તાલાળા : જૂનાગઢ જિલ્લાના વેરાવળ પેટા વિભાગમાં આવેલ તાલુકો અને તાલુકા મથક. તે હીરણ નદીને કાંઠે 21° 02´ ઉ. અ. અને 70° 32´ પૂ. રે. ઉપર આવેલું છે. તાલુકાનું ક્ષેત્રફળ 953.6 ચોકિમી. છે. તાલુકામાં તાલાળા શહેર અને 96 ગામો આવેલાં છે.

તેની પૂર્વે અને ઈશાન ખૂણે ગીરનું  જંગલ, પશ્ચિમે માળિયા તાલુકો, ઉત્તરમાં મેંદરડા મહાલ અને દક્ષિણે તેમજ નૈર્ઋત્ય ખૂણે વેરાવળ તાલુકો આવેલાં છે.

તાલાળાપ્રદેશનું સમૃદ્ધ પશુધન

ગીર નજીકનો પૂર્વ તરફનો ભાગ ડુંગરાળ અને વનરાજિવાળો છે. આ સિવાયનો પ્રદેશ સપાટ છે. ઉનાળામાં ગુરુતમ તાપમાન 32° સે અને શિયાળામાં લઘુતમ તાપમાન 15° સે. આસપાસ રહે છે. આબોહવા એકંદરે સમધાત હોય છે. વરસાદનું વાર્ષિક સરેરાશ પ્રમાણ 600 મિમી. હોય છે.

ત્યાંની જમીન કાળી અને ફળદ્રૂપ છે. બાજરી, કપાસ, શેરડી, અને મગફળી મુખ્ય પાક છે. તાલાળા કેસર કેરી માટે પ્રખ્યાત છે. આ ઉપરાંત કેળાં, પપૈયાં, ચીકુ વગેરે ફળો થાય છે.

લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. અહીંની ગીર ઓલાદની ગાય અને જાફરાબાદી ભેંસ વધુ દૂધ આપવા માટે જાણીતી છે. તાલાળામાં ખાંડનું કારખાનું તથા તેલની અને આટાની મિલ છે.

તાલાળા ઉના-તાલાળા અને ખીજડિયા-વેરાવળ મીટરગેજ રેલવેનું જંકશન છે. રસ્તા દ્વારા તે કોડીનાર, ઉના, વેરાવળ, કેશોદ, જૂનાગઢ અને સુરેન્દ્રનગર સાથે જોડાયેલું છે.

તાલુકાની કુલ વસ્તી 2011માં 1,25,000 હતી. શહેરી વસ્તી 13% છે જ્યારે 87% લોકો ગામડાંમાં વસે છે.  દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 920 હતું.  કુલ વસ્તીમાંથી 5321 પુરુષો અને 3701 સ્ત્રીઓ અક્ષરજ્ઞાન ધરાવતાં હતાં. અહીં બે પ્રાથમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા તાલુકા-પુસ્તકાલય છે. અહીં પ્રાચીન કાળમાં શ્રીબાઈ નામનાં રામભક્ત થઈ ગયાં, જેમનો ત્યાં આશ્રમ છે. વૈશાખ શુક્લપક્ષની ચૌદશને દિવસે અહીં મેળો ભરાય છે. શહેરની વસ્તી 21,060 (2011) હતી.

શિવપ્રસાદ રાજગોર