ઢાકા : ભારતનો પડોશી દેશ બાંગ્લાદેશનું પાટનગર, જિલ્લામથક અને દેશનું મહત્ત્વનું ઔદ્યોગિક નગર.

ભૌગોલિક સ્થાન – આબોહવા – વનસ્પતિ : તે 23 45´ ઉ. અ. અને 90 23´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. સમુદ્રની સપાટીથી 32 મીટરની ઊંચાઈએ આવેલું છે. સમગ્ર જિલ્લો સપાટ મેદાનો ધરાવે છે. જે ગંગાના મુખત્રિકોણમાં આવેલો છે. અહીં બુરહીગંગા, તુરાગ, ઢાલેશ્વરી, શીતાલકાશીયા, લાખ્યા વગેરે નદીઓ આવેલી છે. આ જિલ્લો ગાઝીપુર, ટંગાઇલ (Tangail), મુન્શીગંજ, રાજબારી, નારાયણગંજ અને માનીકગંજ જિલ્લાઓથી ઘેરાયેલો છે.

અહીંની આબોહવા ઉષ્ણકટિબંધીય સવાના પ્રકારની કહી શકાય. સરેરાશ તાપમાન 26 સે. છે. મે માસમાં તાપમાન 28 સે. જ્યારે જાન્યુઆરીમાં 19 સે. જેટલું રહે છે. સરેરાશ વરસાદ 2,123 મિમી. પડે છે.

આ વિસ્તારમાં મુખ્ય વૃક્ષોમાં સુંદરી (મૅંગ્રોવ), તાડ, નાળિયેરી, રોજોફરોશ, સોનેરિટા, ફીનિક્સ વગેરેનો સમાવેશ થાય છે. અહીંનાં વૃક્ષો ઊંચાં તથા હરિયાળાં રહે છે. આ જંગલોને દલદલીય જંગલો પણ કહેવાય છે. જિલ્લાનો વિસ્તાર 7459 ચો.કિમી. છે. જ્યારે વસ્તી (2024 મુજબ) આશરે 2.39 કરોડ છે.

ઢાકા (શહેર) : આ શહેર 26 41´ ઉ. અ. અને 85 10´ પૂ. રે. પર સ્થિત છે. બૃહદશહેરનો વિસ્તાર 270 ચો.કિમી. જ્યારે મેટ્રો શહેરનો વિસ્તાર 1600 ચો.કિમી. છે. અહીં ઉષ્ણકટિબંધીય સવાના પ્રકારની આબોહવા અનુભવાય છે. વર્ષાઋતુમાં ચક્રવાતને કારણે અહીં વરસાદ વધુ પડે છે. ઉષ્ણકટિબંધીય પ્રકારની વનસ્પતિ અને ભેજવાળી જમીન તે અહીંની લાક્ષણિકતા છે. ગંગાનો મુખત્રિકોણ પ્રદેશ નીચી ભૂમિવાળો છે. મૅંગ્રોવ વનસ્પતિની ડાળીઓ સમુદ્રમાં ઝૂકેલી રહે છે, પરિણામે ભરતી વખતે અહીંની પારિસ્થિતિકી વિશિષ્ટ પ્રકારની નિર્માણ પામે છે. પરિણામે સૂક્ષ્મજીવોનું ભક્ષણ કરવા નાના-મોટા મત્સ્ય ધસી આવે છે. વૃક્ષોની ડાળીઓ કિનારે ખૂંપાતી જતી હોવાથી ‘ચાપ’ આકારે વનસ્પતિ વૃદ્ધિ પામે છે. આ શહેર લગભગ સમુદ્રસપાટીને સમકક્ષ વિકસ્યું છે.

નદીઓ – સરોવર અને તળાવ : આ શહેર કુલ વિસ્તારના 10% વિસ્તારો જળસભર છે. 676 તળાવો અને 43 નહેરો આવેલી છે. બુરીગંગા નદી તે ઢાકા શહેરની નૈર્ઋત્યે વહે છે. જેની સરેરાશ ઊંડાઈ 7.6 મીટર, જ્યારે મહત્તમ ઊંડાઈ 18 મીટર જેટલી છે. આ દેશની સૌથી વધુ પ્રદૂષિત નદી ગણાય છે. આ શહેરની 6 નદીઓ આંતરિક રીતે એકબીજા સાથે સંકળાયેલી છે. નૈર્ઋત્યે બુરહીગંગા અને ઢાલેશ્વરી, ઉત્તરે તુરાગ અને ટોન્ગીખલ, પૂર્વે બાલુ અને શીતાલકાશીયા. આ નદીઓને કારણે વેપાર, પરિવહન અને પૂરના પાણીનો નિકાલ કરવા ઉપયોગી બને છે. આ શહેરનાં જાણીતાં સરોવરોમાં ક્રૅસન્ટ (Crescent), બરીધારાગુલશન, બનાની, ઉત્તરા, હતરીજહિલ, બેગુનબારી, પ્રીનોટરી અને રમના છે. આ શહેરનો સૌથી મોટો ઉદ્યાન રમના (Ramna) છે. આ સિવાય શૂરહાવાડી ઉદ્યાન, શિશુ પાર્ક, નૅશનલ બૉટેનિકલ ગાર્ડન, બલ્દાહ ગાર્ડન, ચંદ્રિમા ગાર્ડન, ગુલશન પાર્ક અને ઢાકા પ્રાણીસંગ્રહાલય વગેરે છે.

