ડ્રીશ, હાન્સ ઍડોલ્ફ એડ્વર્ડ (જ. 18 ઑક્ટોબર 1867, બાદ ફ્યૂમેનાક; અ. 16 એપ્રિલ 1941, લાઇપઝિગ) : જાણીતા જર્મન પ્રાણીવિજ્ઞાની. તે પ્રાયોગિક ગર્ભવિજ્ઞાનના નિષ્ણાત અને પ્રાણ તત્વવાદ(vitalism)ના હિમાયતી હતા. ડ્રીશની માતા ઘરમાં અસામાન્ય એવાં પ્રાણીઓ પાળવાની શોખીન હતી. પરિણામે, બાળપણથી જ ડ્રીશ પ્રાણીવિજ્ઞાન તરફ આકર્ષાયા. હેકેલના માર્ગદર્શન હેઠળ યેનામાં ડૉક્ટોરલ સંશોધન કર્યું. હેકેલને જાતિવિકાસ(phylogeny)માં અત્યંત રસ હતો. ‘વસાહતી હાઇડ્રૉઇડ’ ડ્રીશનો સંશોધન વિષય હતો.
સંશોધન બાદ દસેક વર્ષ સુધી પ્રવાસ કરી, નેપલ્સમાં આવેલ આંતરરાષ્ટ્રીય પ્રાણીશાસ્ત્ર સંશોધનશાળામાં દરિયાઈ ઈંડાં પર અનેક પ્રયોગો કર્યા. સાગરગોટા(sea–urchin)ના ફલિતાંડના પ્રથમ વિભાજનથી ઉદ્ભવેલ બે કોષોને અલગ કરી, પ્રત્યેક કોષના વિકાસથી એક સ્વતંત્ર ડિમ્ભનું નિર્માણ કરવામાં તેઓ સફળ નીવડ્યા. ડ્રીશના આ પ્રયોગથી ‘પ્રાયોગિક ગર્ભવિદ્યા’ના વિજ્ઞાનને પ્રબળ પ્રોત્સાહન મળ્યું. બીજા એક પ્રયોગમાં બે ગર્ભોનું વિલયન (fusion) કરી તેના વિકાસથી એક વિશાળકાય ડિમ્ભનું સર્જન કર્યું. પ્રયોગ પરથી કોઈ એક સજીવના ફલિતાંડનાં કોષકેન્દ્રો સમકક્ષ હોય છે તે પુરવાર કરીને આધુનિક જનીનવિદ્યાનો પાયો નાખ્યો.
પ્રાણતત્વવાદના હિમાયતી તરીકે તેમણે સજીવોના વિકાસ માટે વિશિષ્ટ કારકો અગત્યનાં હોય છે તેવું પ્રતિપાદન કર્યું. ઉત્સેચકોને લીધે સજીવોનો વિકાસ થતો હોય એવો અભિપ્રાય ડ્રીશ ધરાવતા હતા.
તેઓ પ્રાકૃતિક વિજ્ઞાની તરીકે 1912માં હાડલબર્ગમાં જોડાયા. 1919માં તેમની બદલી કોલનમાં અને 1921માં લાઇપઝિગમાં થઈ. નાઝીઓએ ડ્રીશને 1935માં નિવૃત્ત થવાની ફરજ પાડી. પરંતુ મૃત્યુ સુધી તેમણે લેખનકાર્ય ચાલુ રાખ્યું હતું.
મ. શિ. દૂબળે