ડૉસ પૅસૉસ, જૉન (જ. 14 જાન્યુઆરી 1896, શિકાગો; અ. 28 સપ્ટેમ્બર 1970 બાલ્ટિમોર, મેરીલૅન્ડ) : અમેરિકન નવલકથાકાર. પોર્ટુગીઝ ઇમિગ્રન્ટ પિતા અને ક્વેકર (પ્યુરિટન) માતાનું સંતાન. 1916માં હાર્વડ યુનિવર્સિટીની સ્નાતકની ડિગ્રી મેળવીને પહેલા વિશ્વયુદ્ધમાં યુરોપમાં લશ્કરી તબીબી સેવામાં જોડાયા. એ યુદ્ધની અસર એમની પહેલી નવલકથા ‘વન મૅન્સ ઇનિશિયેશન’ (1920) પર તેમજ તે પછીની ‘થ્રી સોલ્જર્સ’ (1921) પર દેખાય છે. માકર્સ, વેબ્લન અને ગિબનના વિચારોથી પણ એ પ્રભાવિત થયેલા અને કેન્ટકીના સામાજિક કાર્ય દરમિયાન આમપ્રજા પર થતો અન્યાય જોઈને એમની ન્યાયવૃત્તિ જાગ્રત થઈ; પરંતુ થોડા સમય પછી ઉદ્દામવાદી વિચારધારામાંથી એમનો વિશ્વાસ ઓછો થઈ ગયો અને જીવનનો મોટોભાગ તેમની વિચારસરણીનો ઝોક રૂઢિચુસ્ત બની રહ્યો. પૅરિસમાં હતા ત્યારે અન્ય અમેરિકન લેખકોની માફક એ પણ ગર્ટ્રુડ સ્ટાઇનના પ્રભાવ નીચે આવ્યા અને એના પ્રતાપે જ એમનાં ગદ્યમાં કલ્પનવાદ (imagism) તથા ચેતનાપ્રવાહ(stream of consciousness)ની ટૅકનિકની અસર વરતાય છે.
તેમની નવલકથાઓ સમૂહકેન્દ્રી (collectivist) તરીકેના વિશિષ્ટ પ્રકારે જાણીતી છે. એ નવલકથામાં મુખ્ય ઝોક નાયક-નાયિકાની વાત પર નહિ પણ સમાજના કોઈ એક જૂથના જીવન પર હોય છે. પાત્રો જાણે માનવસમુદાયને દોરતાં બળોનાં વાહક લાગે. તેમની શરૂઆતની નવલકથા ‘સ્ટ્રીટ્સ ઑવ્ ધ નાઇટ’(1923)માં આવો જ પ્રયત્ન દેખાય છે. ‘મૅનહટન ટ્રાન્સફર’(1925)માં નવલકથાનાં સંખ્યાબંધ પાત્રો કરતાં ન્યૂયૉર્ક શહેર વધારે અગત્યનું બની રહે છે. એમાં અજમાવાયેલી ન્યૂઝરીલ અને સં-ચિત્રણા (montage) ટૅકનિકનો તેમણે ‘યુ.એસ.’(1937)માં વિશાળ ફલક પર પ્રયોગ કર્યો. ‘ફૉર્ટિસેકન્ડ પૅરેલલ’ (1930), ‘નાઇનટીન નાઇનટીન’ (1932) અને ‘ધ બિગ મની’ (1936) – એ નવલત્રયી તેમની સૌથી જાણીતી કૃતિ છે. ‘યુ.એસ.’માં એક મહાનગર જ નહિ, પરંતુ 1898થી 1929નાં વર્ષો દરમિયાનનું આખું અમેરિકા 12 મુખ્ય પાત્રો દ્વારા ઉપસાવવાનો મહત્વાકાંક્ષી પ્રયાસ છે. અમેરિકાના જાહેરજીવનની વ્યક્તિઓનાં જીવનકથાત્મક રેખાંકન, છાપાંનાં મથાળાં અને લોકપ્રિય ગીતોના ટુકડાના અડોઅડ ઉપયોગની ન્યૂઝરીલ ટૅકનિક અને કૅમેરાની આંખ જેવી ટૅકનિકનો એકસામટો પ્રયોગ થયો છે; જોકે આ શૈલીના બધા જ અખતરા સફળ થયા નથી. બીજી નવલત્રયી ‘ધ ડિસ્ટ્રિક્ટ ઑવ્ કોલમ્બિયા’-(1952)ના ત્રણ ભાગ, ‘ઍડ્વેન્ચર્સ ઑવ્ અ યંગ મૅન’ (1939), ‘નંબર વન’ (1943) અને ‘ધ ગ્રૅન્ડ ડિઝાઇન’(1949)માં અમેરિકાના જાહેર જીવનના રાજકીય અને સામાજિક પ્રવાહોનો ચિતાર છે. ‘મિડ સેન્ચરી’(1961)માં વળી પાછા તે પ્રયોગશીલ ટૅકનિકનો ઉપયોગ કરે છે.
નવલકથા ઉપરાંત ડૉસ પૅસૉસે એક કાવ્યસંગ્રહ ‘અ પુશકાર્ટ ઍટ ધ કર્બ’ (1922), નાટકો ‘થ્રી પ્લેઝ’ (1930), સ્પેનની કલા અને સંસ્કૃતિ વિશેના નિબંધો ‘રોઝિનૅન્ટ ઑન ધ રોડ’ (1922), પ્રવાસકથાઓ ‘ઇન ઑલ કન્ટ્રીઝ’ (1934), ‘સ્ટેટ ઑવ્ ધ નૅશન’ (1944), ‘ધ રૂટ ઑવ્ ડ્યૂટી’ (1946) અને ‘બ્રાઝિલ ઑન ધ મૂવ’ (1963) તેમજ સંખ્યાબંધ જીવનવૃત્તાંતો અને રેખાંકનો લખ્યાં જેમાં ‘ધ ગ્રાઉન્ડ વી સ્ટૅન્ડ ઑન’ (1940), ‘ધ મૅન હુ મેડ ધ નૅશન’ (1950), ‘ધ હેડ ઍન્ડ હાર્ટ ઑવ્ ટૉમસ જેફર્સન’ (1950) અને ‘મિ. વિલ્સન્સ વૉર’ (1962) નોંધપાત્ર છે.
ડૉસ પૅસૉસ બહુશ્રુત વિદ્વાન અને નવલકથાકાર ઉપરાંત ઇતિહાસકાર અને નિબંધકાર પણ હતા.
રશ્મિકાન્ત મહેતા