અક્રમવિજ્ઞાન : દાદા ભગવાનની આત્મવિદ્યા અંગેની વિશિષ્ટ વિચારસરણી. ભાદરણ ગામના શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ(1907–1988)ને 1958માં સૂરતના રેલવે સ્ટેશન પર જે આત્મજ્ઞાન થયું તેને અક્રમવિજ્ઞાનને નામે ઓળખવામાં આવે છે. આ જ્ઞાન પછી તેમના દેહમાં જે આત્મસ્વરૂપ પ્રગટ્યું તેને ‘દાદા ભગવાન’ કહેવામાં આવે છે. આ જ્ઞાનનો એમણે 26 વર્ષ સુધી દેશ-વિદેશમાં ફરી પ્રસાર કર્યો. વાર્તાલાપ રૂપે વ્યક્ત થયેલ અક્રમવિજ્ઞાનને ‘આપ્તવાણી’ની ગ્રંથમાળામાં સંગૃહીત કરવામાં આવ્યું છે. અક્રમની વિચારસરણી પર જૈન દર્શનનો વ્યાપક પ્રભાવ પડ્યો છે. તેની મોટાભાગની પરિભાષા પણ જૈન દર્શનની છે. આમ છતાં દરેકનું અર્થઘટન મૌલિક રીતે કરવામાં આવ્યું છે.

અક્રમવિજ્ઞાન અનુસાર પ્રચલિત ધર્મો અને શાસ્ત્રોએ મોક્ષ માટે પ્રબોધેલા વિવિધ કર્મ, જ્ઞાન, ધ્યાન, ભક્તિ વગેરે માર્ગોમાં પાપ-પુણ્યનો ઉકેલ કરતાં કરતાં આત્મજ્ઞાનના ક્રમિક માર્ગે જવાનું હોય છે અને એ રીતે ક્રમશ: મોક્ષ સુધી પહોંચાય છે. પરંતુ વર્તમાન સમયમાં  તેમજ આવનારા કાળમાં આ માર્ગનું અનુસરણ અત્યંત મુશ્કેલ ગણાયું છે. બીજી બાજુ અક્રમ માર્ગ સંસારની આધિ, વ્યાધિ અને ઉપાધિ વચ્ચે સમાધિ રહે અને સદેહે મુક્તિનું સુખ અનુભવાય એવો છે. આ માર્ગે દોરવા દાદા ભગવાને એક કલાકની જ્ઞાનવિધિ પ્રયોજી છે. આ જ્ઞાનવિધિ દ્વારા સંક્રમિત જ્ઞાન સ્વયં ક્રિયાકારી થાય છે અને એ જ્ઞાન પામનાર ‘મહાત્મા’ના વ્યવહારમાં તેમજ તેની અંતર્દશામાં પરિવર્તન આવતું જાય છે. આમ પગથિયે પગથિયે ચડીને ‘કેવળ’ની સ્થિતિને પામવાની ક્રમપદ્ધતિને સ્થાને અક્રમ માર્ગે અર્થાત્ સીધા અનુભૂતિ દ્વારા આત્મજ્ઞાન પમાય છે. આ અક્રમ માર્ગના અનુસરણથી આત્મરમણતા ચાલુ થાય છે અને પૌદગલિક રમણતાનો અંત આવતો જાય છે. આ માર્ગમાં અંદરના શુદ્ધ સ્વરૂપનું ભાન પ્રથમ થાય છે અને પછી બહાર શુદ્ધિ થયા કરે છે. પામેલા જ્ઞાનના રક્ષણ માટે મહાત્માએ પાંચ આજ્ઞાઓનું પાલન અને નવ કલમોનું ચિંતન કરવું, સંસારનાં વિઘ્નોનાં નિવારણ અર્થે ત્રિમંત્ર (જૈનોનો નવકાર મંત્ર, વૈષ્ણવોનો ૐ નમો ભગવતે વાસુદેવાય અને શૈવોનો ૐ નમ: શિવાય)નો જપ કરવો તેમજ શુદ્ધાત્માની આનંદાનુભૂતિ અર્થે 8થી 48 મિનિટ સુધી ‘દાદા ભગવાનના અસીમ જયજયકાર હો’ એ કીર્તનભક્તિ (ધૂન) આવશ્યક ગણી છે.

