરા જેવાં, બિલાડી જેવાં કે જરખ જેવાં જ હતાં.

સર્વપ્રથમ સૂંઢવાળાં પ્રાણીઓ (proboscideans) હાથી અને તેનાં સમકાલીન સંબંધીઓ પણ ઇજિપ્તના ઊર્ધ્વ ઇયોસીનમાંથી મળી આવે છે, જે ‘મોરીથેરિયમ’ના નામથી જાણીતાં થયાં છે. તે આજના નાનામાં નાના હાથીના કદનાં હતાં, પણ માથું મોટું અને સૂંઢ ટૂંકી હતી, ચાવવાના દાંત નાના હતા, પરંતુ ચાર સન્મુખ દાંતનું અસ્તિત્વ સૂચવે છે કે દંતશૂળનો વિકાસ થઈ ચૂક્યો હતો.

પહેલવહેલું અંગુષ્ઠધારી પ્રાણી (primate) લેમુર (જંગલી વાનર) જેવું હતું, જે યુ.એસ.માં વ્યોમિંગના પેલિયોસીનમાંથી મળેલું છે.

પેલિયોસીન-ઇયોસીન સમયના ન્યૂમુલાઇટ ચૂનાખડકો અન્ય દેશોની માફક ભારત, પાકિસ્તાન (સિંધ-બલૂચિસ્તાનમાં વધુ) મ્યાનમારમાં પણ વિપુલ પ્રમાણમાં મળી આવે છે. ઇયોસીન ખડકો ગુજરાત, રાજસ્થાન, હિમાલયની તળેટી-ટેકરીઓમાં તેમજ કાશ્મીરમાં પીરપંજાલના ઢોળાવોમાં જોવા મળે છે. ગુજરાતમાં તેમજ જેસલમેર બિકાનેરમાં ઇયોસીનનો સ્તરાનુક્રમ, નીચે લેટેરાઇટથી શરૂ થઈને ઉપર ચિરોડીયુક્ત, પાયરાઇટયુક્ત અને કાર્બનદ્રવ્યયુક્ત શેલખડકોના બંધારણવાળો છે. હિમાલયની તળેટી ટેકરીઓમાં જમ્મુથી ગઢવાલ સુધી ઇયોસીન ખડકો વિવૃત્ત થયેલા છે. આસામમાં, શિલોંગના ઉચ્ચપ્રદેશના પૂર્વીય અને દક્ષિણ ભાગોમાં તે ‘જેંતિયા શ્રેણી’ના ચૂનાખડકો અને કોલસાયુક્ત રેતીખડકો રૂપે ઊપસેલા છે. આસામના ઉત્તર ભાગોમાં તે ‘દિસાંગ શ્રેણી’ તરીકે જીવાવશેષરહિત, કરચવાળા શેલ અને રેતીખડકોથી બનેલો છે, જે આખીયે ઇયોસીન અને અંશત: ઊર્ધ્વતમ ક્રિટેસિયસ વય દર્શાવે છે. શિલોંગ ઉચ્ચપ્રદેશના અગ્નિભાગમાં ‘બરેઇલ શ્રેણી’ મોટેભાગે તો ત્રિકોણપ્રદેશજન્ય ઉત્પત્તિવાળી છે, તેમ છતાં તેમાં ઊર્ધ્વ ઇયોસીન અને ઑલિગોસીન જીવાવશેષો મળી આવેલા છે. બરેઇલ શ્રેણી સાથે કોલસા ઉપરાંત ખનિજતેલ પણ સંકળાયેલું છે. (બરેઇલ નામબરેઇલ હારમાળા–આસામનું કરોડરજ્જુના સખત રેતીખડક પરથી અપાયેલું છે.)

ઑલિગોસીનમાયોસીન કાળ : હિમાલય ઊર્ધ્વગમનનો સર્વપ્રથમ મુખ્ય તબક્કો અંતિમ ઇયોસીનમાં શરૂ થઈને ઑલિગોસીન દરમિયાન ચાલુ રહેલો. સિંધ-બલૂચિસ્તાન અખાત, હિમાલય-ઉત્તર પાકિસ્તાન પંજાબમાંથી પીછેહઠ કરતો જઈને, તેનો શિખાગ્રભાગ પૂર્વ બલૂચિસ્તાનની બુગતિ ટેકરીઓ આજે જ્યાં છે ત્યાં ગોઠવાઈને રહ્યો. દરિયાઈ પીછેહઠને કારણે હિમાલય વિસ્તારમાં ઑલિગોસીનની રચના થઈ શકી નહિ કારણ કે એ વિસ્તાર ઊંચકાઈને ઘસારાનાં પરિબળો માટે ખુલ્લો ભૂમિભાગ બની ચૂક્યો હતો, પરંતુ બલૂચિસ્તાન, સિંધ, ગુજરાત, પશ્ચિમ રાજસ્થાન તેમજ આસામ અને મ્યાનમારમાં દરિયાઈ ફાંટાના અસ્તિત્વને લીધે જીવાવશેષવાળી ઑલિગોસીન રચના મળે છે. સમય જતાં આ ફાંટો અંતિમ ઑલિગોસીનમાં વધુ ને વધુ નૈર્ઋત્ય તરફ ધકેલાતો રહ્યો, દરિયાઈ સંજોગોને સ્થાને ત્રિકોણપ્રદેશીય અને તે પછીથી નદીજન્ય નિક્ષેપોના સંજોગો પ્રવર્તતા ગયા. સ્વચ્છ જળના સંજોગો જેમ જેમ સ્થાપિત થતા ગયા તેમ તેમ પૃષ્ઠવંશી પ્રાણીઓનું બુગતિ પ્રદેશમાં આધિપત્ય વધતું ગયું. એ કાળનાં તમામ ભૂમિ પ્રાણીઓ પૈકી વધુ ધ્યાન ખેંચે એવું માથાથી પૂંછડી સુધી 10 મીટરથી વધુ લંબાઈ અને 3.5 મીટરથી વધુ ઊંચાઈવાળું મહાકાય, છતાં નિર્ભય ‘બલૂચિથેરિયમ’ નામનું હ્રાઇનોસીરોસ સસ્તન પ્રાણીઓમાં અગ્રસ્થાને હતું.

