તુર્ગો, એન-રૉબર્ટ-જેક્વેસ (જ. 10 મે, 1727 પૅરિસ, અ. 18 માર્ચ 1781 પૅરિસ) : અઢારમી સદીના ફ્રેન્ચ મુત્સદ્દી, અર્થશાસ્ત્રી તથા સમાજસુધારક. જન્મ જૂના નૉર્મન કુટુંબમાં. તેમના કુટુંબની વ્યક્તિઓએ રાજ્યમાં મહત્વના વહીવટી હોદ્દાઓ ભોગવ્યા હતા. તેમના પિતા માઇકલ એટીને પૅરિસની નગરપાલિકાના વહીવટી વડા હતા.
1743માં તુર્ગો સેમિનાર દ સેઇન્ટ અલ્પાઇસમાં પાદરી થવા દાખલ થયા. 1749–50માં સોરબોન યુનિવર્સિટીમાં તે વધુ અભ્યાસાર્થે દાખલ થયા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે તેમણે નામના મેળવી હતી. તેમના સમયના આધુનિક વિચારોથી તે પ્રભાવિત થયા હતા. તેઓ વૈજ્ઞાનિક કુતૂહલ ધરાવતા હતા અને ઉદારમતવાદી, સહિષ્ણુ અને સામાજિક ક્રાંતિના પુરસ્કર્તા હતા. ફ્રાન્સ્વા કેને અને વિન્સેન્ટ દ ગૌરનેની નિસર્ગવાદી વિચારધારા (physiocracy) પર આધારિત અર્થશાસ્ત્ર તરફ તેઓ ઢળ્યા હતા અને તેમના કેટલાક સિદ્ધાંતો તેમણે અમલમાં મૂક્યા હતા.
1751માં તેમને પાદરી તરીકે દીક્ષા આપવાનો પ્રસંગ ઉપસ્થિત થયો ત્યારે વિચાર ફરી જતાં પાદરી થવાનું તેમણે માંડી વાળ્યું. ખોટો દંભ રાખી જીવવાનું તેમને માન્ય ન હતું. 1752માં તેઓ ફ્રાન્સની સંસદના સભ્ય થયા. પ્રાંતોના નિરીક્ષણ દરમિયાન તેઓ વૉલ્ટેના પરિચયમાં આવ્યા હતા. તેમણે વૈજ્ઞાનિક પદ્ધતિની ખેતી, નગરઆયોજન, રસ્તાનું બાંધકામ અને માફકસરના કરવેરાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો હતો. દેવાળું કાઢવું નહિ, વધારે કરવેરા નાખવા નહિ અને નાણું ઉછીનું લેવું નહિ એવા માર્ગદર્શક સિદ્ધાંતો તેમણે અમલમાં મૂક્યા હતા.
1766માં ફ્રેન્ચ ભાષામાં લખાયેલો તેમનો જાણીતો ગ્રંથ છે ‘રિકલેક્શન્સ ઑન ધ ફંકશન ઍન્ડ ડિસ્ટ્રિબ્યૂશન ઑવ્ વેલ્થ’. આ ઉપરાંત દની દીદરોના એન્સાઇક્લોપીડિયામાં તથા બીજા ગ્રંથોમાં તેમના લેખો પ્રસિદ્ધ થયા હતા. જમીનરૂપી સંપત્તિ રાજ્યના અંકુશથી મુક્ત રાખી રાષ્ટ્રની સમૃદ્ધિ વધારવાના મતના તેઓ હતા. વેપાર અને ઉદ્યોગો અંકુશમુક્ત હોવા જોઈએ અને જમીનના ચોખ્ખા ઉત્પાદન ઉપર જ કર નાખવા જોઈએ એવું તેમણે સૂચવ્યું હતું. તેમના ઘણાખરા વિચારો આદમ સ્મિથે તેના પુસ્તક ‘વેલ્થ ઑવ્ નૅશન્સ’માં અપનાવ્યા હતા.
સોળમા લુઈના શાસનકાળ દરમિયાન 1774માં તેઓ પ્રથમ નૌકાખાતાના પ્રધાન અને ત્યારબાદ નાણાખાતાના કન્ટ્રોલર જનરલ (1774–76) બન્યા હતા. તેમણે સખત કરકસરની નીતિ અપનાવી. લશ્કરી ખર્ચ અને રાજદરબારના ખર્ચમાં ચુસ્તપણે કાપ મૂકી દેશના ભાંગી પડેલા અર્થતંત્રને બેઠું કર્યું હતું. અનાજના વેપાર ઉપરની આંતરિક જકાત દૂર કરવાનું હિંમતભર્યું પગલું તેમણે લીધું હતું, પણ આ નિર્ણય કસમયનો હતો. પાક નિષ્ફળ જતાં ભાવો ખૂબ ઊંચકાયા અને તે કારણે ઠેરઠેર રમખાણો થયાં. તેને દબાવી દેવા માટે લશ્કરનો ઉપયોગ કરવો પડ્યો. આને લીધે તુર્ગો અપ્રિય થઈ પડ્યા. આ સિવાય અમીરો, ધર્મગુરુઓ અને અમલદારોના વિરોધને કારણે મે, 1776માં રાજાએ તેમના રાજીનામાની માગણી કરી. નિવૃત્તિનો બાકીનો સમય તેમણે પૅરિસમાં વિજ્ઞાન અને સાહિત્યના અભ્યાસમાં ગાળ્યો હતો.
શિવપ્રસાદ રાજગોર