અર્થતંત્ર : આ શહેર ખેત-પેદાશો અને વિવિધ પ્રકારના ઉદ્યોગોનું મુખ્ય કેન્દ્ર છે. ડાંગર, શણ, સુતરાઉ કાપડ, તમાકુ, ખાંડ વગેરે ખેત-પેદાશોનું મોટું બજાર છે. શાકભાજી, મત્સ્યનું પણ વ્યાપારનું કેન્દ્ર છે. જૂનું ઢાકા શહેર ઐતિહાસિક વ્યાપારી કેન્દ્ર છે. ઢાકાનો મહત્તમ વિકાસ ઉત્તર તરફ જોવા મળે છે. ઢાકા શહેર તદ્દન આયોજન વગરનું છે. પરિણામે ઢાકાની 1/3 ભાગની વસ્તી ઝૂંપડપટ્ટીમાં વસે છે. દુનિયાની સુતરાઉ કાપડ, હોઝિયરી, દવાઓ બનાવતી, રેડીમેડ ગારમેન્ટ, સિમેન્ટ બનાવતી, તમાકુની બનાવટો બનાવતી અગ્રગણ્ય કંપનીઓ અહીંથી ઉત્પાદન કરે છે. તેનું મુખ્ય કારણ અહીં સૌથી સસ્તો માનવશ્રમ છે. ઢાકાની મોટા ભાગની સ્થાનિક કંપનીઓએ મૂડીરોકાણ વગર ફક્ત માનવશ્રમને આધારે ઔદ્યોગિક એકમો ઊભા કર્યા છે. ઢાકાની લાક્ષણિકતા એ છે કે રોડની બંને બાજુએ મોટા બજાર અને નાની દુકાનોમાં અનેક પ્રકારની ચીજવસ્તુઓ મળે છે. હવે અહીં ‘મૉલ’ બનવા લાગ્યા છે. જેમાં જમુના ફ્યુચર પાર્ક મૉલ સૌથી મહત્ત્વનો છે.

અહીં મોટા ઔદ્યોગિક વિસ્તારો આવેલા છે જેમાં તેજાગૉંવ, શ્યામપુર અને હઝારીબાગ છે. પરિણામે અહીં હોટલ, રેસ્ટોરન્ટ, ટેલિકૉમ્યુનિકેશન અને બૅન્કિંગ જેવાં સેવા આપનારાં કેન્દ્રો ઊભાં થયાં છે. શહેરના દક્ષિણ ભાગમાં મેટ્રોપોલિટન વિસ્તારમાં ‘Central Business Districts’ ઊભા કરાયા છે. આથી તો ઢાકા દક્ષિણ-પૂર્વ એશિયાનું સાંસ્કૃતિક, આર્થિક અને વૈજ્ઞાનિક બાબતોનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.

પરિવહન : દુનિયાનાં સૌથી ગીચ વસ્તી ધરાવતાં શહેરોમાં ઢાકાનો સમાવેશ થાય છે. આ શહેરમાં કાર 20 કિમી.ની ઝડપથી વધારે ગતિમાં ચલાવી શકાતી નથી. મોટે ભાગે અહીં પગરિક્ષા અને ઑટોરિક્ષાનો મહત્તમ ઉપયોગ થાય છે. રિક્ષામાં ઉંજણ તરીકે ‘CNG’ નો ઉપયોગ થાય છે.