અક્રમવિજ્ઞાનનો પાયો આત્મજ્ઞાન છે. તત્ત્વ પરત્વે અનાત્મા અને આત્મા જુદાં છે. અનાત્મતત્ત્વ જ પ્રકૃતિ અથવા જગત તરીકે રહેલું છે. જગતનો કોઈ કર્તા નથી, તે સ્વયંભૂ છે, અનાદિ છે અને અનંત છે. તે જડ હોવાથી યંત્રવત્ ચાલ્યા કરે છે. જડ જગતમાં પરમાણુઓનું પૂરણ અને ગલન થયા કરે છે એને જ પુદ્ગલ કહે છે. વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા (scientific circumstantial evidences) ભેગા થાય છે, જેમાંથી આ આખા જગતનું કાર્ય નિયમિતપણે ચાલ્યા કરે છે. આ નિયમિતતા જ ‘વ્યવસ્થિત શક્તિ’ને નામે ઓળખાય છે. આત્મા શુદ્ધ સ્વરૂપમાં સચ્ચિદાનંદ સ્વભાવવાળો છે. શુદ્ધાત્મા કર્તા નથી, ભોક્તા નથી. તે કેવળ પોતાના સ્વરૂપમાં જ્ઞાતા અને દ્રષ્ટા છે. સત્ત્વ, રજ અને તમ આ ગુણો પ્રકૃતિમાં  અનાત્મામાં રહેલા છે, આત્મામાં નથી. અલબત્ત, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ અને અનંત સુખ આવા અનંત ગુણો આત્માના સ્વગુણો છે. આમ જગતમાં ‘શુદ્ધાત્મા’ અને ‘સંયોગ’ બે જ વસ્તુ છે. એમાં આત્મા શાશ્વત છે, જ્યારે સંયોગો નિરંતર બદલાયા કરતા હોવાથી નશ્વર છે.

આત્મા અને પ્રકૃતિ વચ્ચે કંઈ સંબંધ નથી, પરંતુ અજ્ઞાનને લીધે આત્મા અને અનાત્મામાં સંબંધ બંધાય છે. આત્મા અહંકાર કરે છે અને પ્રકૃતિનો બોજો કારણ વગર પોતાના માથા પર લે છે અને એમાં ફસાઈ જાય છે. પ્રકૃતિ વ્યવસ્થિત શક્તિ દ્વારા બધું ચલાવે છે તોપણ અજ્ઞાનગ્રસ્ત આત્મા ‘હું કરું છું’ એવા ભ્રમમાં પડે છે અને તે જે કરે છે તે પ્રમાણે તેણે ભોગવવું પડે છે. ખરેખર આત્મા તો નિત્ય, શુદ્ધ, બુદ્ધ અને મુક્ત સ્વભાવનો જ છે પણ અજ્ઞાનને કારણે પોતાને અનિત્ય, અશુદ્ધ, અબુદ્ધ અને બદ્ધ સમજે છે. આત્માનું આ સ્વરૂપ અહંકારને લીધે ‘પ્રતિષ્ઠિત (mechanical) આત્મા’ તરીકે ઓળખાય છે. આમ જ્યાં જ્યાં આત્મા નથી ત્યાં ‘હું છું’ એવી પ્રતિષ્ઠા કરવાથી ‘પ્રતિષ્ઠિત આત્મા’ થાય છે. જગત જેને આત્મા કહે છે તે દરઅસલ (સાચો) આત્મા નથી પણ પ્રતિષ્ઠિત આત્મા છે. જ્ઞાનથી શુદ્ધાત્મા અને પ્રતિષ્ઠિત આત્મા બંને જુદા પડે છે. ત્યારપછી પ્રતિષ્ઠિત આત્મા કેવળ ગલન (discharge) સ્વરૂપે જ રહે છે. તેથી નવું બંધન થતું નથી.