આસામમાં બરેઇલ શ્રેણી ઉપર અસંગતપણે રેતીખડકો, રેતીયુક્ત શેલ, પંકખડકો, ઓછી જાડાઈનાં કૉંગ્લોમરેટથી બનેલી નિ:શંકપણે નિમ્ન માયોસીન વયની સુરમાશ્રેણી રહેલી છે, તે ત્યાંની નાગા ટેકરીઓ, ઉત્તર કાચાર ટેકરીઓ અને સુરમા  ખીણમાં બહોળા પ્રમાણમાં વિતરણ પામેલી છે, જે ત્યાંથી બાંગ્લા દેશમાં ચિત્તાગોંગ સુધી અને મ્યાનમારમાં આરાકાન કિનારા સુધી વિસ્તરેલી છે. ગારો ટેકરીઓમાંની સુરમા શ્રેણીમાંથી દરિયાઈ ઉત્પત્તિવાળા નિમ્ન માયોસીન જીવાવશેષો પ્રાપ્ત થયેલા છે. સુરમા શ્રેણીમાં ખનિજતેલનાં ચિહનો મળેલાં છે. આ ઉપરાંત, મયૂરભંજ (ઓરિસા)માંથી પણ સુરમા શ્રેણીને સમકક્ષ ખડકો મળી રહે છે.

માયોસીનપ્લાયોસીન કાળ : માયોસીન કાળના પ્રારંભે સમુદ્રસપાટી ભૂમિ તરફ વધી  હોવા છતાં સમગ્રપણે જોતાં, આ કાળ ગિરિનિર્માણનો અને ઉત્થાનનો જ રહેલો. વર્તમાનકાળના બધા જ પર્વતો આ સમય દરમિયાન જ આટલી નોંધપાત્ર ઊંચાઈ સુધી ઊંચકાયેલા છે.

માયોસીનના પ્રારંભકાળ દરમિયાન તો દુનિયાના મોટાભાગની આબોહવા પ્રમાણમાં ગરમ અને એકધારી રહેલી. તે પછીથી ઉત્તર તરફના દેશોમાં આબોહવા ઠંડી પડતી ગઈ, તેથી પરવાળાં દક્ષિણ તરફ સ્થળાંતર કરતાં ગયાં, ઉત્તરના ઠંડા પ્રદેશો જેવાં જીવનસ્વરૂપો દક્ષિણ તરફ વિકસતાં ગયાં. અંતિમ માયોસીનથી આબોહવા વધુ ને વધુ ઠંડી પડતી ગઈ, જેમાંથી પ્લાયસ્ટોસીન હિમક્રિયાનાં પગરણ મંડાઈ ગયાં.

આ કાળગાળાના જે જે દરિયાઈ પ્રાણી-અવશેષો જુદા જુદા પ્રદેશોમાંથી મળી આવે છે તે, તે પ્રદેશોનાં આજનાં પ્રાણીઓનાં પૂર્વજો હોવાનું જણાય છે. ન્યૂમુલાઇટ્સ તો હવે નામશેષ બની ગયાં છે, પરંતુ અન્ય ફોરામિનિફર તેમનું સ્થાન લે છે. મૃદુશરીરી સર્વસામાન્ય બની રહે છે. અસ્થિયુક્ત માછલીઓ વિવિધ સ્વરૂપો ધારણ કરતી જાય છે.

આજનાં બધાં માંસભક્ષી પ્રાણીઓ માયોસીનમાં તૈયાર થયેલાં જણાય છે. આ કાળ દરમિયાન તેમણે ખુલ્લા ભૂમિપ્રદેશોમાં પોતાના ખોરાક માટે તૃણભક્ષીઓનો શિકાર કરવાનું શરૂ કરી દીધું હતું. કૂતરો અને બિલાડી માયોસીનના અંતમાં તૈયાર થયાં. કૂતરામાંથી અન્ય નૂતન પ્રકારો વિકસ્યા, જેમાં તમામ પ્રકારનો ખોરાક ખાઈ શકતાં રીંછનો પણ સમાવેશ કરી શકાય. બિલાડીઓ પૂર્ણપણે માંસભક્ષી બની ગઈ, જે તેમના દાંતના અભ્યાસ પરથી કહી શકાય છે.

વિસ્તૃત બનેલાં ઘાસનાં મેદાનોને કારણે ઘોડાઓનો ઝડપી વિકાસ થયો. ચાવવા માટેના દાંત અનુકૂળ બનતા ગયા. ખુલ્લાં ઘાસનાં મેદાનોમાં દોડવાને કારણે પગનાં વચલાં આંગળાં પર ભાર આવતો ગયો. તેથી ક્રમે ક્રમે બાજુનાં આંગળાં બિનઉપયોગી બનવાથી કદમાં ઘટતાં ગયાં. ઝડપી દોડથી પગનાં હાડકાં મજબૂત બન્યાં. પગ લાંબા, પાતળા બની રહ્યા.