આ શહેર પાકા રસ્તા, રેલમાર્ગ, જળમાર્ગ અને હવાઈ માર્ગની સુવિધા ધરાવે છે. બાંગ્લાદેશના મુખ્ય 8 રાષ્ટ્રીય ધોરી માર્ગોનો પ્રારંભ ઢાકાથી થાય છે. જેમાં N1, N2, N3, N5, અને N8. Asian Highway Networkના બે માર્ગો AH I અને AH II જે ઢાકા સાથે સંકળાયેલ છે. AH41 માર્ગ જે પૂર્વ ભારતનાં શહેરો સાથે સંકળાયેલ છે. ઢાકામાં બે Dhaka Elevated Expresswayનું નિર્માણ થઈ રહ્યું છે. ઢાકામાં સાઇકલરિક્ષાની સંખ્યા 4 લાખ કરતાં વધુ છે અને તેનો દરરોજ ઉપયોગ થાય છે. આથી આ શહેરને ‘સિટી ઑફ રિક્ષા’ કહે છે. જ્યારે ઑટોરિક્ષાની સંખ્યા 85,000 છે અને ટૅક્સી 18,000થી વધુ છે. અહીં ઉબેર અને પાથોનો ઉપયોગ વધ્યો છે. બાંગ્લાદેશ રોડ પરિવહનની બસોનો પણ લોકો ઉપયોગ કરે છે.

ઢાકામાં સરક્યુલર રેલવે અને મેટ્રો રેલવે છે. આ સિવાય ડેમુ ટ્રેન પણ છે. મોતીજહિલની ઈશાને કમાલપુર રેલવેસ્ટેશન આવેલું છે. જેનું નિર્માણ અમેરિકાના આર્કિટૅક્ચર રૉબર્ટ બાઉગેએ 1969માં કર્યું હતું. આ સિવાય બાંગ્લાદેશની રેલવે પણ છે. આ સ્ટેશન ચિત્તાગોંગ, રાજશાહી, ખુલના, સિલહટ અને રંગપુરના રેલવેસ્ટેશન સાથે સંકળાયેલ છે. ‘મૈત્રી એક્સપ્રેસ’ જે બાંગ્લાદેશના ઢાકા અને ભારતના કૉલકાતા શહેરને સાંકળે છે. ઢાકામાં મેટ્રો રેલની સેવા પણ ઉપલબ્ધ છે.

બુરહીગંગા નદી પર સરદારઘાટ ‘નદી બંદર’ આવેલું છે. આ નદીમાર્ગનો ઉપયોગ માલસામાન અને લોકોની અવરજવર માટે થાય છે. વૉટર બસ અને ફેરી સર્વિસ વહાણો દ્વારા થાય છે. સ્થાનિક લોકો અને પ્રવાસીઓ અહીંના આંતરિક જળમાર્ગનો મહત્તમ ઉપયોગ વહાણો દ્વારા કરતા હોવાથી તેને ‘પૂર્વના વેનિસ’ તરીકે ઓળખે છે.

ઢાકા શહેરનું હવાઈ મથક ‘હજરત શાહજલાલ’ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે, જે ઢાકાથી 15 કિમી. દૂર છે. બાંગ્લાદેશની ‘આંતરિક હવાઈ સેવા’ પણ ઉપલબ્ધ છે. જે બાંગ્લાદેશનાં મહત્ત્વનાં શહેરો સાથે સંકળાયેલ છે.

વસ્તી : એશિયાનાં સૌથી ગીચ વસ્તી ધરાવતાં શહેરોમાં ઢાકાનો પણ સમાવેશ થાય છે. ઢાકા મેટ્રોપોલિટન શહેરની વસ્તી (2022 મુજબ) 22 મિલિયન કરતાં વધુ છે. વસ્તીવધારાનો વાર્ષિક દર આશરે 3.3 ટકા છે. જે એશિયાનાં શહેરોમાં સૌથી વધુ છે. એવી ધારણા છે કે 2025માં ઢાકાની વસ્તી 25 મિલિયન હશે. શહેરમાં 3થી 5 હજાર જેટલી ઝૂંપડપટ્ટી વસાહતો આવેલી છે. બાંગ્લાદેશના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો રોજી-રોટી મેળવવા અહીં સ્થળાંતર કરે છે. આ શહેરનો કમરનગીરચાર (Kamrangirchar) વિસ્તાર સૌથી મોટો ઝૂંપડપટ્ટી વિસ્તાર છે. (ભારતના મુંબઈ શહેરનો ‘ધારાવી’ ઝૂંપડપટ્ટી વિસ્તાર) જ્યાં આશરે 6 લાખ લોકો વસે છે. વિશ્વમાં બંગાળી ભાષા સૌથી વધુ અહીં બોલાય છે (98%).  જ્યાર ઉર્દૂ ભાષાની ટકાવારી ફક્ત એક ટકો જ છે. અહીંની રાષ્ટ્રીય ભાષા બંગાળી છે. આ સિવાય ઢાકાઈયા કુટ્ટી, ચિત્તાગોનીયન અને સિલ્હટ ભાષા પણ બોલાય છે.

