ડાકર : પશ્ચિમ આફ્રિકામાં કેપવર્ડ દ્વીપકલ્પના દક્ષિણ છેડે આટલાંટિક કિનારે આવેલું  સેનેગલનું  પાટનગર  અને મહત્વનું બંદર. ભૌગોલિક સ્થાન : 15° ઉ. અ., 17°–30´ પ. રે.. ગાંબિયા અને સેનેગલ નદીઓના મુખપ્રદેશ વચ્ચે તે આવેલું છે. વોલોફ લોકોની ભાષાના શબ્દ તથા લેબ્રુ લોકોના આ જ નામના ગામ ‘ડાકહર’ ઉપરથી આ નામ પડ્યું છે. તે દક્ષિણ અમેરિકાના પ્રદેશથી સૌથી નજીક અને તે દેશો સાથેના વેપારનું મહત્વનું કેન્દ્ર છે. તેની પૂર્વે આવેલાં માલી અને મોરેટાનિયા રાજ્યોનું તે પ્રવેશદ્વાર છે. વિસ્તાર 550 ચોકિમી. જેટલો છે.

તેની આબોહવા ઉષ્ણકટિબંધમાં આવેલા દેશો જેવી ભેજવાળી છે, પણ સમુદ્ર ઉપરથી વાતા પવનોને કારણે ત્યાં તાપમાન ઓછું રહે છે. અહીં સરાસરી જાન્યુઆરીનું તાપમાન 22.2° સે. અને જુલાઈનું 27.8° સે. રહે છે. એથી ઑક્ટોબર દરમિયાન 540 મિમી. વરસાદ પડે છે. તેની આબોહવા ખુશનુમા છે.

અહીં મગફળીનું મોટા પાયે વાવેતર થાય છે. અનાજમાં બાજરી અને મકાઈ તથા ફળો પૈકી કેળાં છે.

અહીં ટ્રકોના જુદા જુદા ભાગોનું જોડાણ, મગફળીનું પિલાણ તથા શુદ્ધીકરણ, જહાજોની મરામત, પ્રક્રિયા બાદ માછલીનું ડબામાં પૅકિંગ, ખાંડ, કાગળ, ચર્મઉદ્યોગ (પગરખાં), ઠંડાં પીણાં, રસાયણ, સાબુ, કાગળ વગેરે ઉદ્યોગો વિકસ્યા છે. હાન ખાતે ઔદ્યોગિક વસાહત છે.

ગોરીમાં દરિયાઈ સંગ્રહસ્થાન અને ડાકરમાં ઇતિહાસ, નૃવંશશાસ્ત્ર, પુરાતત્વનાં સંગ્રહસ્થાનો છે. પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટ તથા 1949માં સ્થપાયેલી ડાકર યુનિવર્સિટીનું તે મથક છે. ફ્રેન્ચ સંસ્કૃતિ અને સ્થાપત્યની અસર અહીં જોવા મળે છે.

ડાકર શહેરનો વ્યાપારી પ્રવૃત્તિઓથી વિકસિત એક ભાગ

અનેક દેશો સાથે જોડાયેલું હવાઈ માર્ગોનું આ ટર્મિનસ યુરોપ અને દક્ષિણ અમેરિકાના દેશો વચ્ચે વેપારવિનિમય માટે સેતુ સમાન છે. આ બંદર પરથી પેટ્રોલિયમ, યંત્રો વગેરેની આયાત અને મગફળી, મગફળીનું તેલ અને ફૉસ્ફેટની નિકાસ થાય છે. 1959થી તે ટ્યૂના માછલી પકડવા માટેનું બંદર બન્યું છે. 1866માં દક્ષિણ અમેરિકા જતી ફ્રેન્ચ સ્ટીમરો અહીં કોલસા લેવા થોભતી હતી. 1885માં સર્વપ્રથમ વેસ્ટ આફ્રિકન રેલવે સેન્ટ લુઈથી ડાકર સુધી અને 1924માં તે ફ્રેન્ચ સુદાન કે માલી સુધી લંબાવાઈ હતી.

ઇતિહાસ : અહીં યુરોપીય પ્રજાઓ પૈકી ડચો સર્વપ્રથમ વસ્યા હતા. તેમણે 1617માં ડાકર પૉઇન્ટ નજીકનો ગોરી ટાપુ કબજે કર્યો હતો. 1677માં આ ટાપુ ફ્રેન્ચોએ જીતી લીધો હતો. 1857 સુધીમાં સ્થાનિક લોકોના સામનાનો અંત આવ્યો હતો. આ જ વરસે ડાકર ખાતે ધક્કો બંધાવ્યો હતો. 1889માં તે ફ્રેન્ચ કૉમ્યૂન–ઇલાકો બન્યું. 1902માં ફ્રેન્ચ નૈર્ઋત્ય આફ્રિકાના ગવર્નર-જનરલનું તે નિવાસસ્થાન બન્યું. 1904માં સેન્ટ લુઈને બદલે ડાકર ફ્રેન્ચ પશ્ચિમ આફ્રિકાનું પાટનગર બન્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેનું મહત્વ વધ્યું હતું. 1940માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન તાબેદારી સ્વીકારનાર વીચી ખાતેની ફ્રેન્ચ સરકારને તેણે ટેકો અને સહકાર આપ્યા હતા. 1941માં બ્રિટિશ તથા સ્વતંત્ર ફ્રેન્ચ લશ્કરના હુમલાનો તેણે સામનો કર્યો હતો. 1943માં તે મિત્રરાજ્યો સાથે જોડાયું હતું. 1959–1960ના થોડા સમય દરમિયાન તે માલી સમવાયતંત્રનું પાટનગર બન્યું હતું, પણ આ જોડાણ અલ્પજીવી નીવડતાં 1960ના અંતભાગમાં તે સેનેગલના સ્વતંત્ર રાજ્યનું પાટનગર બન્યું હતું.

પાટનગરની વસ્તી 11,46,652 , જ્યારે મેટ્રો શહેરની વસ્તી 39,38,358 (2013) હતી.

શિવપ્રસાદ રાજગોર