અગાઉના બલૂચિથેરિયમનો વિલોપ થઈ ગયો, પરંતુ ડાઇનોથેરિયમ નામનું, નીચલા જડબામાં નીચે તરફ વળેલા બે દંતશૂળવાળું હાથીનું પૂર્વજ વિકસતું ગયું. ઉપરના જડબામાં તો દંતશૂળ ન હતા પરંતુ તેની દાઢો બે શીર્ષવાળી બનતી ગઈ. જે ટેટ્રાબેલોડોન તરીકે અગાઉ ઓળખાતું હતું તે ટ્રાયલોફોડોન, ડાઇનોથેરિયમની સાથે સાથે ઉદભવતું ગયું. તેને ઉપલા-નીચલા જડબામાં બે-બે દંતશૂળ હતા, નાસિકા સહિત લંબાયેલો મુખાગ્રભાગ અને લગભગ આડી સૂંઢ હતી, દાઢો પર આડી ધારો ઊપસેલી હતી.

દ્વીપકલ્પની પશ્ચિમેથી શરૂ કરીને નૈર્ઋત્ય કચ્છના અને ગુજરાતના કિનારાભાગોમાં દરિયાઈ ઉત્પત્તિજન્ય માયોસીન રચના ઇયોસીનની ઉપર અથવા ડેક્કન ટ્રેપની ઉપર અતિક્રમિત (transgressing) સ્થિતિમાં રહેલી જોવા મળે છે.

ઉત્થાન પામતા જતા હિમાલયની તળેટીના અગ્રભાગમાં તૈયાર થયેલા થાળામાં ખારાશવાળા પાણીમાં રચાયેલા નિમ્ન માયોસીન શેલ અને રેતીખડકો પાકિસ્તાન અને જમ્મુ–કાશ્મીરની તળેટી ટેકરીઓમાં ‘મરી શ્રેણી’ તરીકે અને સિમલા ટેકરીઓમાં ‘દગ્શાઈ કસૌલી’ તરીકે જાણીતા બન્યા છે. મરી શ્રેણી ક્યાંક ક્યાંક તેલધારક હોવાનું જાણવા મળ્યું છે, જે નીચે રહેલી ઇયોસીનમાંથી સ્થળાંતર થઈને ઉપરની મરી શ્રેણીમાં આવેલું હોવાનું મનાય છે.

મૂળ દંતશૂળવિહીન, ટૂંકી હડપચીવાળા મોરિથેરિયમમાંથી છેલ્લાં પાંચ કરોડ વર્ષ દરમિયાન થયેલી હાથીની ઉત્ક્રાંતિ, જેમાં ક્રમિક વૃદ્ધિ દ્વારા દાંત – દંતશૂળનો વિકાસ, ખોપરી તેમજ શારીરિક સ્વરૂપમાં પરિવર્તન થતું રહ્યું છે.

ભારતની ઉત્તર સીમાઓ પર જેની અસર જોવા મળે છે તે હિમાલય ગિરિનિર્માણની પ્રચંડ તબક્કાની ઘટના મધ્ય માયોસીન કાળ સાથે બંધબેસતી આવે છે. આ તબક્કાની સાથોસાથ જ ટેથીઝમાં જમા થતા ગયેલા સ્તરોનું ગેડીકરણ થયું અને પર્વતહારમાળાઓમાં ઉત્થાન થયું; તેમજ ગેડોની મધ્યમાં વિશાળ પાયા પર ગ્રૅનાઇટનાં અંતર્ભેદનો પણ એ વખતે જ થયાં.

હિમાલય અને તેની સાથે સંકળાયેલી ગિરિમાળાઓ તેમજ ભૂમિપ્રદેશોના ઉત્થાનની સાથે સાથે જ સિંધ-બલૂચિસ્તાન અખાત અને આસામ-બ્રહ્મી અખાત પણ વધુ દક્ષિણ તરફ ધકેલાતા ગયા. પશ્ચિમી અખાતનું થાળું બલૂચિસ્તાનની દક્ષિણ હદ સુધી હઠતું ગયું, જેમાં રેતીખડકો અને કવચધારક ચૂનાખડકોના આંતરસ્તરોવાળા શેલની બનેલી મકરાન શ્રેણી રચતા માયોસીન-પ્લાયોસીન ખડકો મળી રહે છે.

આસામી અખાતનું થાળું એટલું બધું હઠી ગયું કે તેનો અખાત શિલોંગની તળેટી-ટેકરીઓ સુધી પહોંચી ગયો, પરિણામે સુરમા શ્રેણી ઉપર રહેલી ભારતીય હદમાંની કાષ્ટઅશ્મિધારક આસામની તિપામશ્રેણી નદીજન્ય ઉત્પત્તિવાળી બની ગઈ; પરંતુ બાંગ્લાદેશમાં સિલ્હટથી આગળ તે દરિયાઈ ઉત્પત્તિજન્ય રહી, જ્યાંથી તે મ્યાનમારના આરાકાન, કિનારે કિનારે દક્ષિણ તરફ ચાલી જાય છે. આ દરિયાઈ ફાંટાને લાગેવળગે છે ત્યાં સુધી તમિળનાડુના તન્જાવર કિનારા પર કારિકલ ખાતે આવેલા કૂવામાંથી જે જીવાવશેષવાળા સ્તરો મળેલા છે તે માયોસીનના છે. ઓરિસામાં મયૂરભંજમાંથી પણ માયોસીન સ્તરો મળેલા છે.