આત્મા નથી દ્વૈત કે નથી અદ્વૈત. એ દ્વૈતાદ્વૈત છે. દ્વૈત અને અદ્વૈત બંને વિકલ્પો છે, જ્યારે આત્મા નિર્વિકલ્પ છે. દ્વૈત અને અદ્વૈત બંને દ્વંદ્વ છે, આત્મા દ્વંદ્વાતીત છે. ‘રિલેટિવ વ્યૂ-પૉઇન્ટ’થી આત્મા દ્વૈત છે અને ‘રિયલ વ્યૂ-પૉઇન્ટ’થી તે અદ્વૈત છે. તેથી આત્માને દ્વૈતાદ્વૈત કહ્યો છે. દેહ અને કેવળજ્ઞાન બંને છે ત્યાં સુધી જ એ દ્વૈતાદ્વૈત છે, પછી તો મોક્ષમાં કોઈ વિશેષણ હોતું નથી.

અક્રમવિજ્ઞાન પ્રમાણે ધર્મના બે પ્રકાર છે : મૂળ (real) અને સાપેક્ષ (relative). સાપેક્ષ ધર્મ એટલે મનના, વાણીના અને કાયાના ધર્મ. મૂળ ધર્મ એ સ્વધર્મ, આત્મધર્મ. જૈન, વૈષ્ણવ, ખ્રિસ્તી, ઇસ્લામ વગેરે બધા સાપેક્ષ ધર્મો છે, મૂળ ધર્મ તો આત્મધર્મ જ છે, જે એક જ છે. જેનો આત્મા સંપૂર્ણપણે પ્રકાશમાન થયો છે, ત્યાં જ આત્મધર્મ પ્રાપ્ત થઈ શકે. જપ, તપ, ત્યાગ, વ્યાખ્યાન, સામાયિક, પ્રતિક્રમણ એ બધા પ્રાકૃતધર્મો છે. જ્યાં સંપૂર્ણ આત્મધર્મ છે ત્યાં કેવળ જ્ઞાનક્રિયા છે ને કેવળ દર્શનક્રિયા છે જેનું પરિણામ કેવળ ચારિત્ર્ય છે. આત્મધર્મ કેફ ઉતારે છે અને પ્રાકૃતધર્મ કેફ ચઢાવે છે. પોતે જ્યારે સંપૂર્ણપણે નિષ્પક્ષપાતી થાય અને પોતાના એકેએક સૂક્ષ્મતમ સુધીના દોષો પણ જોઈ શકે તે જ મૂળ ધર્મમાં આવ્યા ગણાય.

અક્રમવિજ્ઞાન અનુસાર ધ્યાન એ કરવાની ચીજ નથી. ધ્યાન સહજપણે ઉત્પન્ન થાય છે. ચાર પ્રકારનાં ધ્યાન છે. કોઈ ગાળ દે ત્યારે અંદર અવળાં પરિણામ ઊભાં થાય. રૌદ્ર પરિણામ ઉત્પન્ન થાય તેને ‘રૌદ્રધ્યાન’ કહે છે. આના પરિણામની અસર પોતાને તેમજ સામાને પહોંચે છે. જ્યારે એ અસર કેવળ પોતાના સુધી જ સીમિત રહે અને અન્યને એની સહેજ પણ ઝાળ ન પહોંચે તે ‘આર્તધ્યાન’ છે; જેમ કે, મારું શું થશે ?  ભવિષ્યની ચિંતા એ આર્તધ્યાન છે. અસર ઉપજાવનારા પ્રસંગોમાં આ તો મારા જ કર્મનો ઉદય છે, સામો તો નિમિત્ત છે, નિર્દોષ છે એવું પરિણામ ઊભું થાય તે ‘ધર્મધ્યાન’ છે અને પોતાનું સ્વરૂપ શુદ્ધાત્મા છે એવું નિરંતર લક્ષમાં રહે અને સામામાં પણ શુદ્ધાત્માનાં દર્શન રહ્યા કરે તે ‘શુક્લધ્યાન’ છે. આર્ત, રૌદ્ર અને ધર્મધ્યાનમાં ધ્યાતા અહંકાર છે. શુક્લધ્યાનમાં અહંકાર હોતો નથી. કારણ કે શુક્લધ્યાન સ્વયં આત્મપરિણતિ છે.

