ડોસા, આણંદજી જમનાદાસ

January, 2014

ડોસા, આણંદજી જમનાદાસ (જ. 15 સપ્ટેમ્બર 1916, મુંબઈ; અ. 22 સપ્ટેમ્બર 2014, અમેરિકા) : ક્રિકેટની માહિતીના સંગ્રાહક અને ઉત્તમ આંકડાશાસ્ત્રી. મુંબઈની ન્યૂ ઇરા સ્કૂલ અને વિલ્સન કૉલેજમાં અભ્યાસ  કરતી વખતે ઓલ રાઉન્ડર તરીકે પ્રારંભિક બૅટ્સમૅન, મધ્યમ ગતિના ગોલંદાજ અને ચપળ ક્ષેત્રરક્ષક તરીકે કામગીરી બજાવી શ્રેષ્ઠ યુવા બૅટ્સમૅનનો ચંદ્રક મેળવ્યો હતો. પંચરંગી સ્પર્ધા તથા રણજી ટ્રૉફી સ્પર્ધામાં બારમા ખેલાડી તરીકે તેમની પસંદગી થઈ હતી. હિંદુ જીમખાના, ફૉર્ટ વિજય ક્લબ અને જૉલી ક્રિકેટર્સ તરફથી વર્ષો  સુધી ક્રિકેટ રમ્યા. 1932માં ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમના નાઓમલે સદી કરી અને પછીના દિવસે હજારો માઈલ દૂર આવેલા સિમલા નજીકના ધરમપુરમાં આણંદજીભાઈએ પેપરમાંથી સ્કોર કાપીને આંકડાઓ રાખવાનો પ્રારંભ કર્યો. ભારતમાં ખેલાતી ત્રિરંગી, ચતુરંગી અને પંચરંગી સ્પર્ધાઓમાં ભાગ લેતા ક્રિકેટરોની સંપૂર્ણ માહિતી એમની પાસે છે. આણંદજીભાઈ  પાસે રણજી ટ્રૉફી અને બીજી પ્રથમ કક્ષાની મૅચોના આંકડાઓનો સંગ્રહ છે. રસપ્રદ વિગતો, વિશાળ માહિતીસંગ્રહ, પ્રમાણભૂતતા માટેની ચોકસાઈ અને સહુ કોઈને મદદરૂપ થવા  તત્પર આણંદજીભાઈને ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન વિજય મરચન્ટે ‘ક્રિકેટનો વિશ્વકોશ’ કહ્યા હતા. ‘ઇન્ડિયન ક્રિકેટ ફીલ્ડ ઍન્યુઅલ’ના 1957થી 1964 સુધી સ્ટૅટિસ્ટિક્લ એડિટર તરીકે રહ્યા. રેડિયો પરની કૉમેન્ટરી સમયે એમના આંકડાઓ અને વિગતો અત્યંત રસપ્રદ રહેતાં હતાં. 1956–57થી રણજી ટ્રૉફી સ્પર્ધાની અને 1958–59થી ટેસ્ટ ક્રિકેટની કૉમેન્ટરી વખતે આંકડાશાસ્ત્રી તરીકે સેવા આપવાનું શરૂ કર્યું. 1954થી દર પખવાડિયે એમની રમત-સમીક્ષા આકાશવાણી પરથી પ્રસારિત થતી. અંગ્રેજીમાં ‘ક્રિકેટ ટાઇઝ’ અને ગુજરાતીમાં ‘આર્ટ ઑવ્ સ્કોરિંગ’ પુસ્તકનું લેખન કર્યું. ક્રિકેટના વિખ્યાત વાર્ષિકી ‘વિસ્ડન’ની ક્ષતિઓ પણ એમણે સુધારી છે. મુંબઈની રમતગમતની સૌથી સમૃદ્ધ કાંગા લાઇબ્રેરીના સ્થાપક સભ્ય, ભારતીય ક્રિકેટ બોર્ડના સ્ટૅટિસ્ટિક્લ કમિટીના 1974થી 1980 સુધી ચૅરમૅન તથા 1945માં શરૂ થયેલી સોસાયટી ઑવ્ સ્ટૅટિસ્ટિશિયન્સના સ્થાપક સભ્ય, તરીકે મહત્વની કામગીરી બજાવી. ગુજરાતના પ્રસિદ્ધ નાટ્યલેખક પ્રાગજી ડોસાના નાના ભાઈ અને રૂના વ્યવસાય સાથે જોડાયેલા આણંદજી ડોસાએ સ્થાપેલી જૉલી ક્રિકેટર્સ ક્લબનું અનેક ભારતીય ખેલાડીઓ સભ્યપદ ધરાવે છે.

આણંદજી જમનાદાસ ડોસા

કુમારપાળ દેસાઈ