તાત્યા ટોપે (જ. 1814, પુણે; અ. 18 એપ્રિલ 1859, સિપ્રી) : 1857ના વિપ્લવ દરમિયાન અંગ્રેજી શાસન  સામે માથું ઊંચકનાર પ્રસિદ્ધ સેનાની. તેનું મૂળ નામ રામચંદ્ર ભટ હતું. તેના પિતાનું નામ પાંડુરંગ હતું. તેના ઉપનામ ‘ટોપે’ અંગે બેમત છે. બાજીરાવ પેશવા બીજાએ તેને કીમતી ટોપીની ભેટ આપી હતી. તેથી તેનું ‘ટોપે’ નામ પડ્યું. બીજા મત મુજબ તાત્યા ટોપેએ કેટલોક વખત ઈસ્ટ ઇન્ડિયા કંપનીના તોપખાનામાં તોપચી તરીકે કામ કર્યું હતું. તે વખતથી આ નામ રૂઢ થઈને પ્રચલિત થયું હતું. આશરે 30 વરસ સુધી તેણે મધ્યભારતનાં અનેક રાજ્યોમાં તોપચી તરીકે કામ કર્યું હતું. પાછળથી તેણે નાનાસાહેબ પેશવાની નોકરી સ્વીકારી હતી.

તાત્યા ટોપે

તે 1857ના વિપ્લવ વખતે સૈન્યની જમાવટ કરીને નાનાસાહેબ, લક્ષ્મીબાઈ વગેરેની મદદે ગયો હતો અને અંગ્રેજોનો અનેક સ્થળે સામનો કર્યો હતો. કેટલાંક મહત્વનાં સ્થળો જીતી તેણે ગ્વાલિયરમાં નાનાસાહેબનો ડંકો વગાડ્યો હતો. 1857નો વિદ્રોહ મેરઠ, દિલ્હી, આગ્રા, ઝાંસી, ગ્વાલિયર વગેરે સ્થળોમાં ફેલાયો હતો. વિપ્લવ દરમિયાન તાત્યાએ નાનાસાહેબને સંપૂર્ણ સહકાર આપી વારાણસી, અલ્લાહાબાદ વગેરે સ્થળોએ તેની સાથે મુસાફરી કરી હતી.

જૂન, 1857માં જનરલ હેવલોકે કાનપુરને ઘેરો ઘાલ્યો તે વખતે તાત્યા ટોપેએ મહત્વની કામગીરી બજાવી હતી; પરંતુ 16 જુલાઈ, 1857ના રોજ તેની હાર થતાં તાત્યા વિપ્લવવાદીઓ સાથે અયોધ્યા ગયો.

કાનપુર ઉપર હલ્લો કરવા માટે તેણે બિઠુરમાં પડાવ નાખ્યો હતો; પરંતુ તે અરસામાં જ 16 ઑગસ્ટ, 1857ના રોજ હેવલોકે બિઠુર ઉપર હુમલો કર્યો. તાત્યા અને તેના સાથીઓ બહાદુરીથી લડ્યા છતાં અંગ્રેજોની જીત થઈ. સિંધિયાના સૈન્યને પોતાની તરફેણમાં ફેરવી નાખવા માટે તાત્યા ટોપે અને નાનાસાહેબના ભત્રીજા રાવસાહેબ ગ્વાલિયર ગયા હતા. અને ત્યાર પછી તેમણે કાલ્પીમાં છાવણી નાખી હતી. 1857ના નવેમ્બરમાં કાનપુર ઉપર ચડાઈ કરી જનરલ વિનડેમનો પરાભવ કર્યો હતો અને કાનપુર શહેર કબજે કર્યું હતું, પણ થોડા જ દિવસોમાં સર કોલિન કૅમ્પબેલે અચાનક હલ્લો કરીને કાનપુર શહેર કબજે કર્યું. ફરી કાનપુર જીતવાનો તાત્યાએ પ્રયાસ કર્યો પણ તે નિષ્ફળ ગયો હતો; તેમ છતાં અંગ્રેજોને હેરાન કરવાના પ્રયત્નો તેણે છોડી દીધા ન હતા.

આ અરસામાં હ્યુ રોઝના નેતૃત્વ નીચે અંગ્રેજ સૈન્યે 22 માર્ચ, 1858ના રોજ ઝાંસીને ઘેરો ઘાલ્યો. તાત્યા તે વખતે લક્ષ્મીબાઈને સહાય કરવા ઝાંસી ગયો; પણ હ્યુ રોઝ પાસે તેનું કાંઈ ચાલ્યું નહીં. પછી તે વિપ્લવવાદીઓ સાથે ગ્વાલિયર ગયો. તાત્યા, રાવસાહેબ તથા લક્ષ્મીબાઈએ સાથે મળીને ગ્વાલિયર ઉપર હલ્લો કર્યો અને ગ્વાલિયર કબજે કર્યું અને નાનાસાહેબને પેશવા તરીકે જાહેર કર્યો, પણ સર હ્યુ રોઝે તે જીત તેમને પચવા દીધી નહીં. આ યુદ્ધમાં લક્ષ્મીબાઈનું મૃત્યુ થયું. તાત્યા ત્યાંથી નાસી છૂટ્યો. વખતોવખત તેણે લશ્કર એકઠું કરીને અંગ્રેજોને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. તેને પકડવા માટે અંગ્રેજોએ એક વરસ સુધી પીછો કર્યો હતો – 21 જૂન, 1858થી 9 ઑક્ટોબર, 1858 સુધી આ દોડધામ દરમિયાન જાવરા, અલીપુર, રાજગઢ, ઈસાગઢ ચંદેરી અને મંગ્રૌલી ગામે તાત્યાએ અંગ્રેજોનો સામનો કર્યો. 1858 ઑક્ટોબરની દસમી તારીખે મંગ્રૌલી ગામ પાસે તાત્યા ટોપેનો પરાભવ થયો. પીછેહઠ કરતાં લલિતપુર ખાતે તેનો રાવસાહેબ સાથે મેળાપ થયો. અંગ્રેજોએ તેનો પીછો કરતાં તે બંનેએ મહારાષ્ટ્રમાં આશ્રય લેવા પ્રયત્ન કર્યો અને નાગપુર, મંદસોર, ઝિરાપર થઈને કોટા રાજ્યના નાહરગઢ ગયા. ઇન્દ્રગઢમાં તેનો 13મી જાન્યુઆરી, 1859ના રોજ વિપ્લવવાદીઓના એક નેતા અને મુઘલ શાહજાદા ફિરોજશાહ સાથે ભેટો થયો. તાત્યા ટોપે અને ફિરોજશાહ દેવાસ ગયા. ત્યાં પણ અંગ્રેજોએ છાપો માર્યો. તાત્યાએ ફિરોજશાહનો સંગાથ છોડીને સિંધિયાના સરદાર માનસિંહનો આશ્રય લીધો, પરંતુ માનસિંહે વિશ્ર્વાસઘાત કરી તાત્યાના ખબર અંગ્રેજ સેનાપતિ મીડને આપતાં તેને કેદ કરવામાં આવ્યો. તેને પ્રથમ સિપ્રી લઈ જવાયો. તેણે છેવટ સુધી ધૈર્ય અને ગાંભીર્ય ત્યજ્યાં ન હતાં. સતત હાર થવા છતાં ઠેઠ સુધી તે અડગ રહ્યો હતો. તેને ફાંસી દેવામાં આવી હતી.

શિવપ્રસાદ રાજગોર