તૃણાહારી

January, 2014

તૃણાહારી (Herbivore) : પોષણ માટે વનસ્પતિ પેશીઓ પર પૂર્ણપણે આધાર રાખનાર પ્રાણી. તૃણાહાર માટેનાં  અનુકૂલનોમાં વાગોળનારાં (ruminant) પ્રાણીઓમાં ચતુષ્ખંડ જઠર; કૃન્તકો(rodent)માં સતત વૃદ્ધિ પામતા છેદક દાંત; ઢોર, ઘેટાં-બકરાં, અન્ય પશુઓ અને હાથીમાં ચૂર્ણ કરવા માટે વિશિષ્ટીકરણ પામેલી દાઢ; પાણીની ગોકળગાય અને ચૂષક મુખવાળા બિડાલ–મત્સ્ય (sucker mouthed catfish-Plecostomus)માં રેતન જીભ(rasping–tongue)નો સમાવેશ થાય છે. કેટલાંક તૃણાહારીઓ એકાહારી (monophagus) હોય છે, જે એક જ પ્રકારનો ખોરાક ખાય છે; દા.ત. ઑસ્ટ્રેલિયન વૃક્ષવાસી શિશુધાનીસ્તની કૉએલા (Phascolarctos cinereus) નીલગિરિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે; પરંતુ મોટાભાગનાં તૃણાહારીઓનાં ખોરાકમાં સાધારણ વૈવિધ્ય હોય છે.

તૃણાહારીઓ બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓને સાંકળતી આહારશૃંખલાની મહત્વની પોષણકડી છે. તે જૈવિક આંતરપ્રક્રિયાઓના સૌથી અગત્યના વર્ગો પૈકીમાંનો એક વર્ગ બનાવે છે. સમુદાય(community)ની રચનાના બંધારણ (composition), જેમ કે, ગતિવિજ્ઞાન (dynamics) અને વિભિન્નતા (variation) માટે તે જવાબદાર છે. સમુદાયની આહારશૃંખલા અને આહારજાળની બાકીની બધી જ કડીઓ બધાં પ્રાથમિક અને દ્વિતીયક માંસાહારીઓ અને અપમાર્જકો વધતે ઓછે અંશે આ પાયાની કડી પર અવલંબિત છે.

સૌથી નાનાં પ્રાણીઓથી માંડીને સૌથી મોટાં પ્રાણીઓ સુધી પ્રાણીજીવનની પ્રત્યેક કક્ષા તૃણાહાર સાથે સંબંધિત હોય છે. ઉત્તર ધ્રુવીય ટુંડ્ર, ઉષ્ણકટિબંધીય જંગલ કે રણમાં  અથવા સૌથી ઊંચા પર્વત પર કે સમુદ્રકિનારે કે તેની મધ્યમાં થતી વનસ્પતિની કોઈ પણ જાતિ તૃણાહારથી બાકાત નથી. આ એક પારસ્પરિક આંતરપ્રક્રિયા છે; જ્યાં વનસ્પતિની સંખ્યા કે જથ્થામાં થતો ફેરફાર તૃણાહારીઓની સંખ્યા અને તેમના ભક્ષણના દરના ફેરફાર પર આધાર રાખે છે. તૃણાહારીઓ સમુદાયમાં અસ્તિત્વ ધરાવતી વનસ્પતિઓ દ્વારા ઉદભવતા વધારાના વનસ્પતિદ્રવ્યનો જ માત્ર તેમના નિભાવ માટે સામૂહિક રીતે ઉપયોગ કરતાં હોય ત્યારે આ આંતરપ્રક્રિયા સમતોલનની અવસ્થાએ પહોંચી શકે.

કેટલાંક તૃણાહારીઓ દ્વારા વનસ્પતિના જીવનાવશ્યક ભાગોનું ભક્ષણ થતાં સમય જતાં વનસ્પતિ મૃત્યુ પામે છે; દા. ત., બાર્ક બીટર પાઇન વૃક્ષને મેખલાકારે કોરે છે. અથવા પક્ષીઓ અંકુરિત વનસ્પતિઓની નાજુક કૂંપળોને ખાઈ જાય છે. અન્ય તૃણાહારીઓ વનસ્પતિનાં પર્ણો, શાખા કે મૂળ જેવા ભાગોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે; જેથી વનસ્પતિ કુંઠિત બને છે. અથવા તેને કોઈ ખાસ અસર થતી નથી. આ બીજો કિસ્સો સામાન્ય છે, જેમાં તૃણાહારીઓ વનસ્પતિના માત્ર વધારાના દ્રવ્ય પર જ જીવે છે.