બલૂચિસ્તાનના દરિયાઈ ફાંટાને સંબંધ છે. ત્યાં સુધી ગુજરાતના સ્તરો, કેરળના ક્વિલોન સ્તરો અને શ્રીલંકાના જાફના સ્તરો માયોસીનના છે. ક્વિલોન સ્તરોની ઉપર રહેલા લિગ્નાઇટ પટ્ટા અને રાળ જીવાવશેષના ગઠ્ઠા ધરાવતા વિવિધરંગી રેતીખડકોના અને માટીના બનેલા વર્કાલી સ્તરો તેમજ પૂર્વ કિનારાના કડલોર રેતીખડક અને રાજમહેન્દ્રી રેતીખડક પણ અંતિમ માયોસીન કે પ્લાયોસીનના હોઈ શકે છે.

શિવાલિક રચના : મધ્ય માયોસીન-નિમ્ન પ્લાયસ્ટોસીન કાળગાળો : શિવાલિક રચના એ મુખ્યત્વે સ્વચ્છ જળનો નદીજન્ય નિક્ષેપરચના પ્રકાર દર્શાવે છે. ઉત્થાન પામતા જતા હિમાલયના તળેટીવિસ્તારમાં તૈયાર થયેલા લાંબા-પહોળા-ઊંડા થાળામાં નિમ્ન માયોસીનની મરી, દગ્શાઈ અને કસૌલી શ્રેણીઓની ઉપર 4500-6000 મીટરની જાડાઈવાળા સ્વચ્છ જળના નિક્ષેપજથ્થાની જમાવટ થતી ગઈ. હિમાલયના ધોવાણમાંથી પ્રાપ્ત થતો જતો આ અતિશય જાડાઈનો પાર્થિવ નિક્ષેપજથ્થો ભારતની શિવાલિક રચનાના નામથી જાણીતો બન્યો છે, જે એ વખતનાં દટાયેલાં હાથી, હ્રાઇનોસીરોસ, ઘોડા, જિરાફ, ડુક્કર, હરણ, કાળિયાર (સાબર), ગાયજાતિનાં પ્રાણીઓ, ઊંટ, વાઘ, વાનર વગેરેની કેટલીક વિલુપ્ત થયેલી ઉપજાતિઓના જીવાવશેષો માટે જગવિખ્યાત બની છે. ગંગા-જમના વચ્ચેની હરદ્વાર પાસેની શિવાલિક નામથી ઓળખાતી ટેકરીઓ પરથી આ રચનાને ‘શિવાલિક’ નામ અપાયું છે. આ રચના હિમાલયની તળેટી-ટેકરીઓ સ્વરૂપે પૂર્વે બ્રહ્મપુત્રની ખીણથી પશ્ચિમે સિંધ સુધી તેમજ વાયવ્યમાં પોટવાર સુધી વિસ્તરેલી છે. તેનું ખડકબંધારણ કૉંગ્લોમરેટ, ગ્રિટ, રેતીખડકો, મૃદ્-ખડકો અને કાંપકાદવવાળા ખડકોનું બનેલું છે, જે છીછરા થાળામાં અતિવેગવાળી પૂરપ્રવાહવાળી નદીઓએ ઘસડી લાવેલા નિક્ષેપનાં લક્ષણો દર્શાવે છે. હિમાલયની ધારે ધારે તળેટી ટેકરીઓ રૂપે મળી આવતા આ ખડકો પરથી એક એવું અનુમાન બંધાયેલું કે આસામના ઉત્તર ભાગમાંથી નીકળતી એ વખતની વિશાળ ‘ઇન્ડોબ્રહ્મ’ નદી અથવા ‘શિવાલિક’ નદીએ જ તેનાં પૂરનાં મેદાનોમાં આટલો વિપુલ જથ્થો જમા કર્યો હશે ! પરંતુ વાયવ્ય આસપાસમાં જૂનો  નદીનાળપ્રદેશ મળી આવવાથી આવી કોઈ નદીનું અસ્તિત્વ, બંગાળ-આસામ વિસ્તાર પૂરતું તો ખાસ, હતું કે કેમ, એ અંગે શંકા ઉત્પન્ન થાય છે.

આમ તો, શિવાલિક રચનાના ખડકોનો મોટો ભાગ જીવાવશેષરહિત હોવા છતાં અમુક વિસ્તારોમાં તેના કેટલાક ભાગોમાં વિપુલ જીવાવશેષો છે, જે સમગ્ર રચનાને મધ્ય માયોસીનથી નિમ્ન પ્લાયસ્ટોસીન વયમાં મૂકે છે. અહીં મળતા વિવિધ પ્રકારના અસંખ્ય જીવાવશેષો ભેજવાળાં જંગલોની પરિસ્થિતિથી માંડીને શુષ્કતાની પરિસ્થિતિના પર્યાવરણસંજોગોનું સૂચન પણ કરી જાય છે.

