તાનિકા પેટુ (meningocele) : કરોડરજ્જુનાં આવરણોની બનેલી એક નાની પોટલી જેવી કમરના પાછલા ભાગમાં ઉદભવતી પોલી ગાંઠ અથવા કોષ્ઠ(cyst). જ્યારે તેમાં કરોડરજ્જુની ચેતા પેશી પણ હોય ત્યારે તેને તાનિકા-મેરુ પેટુ (meningomyelocele) કહે છે. કરોડના મણકાની પાછલી બાજુએ મણકાની બે પટ્ટીઓ ભેગી થઈને મણિકાકંટક (spine) બનાવે છે, જે પીઠ તરફ હોય છે. મણકાની કાય (body) અને આ પટ્ટીઓ (lamellae) એક ગોળ વીંટી બનાવે છે, જેના કાણામાંથી કરોડરજ્જુ પસાર થાય છે. બે બાજુથી આવતી પટ્ટીઓ જો પાછળ મધ્યમાં ભેગી થઈને એક મણિકાકંટક ન બનાવે તો ત્યાં સહેજ પોલાણ રહી જાય છે. આવી સ્થિતિને દ્વિભાજી મણિ-કંટકતા (spina bifida) કહે છે. આ પોલાણમાંથી તાનિકા પેટુ કે તાનિકા-મેરુ પેટુ પાછળની બાજુએ ઊપસી આવે છે. ક્યારેક દ્વિભાજી મણિકંટકના પોલાણમાંથી આવી કોષ્ઠ બહાર આવતી નથી. તેને અકળ (occult) દ્વિભાજી મણિકંટકતા કહે છે. કરોડરજ્જુના નીચલા છેડે આ બધી જન્મજાત કુરચનાઓ (congenital anomalies) છે અને તે ગર્ભના વિકાસ સમયે તેની ચેતાનલિકા(neural tube)ના પૃષ્ઠ ભાગના બંધ થવાની પ્રક્રિયામાં વિક્ષેપ પડવાથી થાય છે. તેને કરોડરજ્જવી (મેરુરજ્જવી) દુર્યુગ્મન (spinal dysraphism) કહે છે. દ્વિભાજી મણિકંટકતાનું નિદાન એક્સ-રે ચિત્રણથી થઈ શકે છે અને વસ્તીના 10 % લોકોમાં તે જોવા મળે છે. જેમને પાછળ પુટિકા કે કોષ્ઠ ન ઊપસી આવી હોય તેવા અકળ વિકારમાં પણ ઘણી વખત મેદાર્બુદ (lipoma), ત્વકાભ (dermoid) કે અધિત્વકાભ(epidermoid)ની ગાંઠ થયેલી જોવા મળે છે.

નિદાન અને સારવાર : કુરચનાનું જેટલું વધુ પ્રમાણ તેટલી તકલીફો વધુ જોવા મળે છે. અકળ દ્વિભાજી મણિકંટકતાના દર્દીમાં એક્સ-રે ચિત્રણથી નિદાન થાય છે અને મોટે ભાગે તે L5S1 ક્રમવાળા કરોડના મણકામાં જોવા મળે છે. આવી વ્યક્તિને કોઈ વિકાર કે તકલીફ હોતી નથી. જો તેના પછી ચામડીમાં કોઈ વિકાર હોય, જેમ કે વધુ પડતો પરસેવો થવો, મેદની કે ત્વકાભની ગાંઠ થવી, લોહીની નસોની ગાંઠ થવી કે કોઈ છેદ હોય, તો સાથે સાથે ચેતાકીય વિકાર હોવાની સંભાવના વધે છે. ક્યારેક આવો ચેતાકીય વિકાર નાની ઉંમરે અથવા ઉંમર જેમ વધે તેમ વધુ ને વધુ જણાતો જાય છે. તે સમયે કમર અને ત્રિકાસ્થિની ચેતાઓ(lumbosacral nerves)ના વિકાર થાય છે. તેને કારણે ક્યારેક ઝાડા-પેશાબની હાજતમાં તકલીફ પડે છે. પગમાં અશક્તિ કે લકવો થાય છે, ચામડીની સ્પર્શ અને અન્ય સંવેદનાઓ ઘટે છે, સ્નાયુઓ સાથે પગ પાતળો પડી જાય છે તથા કમર અને પાદની વિકૃતિઓ ઉદભવે છે. તાનિકા-મેરુ પુટિકાના વિકારમાં ચેતાકીય વિકારો વધુ જોવા મળે છે. ક્યારેક કરોડરજ્જુમાં તથા મગજમાં અન્યત્ર પણ વિકૃતિઓ થયેલી હોય છે. તાનિકા-મેરુ પુટિકાના 80 % દર્દીઓમાં ખોપરીમાં પ્રવાહી ભરાવાનો અતિજલશીર્ષ (hydrocephalus) નામનો વિકાર થયેલો જોવા મળે છે. આ પ્રકારની કુરચનાઓના કારણની સ્પષ્ટ જાણકારી મળતી નથી.  ફોલિક ઍસિડ તથા અન્ય વિટામિન લેતી સ્ત્રીના ગર્ભમાં આવી કુરચનાઓ થતી નથી તેથી તેમની ઊણપ કારણરૂપ મનાય છે. જનીનીય ઘટકો (genetic factors) પણ મહત્વનો ભાગ ભજવે છે. વાતાવરણમાંના ગર્ભપેશી-અર્બુદકારકો (teratogens) પણ કદાચ મહત્વનો ભાગ ભજવે છે. આમ વાતાવરણીય, પોષણલક્ષી તથા જનીનીય પરિબળોની આંતરક્રિયાથી આ પ્રકારની કુરચનાઓ થાય છે એવું મનાય છે. બાળકની શારીરિક તપાસ, કમરનાં એક્સ-રે ચિત્રણો, સી.એ.ટી. સ્કૅન, ચુંબકીય અનુનાદી ચિત્રણ (magnetic resonance imaging–MRI), મેરુરજ્જુ-ચિત્રણ (myelography), મૂત્રાશયની તપાસ વગેરે અગત્યની નિદાનલક્ષી પદ્ધતિઓ ઉપલબ્ધ છે. શક્ય હોય તે કિસ્સામાં શસ્ત્રક્રિયા વડે પુટિકાને કાઢી નાંખીને પોલાણને બંધ કરી દેવાય છે. આ ઉપરાંત હાડકાં અને સ્નાયુઓને લગતી તથા મૂત્રાશયને લગતી શસ્ત્રક્રિયાઓની પણ ક્યારેક જરૂર પડે છે. જ્યારે વધુ પડતી કુરચનાઓ હોય ત્યારે શસ્ત્રક્રિયાના ઉપયોગની નૈતિકતા તપાસવી જરૂરી ગણાય છે. મગજ-કરોડરજ્જુની આસપાસનું પ્રવાહી બહાર નીકળતું હોય ત્યારે 24 કલાકમાં જ તેને બંધ કરવું જરૂરી ગણાય છે. જેમનામાં અકળ કુરચનાઓ જોવા મળે છે તેઓમાં ભવિષ્યની સંભવિત તકલીફોને રોકવા ક્યારેક શસ્ત્રક્રિયા કરાય છે.

શિલીન નં. શુક્લ