તારસંચાર (telegraphy) : બે અથવા વધુ ભૂમિમથકો વચ્ચે સંદેશા કે માહિતીનું આદાનપ્રદાન કરવાની એક એવી પદ્ધતિ કે જેમાં વિદ્યુતીય આવેગો (impulses) રૂપે સંકેતો (signals) મોકલવામાં અને મેળવવામાં આવે છે. ‘‘Telegraphy’’ શબ્દનો અર્થ ‘‘far-off writing’’ થાય છે. દૂરસંચાર (telecommunications) તરીકે ઓળખાતી વ્યાપક પદ્ધતિઓ પૈકીની આ એક સરળ પદ્ધતિ છે. 1838માં સેમ્યુઅલ એફ. બી. મોર્સ(Morse)એ ટેલિગ્રાફનું પરિરૂપ રજૂ કર્યું અને 1844માં બાલ્ટિમોર અને વૉશિંગ્ટન વચ્ચે તારના દોરડાં નાખ્યાં હતાં. તે પછી સમગ્ર વિશ્વમાં તેનો ઉપયોગ શરૂ થયો હતો. વાસ્તવમાં રેલવેવ્યવહારનો વિકાસ અને તારસંચારનો વિકાસ બંને લગભગ સાથે જ થતા રહ્યા છે. આ પદ્ધતિમાં આદાન-પ્રદાન માટેનાં બે મથકો અનુક્રમે A અને Bનું જોડાણ, ધાતુના બે તારની જોડ ધરાવતા વિદ્યુતના દોરડા (twin wire electric cable) મારફતે કરવામાં આવે છે. પદ્ધતિ દ્વિમુખી (bilateral) હોઈ, Aથી B તરફ અથવા તેથી ઊલટું, Bથી A તરફ સંદેશા મોકલી શકાય છે. સંદેશો મોકલનાર મથકને પ્રેષક (transmitter) કહે છે. જ્યારે તેને ઝીલનાર મથકને ગ્રાહક (receiver) કહે છે.
તારસંચારનો ઉદભવ પ્રો. વોલ્ટાની વિદ્યુત રાસાયણિક વિદ્યુતકોષની શોધ (ઈ. સ. 1809) તથા પ્રો. ઓર્સ્ટેડની વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરની શોધ(ઈ. સ. 1819)ને આભારી છે. પ્રથમ તો વોલ્ટાની શોધ ઉપર સતત પ્રયોગો કરીને વિજ્ઞાનીઓ તેમજ ઇજનેરોએ, લાંબા સમય સુધી, પર્યાપ્ત માત્રામાં વિદ્યુતપ્રવાહ આપી શકે તેવા વિદ્યુતકોષ મેળવ્યા; જ્યારે બીજી તરફ પ્રો. ઓર્સ્ટેડની શોધ દ્વારા વિદ્યુતચુંબકો તૈયાર કરવામાં આવ્યાં. નરમ લોખંડ(soft iron)ના સળિયા ઉપર વિદ્યુતવાહક ધાતુના તારના ગૂંચળાને વીંટાળીને વિદ્યુતચુંબકો બનાવવામાં આવે છે. તેમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતાં નરમ લોખંડનો સળિયો પ્રબળ ચુંબકત્વ ધારણ કરે છે અને ચુંબકની જેમ લોખંડ, નિકલ અને કોબાલ્ટ જેવા ચુંબકીય પદાર્થોને પોતાની તરફ આકર્ષે છે. વિદ્યુતપ્રવાહ બંધ થતાં, સળિયો પોતાનું ચુંબકત્વ ગુમાવે છે. આમ તે કાયમી ધોરણે ચુંબકત્વ પ્રાપ્ત કરતો નથી.
આકૃતિ 1(A) તથા આકૃતિ 1(B) ઉપરથી તારસંચારની કાર્યપદ્ધતિ સમજાવી શકાય :
W1 અને W2 …. પ્રેષક મથકમાંથી બહાર આવતા તાર.
X2O1Y2 …. પિત્તળનો સળિયો.
D …. મોર્સ-કીનો દટ્ટો.
S1 …. સળિયા X2O1Y2ને નિયંત્રણમાં રાખતી સ્પ્રિંગ.
a, b, c, d લંબચોરસમાં …. મોર્સ-કી.