શિવાલિક રચનાને નીચે પ્રમાણેના ત્રણ વિભાગોમાં વિભાજિત કરેલી છે :

ઊર્ધ્વ શિવાલિક

 

 

મધ્ય શિવાલિક

 

નિમ્ન શિવાલિક

ગોળાશ્મવાળા

કાગ્લોમરેટ

રેતીખડકો

ગ્રૅવલ, રેતીખડકો

શેલ, અને માટી

શેલ, રેતી ખડકો

નિમ્ન પ્લાયસ્ટોસીન

 

નિમ્ન-ઊર્ધ્વ પ્લાયોસીન

મધ્ય-ઊર્ધ્વ માયોસીન

 

મધ્ય માયોસીન

માયોસીનપ્રાણીઅવશેષો : ઉત્તર બિહારમાંથી પશ્ચિમતરફી વહેણવાળી શિવાલિક નદી તત્કાલીન હિમાલયની તળેટીની ધારે ધારે પાકિસ્તાનના પોટવાર સુધી વહેતી રહીને, જ્યાં તે સિંધુને મળતી હતી ત્યાંથી આગળ વધીને એ ઇન્ડોબ્રહ્મ નદીનાં પાણી એ વખતના સિંધની અંદર સુધી વિસ્તરી રહેલા અરબી સમુદ્રમાં ઠલવાતાં હતાં. આ વિરાટ નદીએ માયોસીનથી પ્લાયોસીન સુધીનાં લગભગ 2 કરોડ વર્ષ સુધી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખેલું. આ કાળ દરમિયાન તેના નદીથાળામાં, તેની આસપાસના વિસ્તારમાં વસતાં પ્રાણીઓનાં હાડપિંજરો, લાકડાના નાના મોટા ટુકડા સહિત કાદવ, રેતી, ગ્રૅવલ, વગેરેનો 6000 મીટર જેટલો કુલ જથ્થો ભરાતો ગયેલો. ઉત્તર આસામમાંની  નિમ્ન શિવાલિકને સમકક્ષ ગણી શકાય તે તિપામ શ્રેણીની ઉપર નિક્ષેપવિરામ સહિત મધ્ય શિવાલિકના કાષ્ઠઅશ્મિયુક્ત રેતીખડકો મળે છે, આ રેતીખડકોની ઉપર ગોળાશ્મવાળા કૉંગ્લોમરેટ મળી આવે છે.

ટ્રાયલોફોડોન અને ડાઇનોથેરિયમ પહેલવહેલાં નિમ્ન શિવાલિકમાં દેખાય છે. સ્તરાનુક્રમમાં ઉપર તરફ જતાં મધ્ય શિવાલિકમાં આ બંનેની સાથે સાથે મૅસ્ટોડોન અને સ્ટૅગોડોન પણ મળે છે, જે ઊર્ધ્વ માયોસીનમાં ટકી શક્યાં નથી, તેમને વર્તમાન હાથી સાથે સરખાવી શકાય ખરાં, પરંતુ તેમની દંતરચના અને ખોપરીનો નીચલો ભાગ અલગ પ્રકારનાં હતાં. વળી દંતશૂલ અતિશય લાંબા (લગભગ 3 મીટર) હતા. નિમ્ન શિવાલિકમાં ડુક્કરની સાથે સામ્ય ધરાવતાં નાના કદનાં ‘એન્થ્રાકોથીરીસ’ તરીકે ઓળખાતાં પ્રાણીઓ પણ હતાં, જે આજના હિપોપૉટેમેસના સંભવિત પૂર્વજ ‘મેરીકોપૉટેમસ’માં ફેરવાતાં  જઈને લુપ્ત બની ગયાં. આ હિપોપૉટેમસ કે જે મધ્ય શિવાલિકમાં શરૂ થયેલાં જિરાફવર્ગનાં પ્રાણીઓનાં સમકાલીન ગણાય છે, તે ઊર્ધ્વ શિવાલિક વખતે વિપુલ પ્રમાણમાં વૃદ્ધિ પામતાં ગયાં હતાં.

શિવાલિક રચના પ્લાયોસીન કાળ : પ્લાયોસીન કાળ દરમિયાન પણ ભૂમિઉત્થાન ચાલુ જ હતું, જોકે અહીંતહીં કેટલાક ભાગોનું અવતલન પણ થયા કરતું હતું. બધા ખંડોએ તેમનો આજનો આકાર ઓછાવત્તા અંશે પ્રાપ્ત કરી લીધો હતો.  નાનાં નાનાં ઘણાં થાળાંઓમાં પાર્થિવ નિક્ષેપક્રિયા પણ ચાલ્યા કરતી હતી.

વ્યાપક  પ્રમાણમાં બદલાયેલા સંજોગો હેઠળ માયોસીનથી જુદા જ પ્રકારનાં પ્લાયોસીન દરિયાઈ પ્રાણીઓ  તેમના અવશેષો દ્વારા રજૂ થાય છે, જે વર્તમાનકાળની અસંખ્ય જીવંત ઉપજાતિઓ સાથે સામ્ય ધરાવે છે. સસ્તન પ્રાણીઓના જે અવશેષો મળી આવે છે તે પરથી કહી શકાય કે માયોસીન કરતાં ઓછા પ્રકારો પરંતુ વર્તમાન સમય કરતાં વિવિધ પ્રકારો જોવા મળે છે. ઉત્ક્રાંતિની કક્ષામાં ઘોડા વિકાસ પામે છે, તેમની ખોપરી અને દાંતમાં ફેરફાર થાય છે, એક આંગળાવાળા પગ તૈયાર થાય છે, જેને પ્લાયોહિપ્પસ દ્વારા રજૂ કરી શકાય. તેમાંથી પછીના કાળમાં આજનો ઘોડો વિકસેલો છે. હ્રાઇનોસીરોસ ઓછાં થઈ ગયાં પરંતુ સિવાથેરિયમ અને સેમોથેરિયમ જેવાં ટૂંકી ડોકવાળાં જિરાફવર્ગનાં પ્રાણીઓમાંથી જ આજનાં જિરાફ ઉત્ક્રાંતિ પામ્યાં છે.

