ઢાઢર : નર્મદાને મળતી ઉપનદી. તેની કુલ લંબાઈ 126 કિમી. છે. તે પાવાગઢની દક્ષિણે આવેલા ભીલપુરથી 48 કિમી. દૂર શિવરાજપુર નજીક આવેલી ટેકરીઓમાંથી નીકળે છે. તે વડોદરા જિલ્લાના વાઘોડિયા, ડભોઈ, વડોદરા, કરજણ અને પાદરા તાલુકાઓનાં ગામોમાંથી પસાર થાય છે. વડોદરા જિલ્લામાં તેની લંબાઈ 80 કિમી. છે. તેને વિશ્વામિત્રી અને દેવ નદીઓ મળે છે. વિશ્વામિત્રી નદી પાવાગઢ પાસેથી નીકળી કરજણ તાલુકાના પિંગલવાડા નજીક વડોદરાની દક્ષિણે 24.14 કિમી. દૂર ઢાઢરને મળે છે. દેવ નદી પંચમહાલ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના જીંજરી ગામેથી નીકળી ડભોઈ તાલુકાના અબદલપુરા ગામ પાસે ઢાઢરને મળે છે. સુર્વા, જંબુઆ અને રંગલ વિશ્વામિત્રીની ઉપનદીઓ છે.

ઢાઢર ઉત્તરથી દક્ષિણ તરફ વહી જંબુસર તાલુકાના વીરજઈ ગામ પાસે ભરૂચ જિલ્લામાં પ્રવેશે છે અને આમોદ તાલુકાના નવાગામ આગળ મહીના મુખથી 32 કિમી. દૂર ખંભાતના અખાતને મળે છે. ભરૂચ જિલ્લામાં તે આમોદ, જંબુસર અને વાગરા તાલુકાઓમાં વહે છે. આ જિલ્લામાં તેની લંબાઈ 46 કિમી છે. ઢાઢર ઉપર ગંધારનું નષ્ટપ્રાય બંદર આવેલું છે.

ઢાઢરમાં પાણી ઓછું રહેતું હોવાથી તે વહાણવટા માટે ઉપયોગી નથી. તે નદી ખંભાતના અખાતને મળે છે. ત્યાં ‘વચલા’ બેટ આવ્યો છે.

શિવપ્રસાદ રાજગોર