E3 …. વિદ્યુતકોષ.
P1 અને P2 …. મોર્સ-કીના સળિયા X2O1Y2 સાથે સંપર્ક કરતા ટર્મિનલ-સ્ક્રૂ.
B1 B2 …. વૈદ્યુત ચુંબક.
T1-T2 …. વૈદ્યુત ચુંબકના જોડાણતાર.
O2X1Y1 …. સળિયો.
S2 – સળિયા O2X1Y1ને નિયંત્રિત કરતી સ્પ્રિંગ.
B1 B2 તથા O2X1Y1 …. ટેલિગ્રાફ સાઉન્ડર.
R1 …. ફીડ રોલર; R2 …. ટેક-અપ રોલર.
a4 b4 c4 d4 – ચાર્ટ – રેકૉર્ડર.
P3-P4 …. સળિયા O2X1Y1 સાથે સંપર્ક કરતા સ્ક્રૂ-ટર્મિનલ.
પ્રેષક મથક (A) આગળ રાખેલો એક દટ્ટો D દબાવીને વિદ્યુતકોષ E3 માંના વિદ્યુતપ્રવાહને ચાલુ કે બંધ કરી શકાય છે. દટ્ટા D સાથેની કળ ‘ટેપ-કી’ કે ‘પ્રેસ-કી’ છે. તેને તારસંચારની શોધ સાથે સંકળાયેલ વિજ્ઞાની મોર્સના નામ ઉપરથી ‘મોર્સ-કી’ પણ કહે છે. (જુઓ આકૃતિ 2.) તારસંચાર દ્વારા મોકલાવવામાં આવતો સંદેશો ટેલિફોન ઉપર
થતી વાતચીતની માફક મોકલાવવામાં આવતો નથી, પરંતુ ‘મોર્સ કોડ’ તરીકે ઓળખાતી એક ખાસ સાંકેતિક ભાષામાં મોકલવામાં આવે છે. મોર્સ કળ(key)ના દટ્ટાને દબાવી તરત છોડી દેવામાં આવે તો મળતો ટૂંકો આવેગ (impulse) સાંકેતિક ભાષામાં એક ટપકાં (•, dot) રૂપે ગ્રાહક–સપર્કે પહોંચે છે. દટ્ટાને વધુ સમય દબાવીને છોડી દેતાં મળતો લગભગ ત્રણ ગણો આવેગ સાંકેતિક ભાષામાં એક રેખા (—, dash) રૂપે ગ્રાહક મથકે પહોંચે છે. આવેગો વચ્ચે થોડી જગ્યા (space) હોય છે. આ પ્રમાણે ‘ડોટ’ અને ‘ડેશ’ વડે સાંકેતિક ભાષા કે ‘મોર્સ કૂટસંકેત (કોડ, code)’ બને છે. વ્યવહારમાં ‘ડોટ’ને ‘ડી’ અને ‘ડેશ’ ને ‘ડા’ કહે છે. આમ સાંકેતિક ભાષા અથવા ‘મોર્સ કોડ’ ‘ડી’ અને ‘ડા’ની તથા તેમની વચ્ચેની થોડી જગ્યા વડે રચાય છે. નીચેના કોઠામાં અંગ્રેજી મૂળાક્ષરો Aથી Z તથા અંકો 1થી 9 અને 0(શૂન્ય)ને ઓછા વપરાતા મોર્સ કોડ તેમજ વધુ પ્રચલિત આંતરરાષ્ટ્રીય (અથવા ખંડીય, મહાદ્વિપીય, continental) કોડમાં દર્શાવેલ છે.
