‘તાલીબ’ આમુલી (જ. ?; અ. 1625) : જાણીતા ફારસી કવિ. તેમનો જન્મ ઈરાનના માઝન્દરાન આમુલ નામના પરગણામાં થયો હતો. તેમનું નામ મુહમ્મદ અને કવિનામ ‘તાલીબ’ છે. તેમણે પ્રાથમિક શિક્ષણ વતનમાં મેળવ્યું હતું. 23 વર્ષની વયે તેમણે ભૂમિતિ, ગણિત, તર્કશાસ્ત્ર, તસવ્વુફ, જ્યોતિષ તથા સુલેખનકળામાં  નિપુણતા પ્રાપ્ત કરી હતી. કવિ તરીકેની તેમની પ્રતિભા જન્મજાત હતી. શરૂઆતમાં તેમણે માઝન્દરાનના હાકેમ મીર અબુલ કાસિમના દરબારમાં પ્રવેશ મેળવ્યો અને તેની પ્રશંસામાં  અનેક કસીદા રચ્યા, પરંતુ તેમને ત્યાં યોગ્ય પ્રોત્સાહન ન મળવાથી તે કાશાન આવીને સ્થાયી થયા. અહીં તેમણે લગ્ન પણ કર્યાં. અહીં જ તેમની કાવ્યકલા ખીલી ઊઠી, પરંતુ સ્વભાવે મહત્વાકાંક્ષી હોઈ ત્યાંથી તે મર્વ ચાલ્યા ગયા અને ત્યારપછી સિંધના હાકેમ મિરઝા ગાઝી બેગ તરખાનના દરબારમાં પહોંચ્યા. ગાઝી બેગ કવિ અને કવિતાના પ્રશંસક હતા. બીજા કવિઓની જેમ તાલીબે પણ ગાઝી બેગની ઉદારતા અને કૃપાનો લાભ મેળવ્યો. ગાઝી બેગના મૃત્યુ પછી તેમણે પ્રખ્યાત અને ઉદાર વિદ્વાન એઅ્ત્તેમાદુદવલાનો આશ્રય લીધો. તેમણે કવિને જહાંગીરના દરબારમાં પ્રવેશ અપાવ્યો. જહાંગીર પોતે પણ કવિ અને કાવ્યનો પ્રશસંક તથા વિદ્વાનોનો આશ્રયદાતા હતો આથી તેણે તાલીબની ઉચ્ચ કાવ્યપ્રતિભા જોઈને પોતાના રાજ્યઅમલના  ચૌદમા વર્ષે 1618માં તેમને ‘મલેદુશશોઅરા’(રાજકવિ)નો ખિતાબ આપ્યો. 1619માં તેઓ ફતેહપુર ગયા અને 1625માં ત્યાં જ તેમનું અવસાન થયું.

12-13 વર્ષની નાની વયે તેઓ કાવ્યો રચતા. તેઓ શીઘ્રકવિ હતા. બેત્રણ કલાકમાં 50થી 60 કાવ્યપંક્તિઓ સરળતાથી રચી કાઢતા. શહેનશાહ જહાંગીરની પ્રશંસામાં કેટલાયે કસીદા ફક્ત એક જ રાતમાં લખી નાખતા.  તેમણે  ગઝલ-કસીદા, રુબાઈ, મસ્નવી અને કિતઅ વગેરે અનેક કાવ્ય-પ્રકારોમાં પોતાની કલમ અજમાવી છે. તેમનાં કાવ્યોમાં સાદગી છે. તેમની ઉપમા ઘણી મોહક અને ચિત્તાકર્ષક હોય છે. તેમની ભાષામાં હિન્દુસ્તાની ફારસીની પણ અસર જોવા મળે છે. તેઓ પોતાના યુગના નોંધપાત્ર કવિઓમાં સ્થાન પામ્યા છે.

ઈસ્માઈલ કરેડિયા