તૃણાહાર સમુદાયમાં આવેલી વનસ્પતિઓની જાતિઓની સંખ્યા અને તેમના કુલ જૈવભાર(biomass)ને મર્યાદિત કરતું એક પરિબળ હોવાથી સમુદાયના બંધારણને અસરકર્તા છે. તે વનસ્પતિપેશીઓ જેમાંથી ઉદભવે છે તેવાં પોષક ખનિજો, અંગારવાયુ અને પાણીના પુન:શ્ચક્રણ (recycling) માટેના સાધન તરીકે વર્તે છે. કુદરતમાં તૃણાહારીઓ વનસ્પતિજીવનની વિપુલતાને ભાગ્યે જ નોંધપાત્ર રીતે અસર કરે છે; કારણ કે વનસ્પતિઓ તેમના ખાસ ઘટાડા સિવાય અસ્તિત્વ જાળવવાની ક્ષમતા ધરાવે છે. તે જ પ્રમાણે તૃણાહારી પ્રાણીઓના અસ્તિત્વ માટે ભૂખમરો ક્વચિત જ ગંભીર પ્રશ્ર્ન બને છે. જોકે કૃષિવિદ્યાકીય અનુભવ દર્શાવે છે કે વનસ્પતિઓ અને તૃણાહારીઓ વચ્ચે અસરકારક આંતરપ્રક્રિયા થાય છે; કારણ કે વનસ્પતિનાશક જીવો પાકની વનસ્પતિઓની વૃદ્ધિ અથવા ઉત્પાદકતાને સારી પેઠે ઘટાડે છે. કેટલીક અપતૃણ જાતિઓને નિયંત્રિત કરવા ખાસ પ્રકારના તૃણાહારી કીટકોનો ઉપયોગ કરવામાં આવે છે. (દા. ત., ઑસ્ટ્રેલિયામાં કૅક્ટસ અને કૅલિફૉર્નિયામાં વિષાક્ત ક્લૅમથ અપતૃણ), ઉપરાંત, જ્યારે પ્રતિકૂળ પરિબળ(દા. ત., નાશક જીવ)ને દૂર કરવામાં આવે અથવા પ્રેરક પરિબળ(દા.ત., પોષક દ્રવ્યો) ઉમેરતાં વનસ્પતિ-વસ્તીમાં નોંધપાત્ર સુધારો થાય છે. વનસ્પતિઓ અને પ્રાણીઓ વચ્ચે થતી અસરકારક આંતરપ્રક્રિયાનું ઉત્તમ ઉદાહરણ અતિચરાઈ (overgrazing) છે; દા. ત., હરણને પરભક્ષીઓથી રક્ષવામાં આવે તો તેમની સંખ્યા એટલી બધી વધી જાય કે અતિચરાઈને કારણે વનસ્પતિસમુદાયનો નાશ થાય. પશુધન પ્રાણીઓ (stock animals) ઘેટાં, બકરાં અને ઢોરો દ્વારા થતી ચરાઈ ગૌચરભૂમિ(pasture lands)ના બંધારણમાં એક અગત્યનું પરિબળ છે. આમ, તૃણાહારી વનસ્પતિ આંતરપ્રક્રિયા સમુદાયના બંધારણમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે.

મોટા વિસ્તારોમાં વનસ્પતિની બહુ ઓછી જાતિઓનું વધુ પડતું પ્રમાણ અતિ તૃણાહાર (excessive harbivory) માટેની શક્યતા પૂરી પાડે છે. એક જ પાક ધરાવતા વિસ્તારોમાં તૃણાહારીઓની સંખ્યા તેમનો વસ્તીસ્ફોટ થાય તેટલી હદે વધી જાય છે. તેથી ઊલટું, જાતિઓની ર્દષ્ટિએ વિભિન્ન એવો કુદરતી સમુદાય નાશક જીવના વસ્તી-સ્ફોટને ભાગ્યે જ પ્રેરે છે. સમુદાયજીવનની વિભિન્નતામાં સ્થાયિત્વના પરિસ્થિતિવિદ્યાકીય સિદ્ધાંતને તે ચરિતાર્થ કરે છે.

બળદેવભાઈ પટેલ