ટૂંકમાં ક્રમિક માર્ગમાં પ્રકૃતિ ક્રમે ક્રમે સહજ થાય ત્યારે અંતે સહજ આત્મા પ્રાપ્ત થાય છે, જ્યારે અક્રમ માર્ગમાં જ્ઞાનદીક્ષા લેવાથી શુદ્ધાત્માનું લક્ષ્ય બેસી જાય છે પછી કેવળ પ્રકૃતિને સહજ કરવાની રહે છે. એ માટે પ્રકૃતિની જે જે ‘ફાઇલો’ કર્મના હિસાબે ઊભી થાય તેનો સમભાવે નિકાલ કરવાથી પ્રકૃતિ સહજ થતી જાય છે. અક્રમ માર્ગમાં આમ ત્યાગનું નહિ પણ ‘સમભાવે નિકાલ’નું જીવનસૂત્ર અપનાવવાનું હોય છે. અક્રમવિજ્ઞાન પામેલ વ્યક્તિ સંસારની સર્વે જવાબદારીઓ સંપૂર્ણ આદર્શમય રીતે અદા કરતાં કરતાં સહજતાથી મોક્ષમાર્ગે પ્રયાણ કરે છે.

અક્રમ વિજ્ઞાન એ કોઈ મત, ગચ્છ, સંપ્રદાય, પક્ષપાત સહિત આત્યંતિક મુક્તિની મંઝિલ નક્કી કરવાનું સહજ સરળ આંતર વિજ્ઞાન છે. એ ખોટ, ભ્રાંત માન્યતાઓને હટાવીને સાચા રસ્તે, સાચી રીતે પોતાના સુખ(આનંદ)ને અને પોતાની આઝાદી મેળવવાની અણમોલ તક આપે છે. લૌકિકની અવગણના કે ઉપેક્ષા આ વિજ્ઞાન કરતું નથી, પરંતુ લૌકિકને યથાર્થ સ્વરૂપમાં ખુલ્લું કરી આપે છે. પરિણામે આપણે જીવનને, સંસારને તેમજ વ્યવહારને એના યથાયોગ્ય રૂપમાં જોઈ શકીએ છીએ. આ વિજ્ઞાનની બીજી વિશેષતા એ છે કે એમાં રોજિંદા જીવનનો સ્વીકાર છે. સંસારવ્યવહારની, જીવનવ્યવહારની ભૂમિકા સ્વીકારવામાં જ્ઞાનદૃષ્ટિ છે. આ જ્ઞાનદૃષ્ટિ સ્વીકારવાથી ધર્મ, ભગવાન કે મોક્ષની વાત બાજુએ રાખીએ તો પણ આપણું જીવન સુખરૂપ બની શકે છે.

માણસમાત્ર જીવને સુખમય બનાવવા ઇચ્છે છે, છતાં એ બનાવી શકતો નથી. વસ્તુતઃ સંસાર સુખ-દુઃખ ભોગવવા માટે છે જ નહિ, પણ જીવન વિશેની અને સંસાર વિશેની અણસમજથી સૌ કોઈ દુઃખ ભોગવે છે. જીવનને સુખમય કરવા માટે પોતાની જરૂરિયાતો મર્યાદિત રાખવા અને પોતાને કુદરતના ગેસ્ટ – મહેમાન રૂપે સ્વીકારવાની વાત દાદાશ્રીએ કરી છે. મહેમાન જેમ વિનયથી વર્તે છે, કોઈને હેરાન-પરેશાન કરતો નથી, દુઃખ આપતો નથી, તેમજ બીજાનું સુખ જોઈને દુઃખી થતો નથી એવી રીતે જીવવાની રીત સ્વીકારવી જોઈએ. પારકા ખાતર જીવવું એ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. પશુ, વૃક્ષ વગેરે બીજા ખાતર જીવે છે, છતાં મેં કર્યું એવો કર્તાભાવ રાખતાં નથી. માણસના દુઃખનું મૂળ કર્તાભાવમાં છે.