માયોસીનમાં સર્વપ્રથમ શરૂ થયેલાં ઘેટાં, બકરાં, ઇત્યાદિ જેવાં વાગોળનારાં પ્રાણીઓ ઉત્ક્રાંતિની કક્ષામાં વિકસતાં રહી, આ કાળગાળામાં દુનિયાભરમાં ઝડપથી પથરાતાં જાય છે. મૅસ્ટોડોન્ટને દંતશૂલ અને લાંબી સૂંઢ હોવા છતાં પણ આજનો હાથી તેમાંથી તો ઉત્ક્રાન્ત થયો નથી. મૅસ્ટોડોન્ટના જેવા દાંતવાળા, પણ તેના કરતાં ટૂંકા ઉપલા જડબાવાળા અને મોટા દંતશૂલવાળા ‘ગોમ્ફોથેરિયમ’માંથી તે ઊતરી આવેલો છે; એટલે કે ‘એલીફસ’ તરીકે આજે ઓળખાતો, ખરો હાથી, ઉત્ક્રાંતિની વિકાસકક્ષામાં તેની ખોપરી અને નીચલું જડબું નાનું બનવાથી તૈયાર થયેલો છે; આગલી દાઢો નાની અને પાછલી દાઢો મોટી થયેલી છે. ટૂંકમાં, એલીફસનું અગાઉનું સ્વરૂપ એ જ સ્ટૅડોગોન. ‘સ્ટૅગોડોન ગણેશ’ કે જે શિવાલિકની ટેકરીઓમાં ઊર્ધ્વ શિવાલિકની નિમ્ન કક્ષામાંથી મળેલો છે તેને લગભગ 3 મીટરની અતિશય લંબાઈના દંતશૂલ હતા !

પ્લાયોસીનને માંસભક્ષીઓના વિકાસના કાળ તરીકે પણ ઓળખાવી શકાય. વિશેષ કરીને દોડવાની ત્વરિત ગતિ અને ચપળ રીતે હુમલો કરવાની ક્ષમતાને કારણે તેમણે તૃણભક્ષીઓ ઉપર વર્ચસ મેળવી લીધું હોવાથી, તે તેમની ઉપર નભ્યે જતાં હતાં. બરોબર એ જ રીતે, તૃણભક્ષીઓએ પણ હુમલાનો પ્રતિકાર કરી શકે તેવી ચપળતા દોડવાની ગતિ પ્રાપ્ત કરી હતી, ખાસ કરીને વળેલા તીક્ષ્ણ દાંતવાળા વાઘે (sabre-toothed tiger) આ કાળમાં મહત્તમ વિકાસ સાધ્યો હતો. તેનો રાક્ષસી દાંત મોટો અને છરીવત્ વળેલો ભયંકર દેખાવવાળો હતો, જે બચકું ભરવા કરતાં વધુ તો હુલાવવાના ઉપયોગમાં લેવાતો હતો.

સ્તરાનુક્રમમાં નિમ્ન પ્લાયોસીન વયની ગણાતી ઊર્ધ્વ શિવાલિકની નિમ્નતમ કક્ષામાં મધ્ય માયોસીનમાં જોવા મળતી કેટલીક જાતિઓનો પણ સમાવેશ થાય છે. તેમાં હિપ્પારિયૉન, મૅરીકોપોટેમસ અને હિપોપૉટેમસનો સમાવેશ થાય છે. મૅસ્ટોડોન કરતાં સ્ટૅગોડોન સંખ્યામાં વધુ થઈ ગયા છે. હિપ્પારિયૉન તરીકે ઓળખાતો ત્રણ આંગળાંવાળો ઘોડો હવે એક મીટરથી વધુ ઊંચાઈવાળો અને ઘાસનાં મેદાનોમાં ફરતો થયો છે. મોટા કદનાં જિરાફવર્ગનાં પ્રાણી વિલક્ષણ દેખાવવાળાં સિવાથેરિયમમાં વિકસે છે, જે વાગોળનારાં પ્રાણીઓમાં મહાકાય ગણી શકાય, તેની ખોપરીનું માપ 60 સેમી.થી વધુ હતું. તેને હાડકાવાળાં શિંગડાંની બે જોડ હતી, પાછલી જોડ આગળની જોડ કરતાં ઘણી મોટી હતી. ભેંસ અને નૂતન પ્રકારનાં કાળિયાર તેમજ અન્ય વાગોળનારાં પ્રાણીઓ નિમ્ન પ્લાયોસીનમાં જોવા મળે છે, જેની ઉપરની કક્ષામાં પહેલવહેલો ખરો હાથી એલીફસ પ્લેનીફ્રોન્સ તૈયાર થઈ ગયો હોય છે, આ ઉપરાંત તેની સાથે સ્ટૅગોડોન, ઇક્વસ (ઘોડો), હ્રાઇનોસીરોસ, મૅરીકોપૉટેમસ, કાળિયાર વગેરે પણ છે.

