ડૉનલીવી, જેમ્સ પૅટ્રિક

January, 2014

ડૉનલીવી, જેમ્સ પૅટ્રિક (જ. 23 એપ્રિલ 1926, બ્રૂકલીન, ન્યૂયૉર્ક) : આયરિશ અમેરિકન નવલકથાકાર અને નાટ્યલેખક. ન્યૂયૉર્કની પ્રાથમિક શાળામાં અભ્યાસ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નૌકાસૈન્યમાં નોકરીમાં રહ્યા. ત્યારબાદ ટ્રિનિટી કૉલેજ, ડબ્લિન(આયર્લૅન્ડ)માં કીટાણુશાસ્ત્ર વિષયનું શિક્ષણ લીધું. ડબ્લિનમાં સાહિત્યરસિકોના સહવાસમાં નવલકથા ‘ધ જિંજરમૅન’ (1955) લખાઈ. લેખકે પોતે જ આ નવલકથાનું નાટ્યરૂપાંતર લંડન અને ડબ્લિન માટે કર્યું જેમાં વ્યક્ત થયેલ પ્રહારક હાસ્ય(black humour)ની બોલબાલા થઈ. પ્રકાશકને 1959માં તેનું નાટ્યરૂપાંતર ડબ્લિનમાં પાછું ખેંચી લેવાની ફરજ પડી હતી. પરંતુ તે જ વર્ષમાં ઇંગ્લૅન્ડમાં તે ભજવાયું હતું.

જેમ્સ પૅટ્રિક ડૉનલીવી

1963માં ન્યૂયૉર્કવાસીઓએ તેને રંગભૂમિ પર જોયું હતું. ‘ધ જિંજરમૅન’ નવલકથાની સંશોધિત આવૃત્તિ 1965માં ન્યૂયૉર્કમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી.  આ કૃતિના નાયક સેબેસ્ટિયન ડેન્જરફીલ્ડ અને લેખક વચ્ચે કંઈક અંશે સામ્ય જોવા મળે છે. ઉભયના નૌકાસૈન્ય અને શિક્ષણના સ્વાનુભવમાં સામ્ય છે. આ કૃતિની જેમ જ તેમની અન્ય નવલકથાઓ અને નાટકો જિંદગીની હાસ્ય-કરુણ, અશ્ર્લીલ અને અસંગત સમસ્યાઓને રજૂ  કરે છે. ડૉનલીવીના  પ્રતિ-નાયકો (anti-heroes) અને તૂટક શૈલી એક નવી દુનિયાનું ચિત્ર ઉપસાવે છે જે લેખકની તિર્યક નજરે આલેખાયું છે. તેમણે આ પછી નાટક ‘ફેરી ટેલ્સ ઑવ્ ન્યૂયૉર્ક’ (1961) લખ્યું; ‘અ સિંગ્યુલર મૅન’  (1963); ‘ધ સૅડેસ્ટ સમર ઑવ્ સૅમ્યુઅલ એસ’ (1966); ‘ધ બીસ્ટલી બ્યૂટિટ્યૂડ્ઝ ઑવ્ બાલ્થેઝર બી’ (1968); ‘ધી ઑનિયન ઇટર્સ’ (1971), ‘અ ફેરી ટેલ ઑવ્ ન્યૂયૉર્ક’ (1973) (નાટકમાંથી નવલકથામાં રૂપાંતર), ‘ધ ડેસ્ટિનીઝ ઑવ્ દાર્સી ડાન્સર, જેન્ટલમૅન’ (1977) અને ‘શુલ્ત્ઝ’ (1979) એ નવલકથાઓ લખી.  તે બધાંનું તેમણે નાટ્યરૂપાંતર પણ કર્યું છે. ‘લૅયલા’(1983)માં દાર્સી ડાન્સરનાં વિશેષ સાહસો આલેખાયાં છે. આ ઉપરાંત ડૉનલીવીએ ‘મીટ માય મેકર, ધ મૅડ મૉલિક્યૂલ’ (1964) વાર્તાસંગ્રહ આપ્યો છે. તેમની ‘ધ અનએક્સપર્ગેટેડ કોડ’ (1975) રોજબરોજના જીવનવ્યવહારનું વક્રદર્શન કરાવતી ગદ્ય કૃતિ છે. આયર્લૅન્ડમાં પશુઓના ઉછેર સાથે સાહિત્યસર્જનની પ્રવૃત્તિમાં તેમનો સમય વ્યતીત થાય છે.

વિ. પ્ર. ત્રિવેદી