મોર્સ કોડ દર્શાવતો કોઠો
કળ દબાવતાં વીજપરિપથ કાર્યાન્વિત થઈ, સળિયા O2 X1 Y1ને આકર્ષીને પછી છોડી દે છે. સળિયો O2X1Y1, પ્રથમ સ્ક્રૂ, P4 સાથે અથડાઈ, ત્યાંથી પાછો મૂળ સ્થાને આવી, હવે સ્ક્રૂ P3 આગળ અથડાઈને, મોર્સ-કી આગળ ઉદભવતી ક્લિકના જેવી જ ક્લિક ઉત્પન્ન કરે છે. આકૃતિ 1(B)માં વૈદ્યુત ચુંબક B1B2 તથા તેની નજીક આવેલા સળિયા O2X1Y1થી બનતી રચનાને ‘ટેલિગ્રાફ સાઉન્ડર’ કહે છે. ગ્રાહક મથકનો સિગ્નલર’ (સાંકેતિક ભાષાનો નિષ્ણાત) કુશળ હોઈ, સાઉન્ડરમાં આવતી ક્લિક સાંભળીને, મોકલવામાં આવતા સંદેશાને સીધો કાગળ પર ટપકાવી લે છે.
ગ્રાહક મથકની આકૃતિ 1(B)માં લંબચોરસ a4b4c4d4માં દર્શાવેલ બે રોલર R1 અને R2 ની વચ્ચે કાગળની એક પટ્ટી (tape), સતત ‘ફીડ રોલર’ R1 ઉપરથી નિયત દરે ઊકલીને ‘ટેક અપ રોલર’ R2 ઉપર વીંટાતી હોય છે. રોલર R1 અને R2 ને ફેરવવા માટે એક અલગ ઇલેક્ટ્રિક મોટર અથવા ચાવી ભરેલી કમાન દ્વારા ચાલતી (spring wound) મોટરનો ઉપયોગ કરવામાં આવે છે, જે આકૃતિમાં દર્શાવેલ નથી. મોર્સ સંકેતની ગેરહાજરીમાં, સાઉન્ડરમાંની શાહી ભરેલી પેન કાગળના સંપર્કમાં આવતી નથી અને ‘ડી’ કે ‘ડા’ અંકાતા નથી. લંબચોરસ a4 b4 c4 d4 માં દર્શાવેલ ભાગને ‘ચાર્ટ-રેકોર્ડર’ કહે છે. તેના દ્વારા ગ્રાહક મથકના નજીકના સિગ્નલરની ગેરહાજરીમાં પણ આવી રહેલા સંદેશાને નોંધી શકાય છે. આકૃતિ ઉપરથી સ્પષ્ટ છે કે ગ્રાહક મથકે વૈદ્યુત સિગ્નલ આવે ત્યારે વૈદ્યુત ચુંબક B1 B2, સળિયા O2X1Y1 ને આકર્ષે છે. તે જ ક્ષણે રેકર્ડરની પેન કાગળની ટેપને અડકે છે અને જો ડૉટ આવ્યો હોય તો કાગળની ટેપ ઉપર માત્ર એક ટપકું અંકાય છે. તેથી ઊલટું, જો ડૅશ આવી રહ્યો હોય તો પટ્ટી ઉપર એક લાંબી રેખા દોરાય છે. પરિણામે થોડીક જ મિનિટોમાં પ્રેષક મથકોથી આવતો સંદેશો, ટપકાં અને લાંબી રેખાઓ રૂપે ટેપ ઉપર અંકાઈ જાય છે. ત્યાર બાદ તે સંદેશાને મોર્સ કોડને અનુરૂપ સંકેતનો અર્થ ઘટાવીને (decode) મોકલાવેલો સંદેશો વાંચી શકાય છે. આકૃતિ 4માં ટેપ ઉપરનાં ‘ટપકાં’ અને ‘રેખા’ને અર્થાન્વિત કરતાં EXAM TOO HARD; એટલે કે EXAM TOO HARD એવો કોઈ પરીક્ષાર્થીએ, પરીક્ષા અઘરી લાગવા અંગે મોકલાવેલો સંદેશો વંચાય છે. તારસંચાર બાદ દૂરસંચાર સેવામાં રેડિયો, ટેલિફોન, મોબાઇલ, ઉપગ્રહસંચાર વગેરે સેવાઓ ઉપલબ્ધ વધતાં તારસંચાર સેવાનો ઉપયોગ મર્યાદિત થઈ ગયો છે. ભારતમાં તારસંચાર સેવા 1854માં શરૂ કરવામાં આવેલી જે 15 જુલાઈ 2013ના રોજ બંધ કરવામાં આવી છે.
સૂ. ગી. દવે