અહીં સાક્ષરતાનું પ્રમાણ 74.6% (2011 મુજબ) છે. ઇસ્લામધર્મીઓનું પ્રમાણ આશરે 96% છે. જ્યારે હિન્દુ અને ક્રિશ્ચિયનોની ટકાવારી અનુક્રમે 3.60% અને 0.55% છે.

બાંગ્લાદેશનાં અન્ય શહેરો કરતાં ઢાકામાં સૌથી વધુ શાળા, કૉલેજો અને યુનિવર્સિટી આવેલી છે. યુનિવર્સિટીઓની સંખ્યા 52 છે. સૌથી જૂની કૉલેજ ‘ઢાકા કૉલેજ’ છે. જેની સ્થાપના 1841માં બ્રિટિશરોએ કરી હતી. યુનિવર્સિટીઓમાં 23 સંશોધનકેન્દ્રો અને વિવિધ વિષયોના 70 વિભાગો આવેલા છે. એન્જિનિયરિંગ, ટૅકનૉલૉજી, ખેતી, મેડિકલ વિષયોની યુનિવર્સિટીઓ આવેલી છે. ભારતના નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને ઢાકાની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં 1930થી 1940ના સમયગાળામાં અભ્યાસ કર્યો હતો. ભારતના કવિ રવીન્દ્રનાથ ટાગોર પણ આ શહેરથી પરિચિત હતા.

આ શહેરમાં હિન્દુ-મુસ્લિમ બંને જાતિના લોકોના ઉત્સવો ઊજવાય છે. હિન્દુઓના દુર્ગા પૂજા, બુદ્ધપૂર્ણિમા, ક્રિશ્ચિયનોના ક્રિસમસ જ્યારે મુસ્લિમોના ઈદ-ઉલફિત્ર, ઈદ-ઉલ-અધા, ઈદ-ઈ-મિલાદુન્તબી, મહોરમ વગેરે. આ શહેરમાં મસ્જિદોનું પ્રમાણ વધુ હોવાથી તે ‘મસ્જિદોનું શહેર’ તરીકે પણ ઓળખાય છે. 21 ફેબ્રુઆરી મૈત્રી દિવસ, 26મી માર્ચ સ્વાતંત્ર્ય દિવસ, 16 ડિસેમ્બર વિક્ટરી દિવસની ઉજવણી સમગ્ર શહેરમાં થાય છે.

ઇતિહાસ : આ શહેરના નામ અંગે અનેક લોકવાયકા છે એમ મનાય છે કે ઢાક વૃક્ષનું પ્રમાણ અધિક હોવાથી ‘ઢાકા’ નામ પડ્યું હશે. એમ પણ મનાય છે કે ઢાકેશ્વરીમાતાનું મંદિર હોવાથી તે ઢાકા તરીકે ઓળખાયું. ઢાકાનો અર્થ ‘દેખરેખ રાખવાનો ઊંચો મિનારો’ (watch tower) પણ થાય છે. દક્ષિણ એશિયાના વસાહતીઓએ ઈ. સ. 600માં ગંગા અને મેઘનાની વચ્ચે ઢાકાનો પાયો નાખ્યો.

પ્રાચીન સમયમાં ઢાકા બીકરામપુર જિલ્લાનો ભાગ હતો. મુસ્લિમ શાસકોના સમયગાળામાં સોનારગૉંવ જિલ્લાનો ભાગ બન્યો. 16મી સદીના અંતભાગમાં મુઘલોનું વર્ચસ્વ સ્થપાયું. મોગલોનો પ્રથમ ગવર્નર ઇસ્લામ- ખાન હતો. તેણે મોગલ બાદશાહ જહાંગીરને સન્માનવા ઢાકાને ‘જહાંગીર નગર’ તરીકે ઓળખ આપી હતી. મોગલોના શાસનકાળમાં બંગાળ પ્રાંતનું ઢાકા પાટનગર બન્યું.  બંગાળમાં ઉત્પન્ન થતાં ડાંગર, ગળી, રેશમ અને સુતરાઉ કાપડનો વ્યાપાર જે મોગલોના માટે આધારરૂપ બન્યો હતો. આ સમયગાળામાં ઢાકાની મલમલ વિશ્વમાં વધુ પ્રસિદ્ધિ પામી હતી.

