તારસપ્તક (1943) : અજ્ઞેય-સંપાદિત સાત અગ્રણી હિન્દી કવિઓની કવિતાનું સંકલન. આ પ્રકાશનને હિંદી કવિતાના ઇતિહાસમાં આધુનિકતાબોધના પ્રથમ પ્રસ્ફુટન રૂપે ગણવામાં આવે છે. તેમાં ગજાનન માધવ મુક્તિબોધ, નેમિચંદ, ભારતભૂષણ અગ્રવાલ, પ્રભાકર માચવે, ગિરિજાકુમાર માથુર, રામવિલાસ શર્મા અને અજ્ઞેય પોતે – એમ સાત કવિઓનાં ચૂંટેલાં કાવ્યો છે. દરેક કવિના વક્તવ્ય બાદ તેમનાં કાવ્યો છે. આ વક્તવ્યોમાં કવિઓની વિભિન્ન શૈલી પ્રગટ થાય છે.

અહીં મુક્તિબોધ, ભારતભૂષણ, નેમિચંદ કે રામવિલાસ જેવા માર્કસવાદી એટલે કે પ્રગતિવાદી કવિઓમાં પણ વિચારભેદ છે, ભારતભૂષણના મતે આજના યુગ માટે માકર્સવાદ રામબાણ છે તો મુક્તિબોધ એક ડગલું આગળ વધી માર્કસથી વધુ વૈજ્ઞાનિક, વધુ મૂર્ત અને તેજસ્વી ર્દષ્ટિકોણની વાત કરે છે. નેમિચંદ વ્યક્તિત્વની સામાજિકતા સ્વીકારે છે પણ વ્યક્તિત્વહીનતા નહીં. રામવિલાસને ભારતનું ગામડું અને તેનો ખેડૂત વધુ નિકટનાં લાગે છે. ગિરિજાકુમારની કૌતુકપ્રિયતા માચવેના મનોવૈજ્ઞાનિક આધારથી જુદી પડે છે તો અજ્ઞેય માટે પ્રશ્ન છે ભાષાનો. અનુભૂતિને પૂર્ણત: વ્યક્ત કરે એવા શબ્દની શોધ એમને પ્રયોગ કરવા પ્રેરે છે.

એકબીજાથી જુદા પડતા આ કવિઓ એક બાબતે સમાન છે. પરંપરાગત ભાવ, ભાષા કે શૈલીનું માળખું એકેયને સ્વીકાર્ય નથી. દરેક પોતપોતાની રીતે પ્રયોગશીલ છે. આ કવિઓ સંપાદકના શબ્દોમાં કોઈ એક સંપ્રદાય (school) નથી, કોઈ એક લક્ષ્ય સુધી પહોંચ્યા પણ નથી; હજી તો રાહી છે, રાહી પણ નહીં, રાહના અન્વેષક છે. અજ્ઞેયની આ ઉક્તિ આગળ જતાં સાચી પણ પડે છે. આમાંના ઘણા કવિઓની દિશા ફંટાઈ તો ઘણાનું તો લક્ષ્ય જ બદલાઈ ગયું.

‘તારસપ્તક’નું પ્રકાશન હિંદી કવિતામાં ‘પ્રયોગવાદ’નો પ્રારંભ ગણાય છે. અજ્ઞેયે ક્રમશ: 1951માં ‘દૂસરા સપ્તક’, 1959માં ‘તીસરા સપ્તક’ અને 1979માં ‘ચૌથા સપ્તક’નું સંપાદન કર્યું. ‘દૂસરા સપ્તક’ના પ્રકાશન બાદ પ્રયોગવાદની ધારા ‘નયી કવિતા’ના પ્રવાહમાં લગભગ ભળી જાય છે. આમ, આધુનિક હિંદી કવિતાના ઇતિહાસમાં ‘તારસપ્તક’નું મૂલ્ય ઘણું છે.

બિંદુ ભટ્ટ