નિમ્ન પ્લાયસ્ટોસીન વયના ગણાતા ગુરુગોળાશ્મ કૉંગ્લોમરેટ ઊર્ધ્વ શિવાલિકની સૌથી ઉપરની કક્ષા છે, જેને ક્વાર્ટનરીમાં લીધેલી છે.

1839માં ઉત્તરપ્રદેશમાં હરદ્વાર નજીક શિવાલિક ટેકરીઓમાંથી સસ્તન પ્રાણીઓના અવશેષો શોધાયા. આ પૈકી ઊર્ધ્વ શિવાલિકમાંથી થયેલી અતિવિલક્ષણ પ્રાપ્તિ તો રાક્ષસી કાચબાના ઢાલનાં અસ્થિ અને ભાગોની હતી, જે ભેગું કરીને 6 મીટરથી વધુ લંબાઈનું તેનું માપ થયું હતું. તેને ‘કોલોસ્સોકેલીસ ઍટલાસ’ એવું નામ આપ્યું છે તે સર્વથા યોગ્ય છે !

દુનિયાના સંદર્ભમાં શિવાલિક પ્રાણીઅવશેષો : દક્ષિણ યુરોપ, ઉત્તર આફ્રિકા, મધ્ય એશિયા, ચીન, પાકિસ્તાન, મ્યાનમાર અને મલેશિયાના માયોસીન ખડકોમાંથી મળેલાં પ્રાણીઅવશેષો સાથે ભારતના શિવાલિક પ્રાણી-અવશેષો ઘનિષ્ઠપણે સામ્ય ધરાવે છે, જે અન્ય કાળની સરખામણીએ આ કાળ દરમિયાન આ વિસ્તારો વચ્ચે મુક્ત ભૂમિહેરફેર થયાનું સૂચવી જાય છે. જોકે મધ્ય માયોસીન વખતે ભૂમિ પરની હેરફેર મર્યાદિત બની ગયેલી, કારણ કે કેટલીક ઉપજાતિઓમાં ઉત્ક્રાંતિની કક્ષાઓ સ્વતંત્રપણે વિકસેલી માલૂમ પડે છે. એન્થ્રાકોથીરીસ યુરોપ વિસ્તારમાં વિલુપ્ત બની જાય છે; પરંતુ ભારત અને પાકિસ્તાનમાં હિપોપૉટેમસના સંભવિત પૂર્વજ મૅરીકોપૉટેમસના સ્વરૂપમાં ચાલુ રહે છે. પ્લાયોસીન દરમિયાન, યુરોપ, પાકિસ્તાન, ભારત અને ચીન વચ્ચે મુક્ત ભૂમિહેરફેર પુન:સ્થાપિત થાય છે અને ઊર્ધ્વ માયોસીન દરમિયાન એશિયામાં વિકાસ પામેલાં સસ્તન પ્રાણીઓનાં ટોળાં યુરોપ તરફ સ્થળાંતરિત થાય છે, જેને પરિણામે યુરોપમાં એકાએક પ્રાણીફેરફારો જોવા મળે છે. સિવાથેરિયમ કે જે માત્ર ઊર્ધ્વ શિવાલિક પૂરતું મર્યાદિત હતું તેણે પ્લાયસ્ટોસીનમાં મધ્ય આફ્રિકામાં સ્થળાંતર કરેલું જણાય છે. ભારતમાં જિરાફવર્ગનાં પ્રાણીઓ મધ્ય શિવાલિક સમયમાં અસંખ્ય હતાં, તે ઊર્ધ્વ શિવાલિકમાં તદ્દન ઓછાં થઈ જાય છે અને પછીથી વિલુપ્ત થઈ જાય છે. જિરાફના વિલુપ્ત થતા જતા પ્રાણીઅવશેષો  ગ્રીસ, હંગેરી, ઈરાન, પાકિસ્તાન, ભારત અને ચીનમાંથી મળી આવેલા છે અને હવે આ વર્ગ માત્ર આફ્રિકા પૂરતો જ મર્યાદિત બની ગયો છે. ગાય જાતિનાં પ્રાણીઓ (bovidae) મધ્ય એશિયાની પેદાશ જણાય છે. અમેરિકન પ્રાચીન પ્રાણીવિદ્યાવિદોના મત મુજબ, ભારતના શિવાલિક ખડકોમાંથી મળી આવેલો હિપારિયૉન (ઘોડો) અમેરિકાથી સ્થળાંતરિત થયેલો છે, પરંતુ એવો પણ દાવો કરવામાં આવે છે કે હિપારિયૉન અને ઇક્વસ ઉત્તર અમેરિકામાં મળે છે તે અગાઉ ભારત અને પાકિસ્તાનમાં અલગ અલગ રીતે જોવા મળેલા છે અને તેથી અમેરિકામાંથી તે સ્થળાંતરિત થયો હોવાનું શક્ય નથી. સૂંઢવાળો પ્રાણીવર્ગ મૂળભૂત રીતે આફ્રિકામાં ઉત્પન્ન થયા વિશે કોઈ શંકા નથી, પરંતુ સ્ટૅગોડોન અને એલીફસ જાતિઓ તો ભારતમાં જ ઉત્પન્ન થયેલી છે.