અક્રમ આંતર વિજ્ઞાન દ્વારા દાદાશ્રીએ જીવનની સમસ્યાઓના જે સરળ, સ્પષ્ટ અને સચોટ ફોડ પાડ્યા તેમાં આ વિજ્ઞાનનું રહસ્ય ખુલ્લું થાય છે જેમકે –

  1. તમે આત્મ-સાક્ષાત્કાર ઇચ્છતા હો કે નહીં પણ એક સત્યને બરાબર સમજી લો કે તમારે સમસ્યા ઊભી કરવાની નથી, તેનો ઉકેલ લાવવાનો છે. તમને સુખી થવાનો અધિકાર છે, પરંતુ અન્યના સુખને ભોગે નહીં જ.
  2. પરમાત્મા સર્વ વ્યાપ્ત છે, એ જીવમાત્રમાં બિરાજેલ છે, પરંતુ મનુષ્યે બનાવેલા પદાર્થોમાંથી નથી. જો એ દરેક જીવમાં વ્યાપ્ત હોય તો તમે કોને સજા કે ઈજા કરશો ? કોને દુઃખ દેશો ?
  3. આંતર-ખોજ કરો. તમે જાણતાં કે અજાણપણે કોઈને દુઃખ દીધું હોય તો એનો સ્વીકાર કરી લો. પસ્તાવો કરો. ક્ષમા માગો અને આવી ભૂલ ફરીથી નહીં કરો એવી પ્રતિજ્ઞા લો.
  4. જગત તમારું જ પ્રતિબિંબ છે, તમે ભૂતકાળમાં કરેલ કર્મોનો એ પરિપાક છે. તમે વાવેલાં બીજનો એ ફાલ છે. બહુ વિનમ્રતાથી એને સ્વીકારી લો, એમાં તમારી શોભા છે.
  5. સંયોગો બદલાયા કરે છે. એ આવ્યા હશે એ જ પ્રકારે જતા રહેશે. એમાં દુઃખી ના થવાય.
  6. નિયમોની ચૂંથાચૂંથમાં સમય બરબાદ ન કરો. સમાધાન કરતાં શીખો. જેટલા નિયમો હશે, એટલા અપવાદો પણ હોવાના જ. માટે નિયમો સ્વીકારી લો.
  7. વિજ્ઞાનનાં સંશોધન કરવામાં કુદરતી નિયમોનો ભંગ ન લો. કુદરતને આધીન રહીને કામ કરો. કુદરતનો ક્રમ વિક્ષેપ ન પામે એની જવાબદારી સમજવી જોઈએ. માણસ મુક્ત રીતે વિચારવા અને વર્તન કરવા હકદાર છે પણ એ બધામાં હેતુ સમગ્ર માનવજાતનું કલ્યાણ હોવો જોઈએ. અને એમાં ક્યાંય કર્તાભાવનો અહંકાર હોવો જોઈએ નહીં.

દાદા ભગવાને પ્રબોધેલ આ વિજ્ઞાન-વારસાને સમજવાથી જે સૂઝ અને સમજણ પ્રાપ્ત થાય છે, જેનાથી મન, વાણી અને કાયા સહજ બની જાય છે, કર્તાપણાનો ખ્યાલ અદૃશ્ય થઈ જાય છે, પોતાના આત્માનું સાચું સ્વરૂપ સાચી રીતે સમજાઈ જાય છે અને મન, વાણી અને કાયાનાં બંધનો અદૃશ્ય થઈ જાય છે તેની સાથે મુક્તિ અનુભવાય છે.

 

પ્રવીણચંદ્ર પરીખ