એક સમૃદ્ધ અને વિકસિત દરિયાઈ મથક હોવાથી અંગ્રેજો, ફ્રેંચો અને ડચ વ્યાપારીઓ આકર્ષાઈ અહીં આવ્યા હતા. 1857ના બળવા પછી આ વિસ્તાર બ્રિટિશ તાજ હેઠળ આવ્યો. વીસમી સદીની શરૂઆતમાં ઢાકા એક વ્યાપારી અને વિદ્યા કેન્દ્ર તરીકે વિકસિત થયું. 1947થી પૂર્વ પાકિસ્તાનનું વડું મથક બન્યું. 1971માં બાંગ્લાદેશના પાટનગર તરીકે તે વિશ્વના નકશા પર ઊપસી આવ્યું છે. જેના માટે ત્યાંના રાષ્ટ્રીય નેતા શેખ મુજીબર રહેમાનનો ફાળો મહત્ત્વનો હતો.

વાતાવરણીય પ્રદૂષણ : ઢાકા શહેરમાં વસ્તીનું ભારણ વધતાં હવા અને પાણીનું પ્રદૂષણ વધવા લાગ્યું છે. વિશ્વમાં સૌથી પ્રદૂશિત શહેરોમાં ઢાકા અગ્રસ્થાને છે. આ શહેરમાં વસતા લોકોના આરોગ્યનો પ્રશ્ન વધુ વિકટ બન્યો છે. ઔદ્યોગિક વિકાસ અને અમર્યાદિત વાહનોનો ધુમાડો હવાના પ્રદૂષણમાં વધારો કરતો રહ્યો છે. ગીચ વસ્તીને કારણે ઊંચી ઇમારતો ઊભી થતાં હવામાં ધૂળના રજકણો અધિક ઉમેરાતા રહ્યા છે. અહીંનું વાતાવરણ ભેજવાળુ હોવાથી જે આરોગ્ય માટે હાનિકારક બન્યું છે.

આવાસો, ફૅક્ટરીઓનું દૂષિત પાણી શુદ્ધ કર્યા વગર ઠલવાતું જતું હોવાથી જળપ્રદૂષણનું પ્રમાણ વધતું જાય છે. ઢાકામાં રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય પ્રદૂષણના સૂચિત આંક કરતાં અનેકગણું પ્રદૂષણ વધી ગયું છે. જેથી નદીમાં સ્નાન કરવું કે તરવું હિતાવહ નથી. આ પાણીમાં ધાતુના પરમાણુઓ, ક્ષારો, રંગ, ખરાબ બૅક્ટેરિયાનું પ્રમાણ પણ વધુ હોવાથી મત્સ્ય, ખેતીની પ્રવૃત્તિ માટે જોખમી બન્યું છે.

બંગાળી ભાષાની ચળવળ : બ્રિટિશ ધારાશાસ્ત્રી રસેલ ક્લિફે 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા ધર્મને અનુલક્ષીને પાડ્યા હતા. પાકિસ્તાન બે ભાગમાં વહેંચાયું હતું. પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન. પશ્ચિમ પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન મહંમદઅલી ઝીણા હતા. અને તેઓએ ઉર્દૂને રાષ્ટ્રીય ભાષા જાહેર કરેલી, પરંતુ પૂર્વ પાકિસ્તાનના નાગરિકોને ઉર્દૂ ભાષા સ્વીકાર્ય ન હતી. તેઓએ ભાષાના સંદર્ભમાં વિરોધ જાહેર કર્યો. જે ‘Bengali Language Movement’ તરીકે ઓળખાઈ. આ લડતમાં અનેક લોકો મૃત્યુ પામ્યા અને સેંકડો ઘવાયા  હતા. વિશ્વની આ પહેલી ચળવળ ગણાય છે કે જે ભાષાના મુદ્દા પર થઈ હતી. અંતે 1952માં પશ્ચિમ પાકિસ્તાની સરકારને પૂર્વ પાકિસ્તાનની મુખ્ય ભાષા બંગાળી સ્વીકારવી પડી. ઢાકા યુનિવર્સિટીએ 21 ફેબ્રુઆરી, 1952ના રોજ મુખ્ય ભાષા તરીકે તે જાહેર કરી. આ ચળવળમાં વિદ્યાર્થીનેતાઓ અબ્દુલ સલામ, અબુલ બરકર, રફીક ઉદ્દીન અહમદ, અબ્દુલ જબ્બાર અને શફી-ઉર રહેમાન જાણીતા નેતાઓનું મૃત્યુ થયું હતું.

નીતિન કોઠારી

નવનીત દવે