પુરુષાભ વાનરો (anthropoid apes) ભારતમાં એટલી સંખ્યા અને પ્રકારોમાં ઉત્ક્રાન્ત થયેલા છે કે આ સમૂહના વિતરણનું મૂળ કેન્દ્ર ઉત્તર ભારતથી વધુ દૂર હોઈ શકે એમ જણાતું નથી; કદાચ તે પશ્ચિમમાંથી ઇજિપ્ત અને અરબસ્તાન મારફતે આવ્યા હોય ! સમગ્ર શિવાલિકમાંથી મળી આવેલા નમૂનાઓને શિવાપિથેક્સ, સુગ્રીવપિથેક્સ, બ્રહ્માપિથેક્સ અને રામપિથેક્સ – એવી ચાર જાતિઓમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે.

ભારતનાં વર્તમાન સસ્તન પ્રાણીઓના અવશેષોને શિવાલિક કાળના અવશેષો સાથે સરખાવતાં જણાઈ આવે છે કે આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ; જેમાંથી મહાકાય, ભયંકર, બળવાન પ્રાણીસ્વરૂપો જાણે કે હમણાં જ અર્દશ્ય થઈ ગયાં છે ! દાખલા તરીકે, શિવાલિક કાળનાં માંસભક્ષી પ્રાણીઓ, આજે જે જે વિસ્તારમાં જોવા મળે છે તેટલા જ કદનાં પણ એ વખતે અસંખ્ય હતાં; ખરીવાળાં પ્રાણીઓને તેમનાં જીવંત પ્રતિનિધિઓ સાથે સરખાવતાં 5 : 1 નો ગુણોત્તર મુકાય, કેટલાંકમાં તો 100 શિવાલિક ઉપજાતિઓ હતી ત્યાં માત્ર 18 જ અર્વાચીન ઉપજાતિઓ જોવા મળે છે. ચૌદથી ઓછા નહિ એવા વિલુપ્ત હાથી અને મૅસ્ટોડોન્ટ અને બે ડાઇનોથીરીસમાંથી હવે એકાદ જીવંત સ્વરૂપ જોવા મળે છે ! એ તો ઠીક, પરંતુ બળદ અને ભેંસ જેવા આધુનિક પ્રકારો આઠમાંથી બે સુધી ઘટી ગયા છે. દુનિયાના અન્ય વિસ્તારોની જેમ જ, ભારતનો પ્લાયસ્ટોસીન કાળ ભૂમિજન્ય સસ્તનપ્રાણીઓના વિશાળ પાયા પરના વિલોપથી અંકાઈ ગયેલો જણાય છે, જેનું એક માત્ર કારણ આબોહવાની વધઘટના ઉગ્ર ફેરફારો ગણી શકાય.

તૃતીય જીવયુગની આર્થિક સંપત્તિ : ટર્શ્યરી કાળની અગત્યની ખનિજસંપત્તિમાં કોલસો, ખનિજતેલ અને કુદરતી વાયુનો સમાવેશ થાય છે. ભારતમાં ટર્શ્યરી કોલસો મુખ્યત્વે લિગ્નાઇટ આસામ, કાશ્મીરના જમ્મુ વિસ્તારમાં, તમિળનાડુના નૈવેલીમાં, રાજસ્થાનમાં બિકાનેર પાસે પાલનામાં, ગુજરાતમાં કચ્છ, ભાવનગર અને  રાજપારડીમાં સારા પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. ખનિજ તેલ વિશેષ કરીને ગુજરાત, બૉમ્બેહાઈ અને આસામમાંથી મળે છે તે ટર્શ્યરી યુગની પેદાશ છે. ઉત્તમ કક્ષાના ટર્શ્યરી ચૂનાખડકો આસામની ખાસી જેંતિયા ટેકરીઓમાં પંજાબના પતિયાલા જિલ્લામાં અને આંદામાનમાંથી મળે છે. ટર્શ્યરી રેતીખડકો છે ખરા, પણ બાંધકામના ઉપયોગમાં લેવાય એવા સારા નથી.

ટર્શ્યરી રચનાના મુખ્ય ખડકપ્રકારો રેતીખડક, શેલ અને કાગ્લોમરેટની જળધારક અને જળઊપજ ક્ષમતા જુદી જુદી છે. તેમની સંચયક્ષમતા, ભેદ્યતા પ્રમાણમાં સારી ગણાય છે. આંધ્રપ્રદેશમાં પૂર્વ અને પશ્ચિમ ગોદાવરી જિલ્લાઓમાં, તમિળનાડુના કડલોર અને પુદુચેરી વચ્ચેના કંઠારપ્રદેશમાં અને કેરળના વરકલા કિનારે ટર્શ્યરી રેતીખડકો જળધારક પાતાળકૂવાની સ્થિતિ દર્શાવે છે. પશ્ચિમ અને નૈર્ઋત્ય કચ્છમાંની ટર્શ્યરીરચનાઓ જળધારક નથી.

ટર્શ્યરી રેતીખડકો અને રેતીવાળા શેલ ઉપજાઉ જમીનો આપી શકતા નથી, પરંતુ આસામના ટર્શ્યરી ખડકો વરસાદ અને ભેજવાળી આબોહવાની અસર હેઠળ ઇમારતી લાકડાં, ચા અને ચોખા માટે ખૂબ જ અનુકૂળ પડે છે. હિમાલયની બાહ્ય કિનારી શિવાલિક રચનાના નરમ રેતીવાળા ખડકોએ ભારે વરસાદવાળી આબોહવાની અસર હેઠળ પાતળી અપરિપક્વ રેતાળ જમીનોનું પ્રદાન કરેલું છે.

ગિરીશભાઈ પંડ્યા