ડલાસ : યુ.એસ.ના ટૅક્સાસ રાજ્યમાં આવેલું મહત્ત્વનું ઔદ્યોગિક અને વ્યાપારી નગર તથા સાંસ્કૃતિક કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 32o 46’ ઉ. અ. અને 96o 47’ પ. રે.. ટૅક્સાસ રાજ્યની ઈશાનમાં આવેલું આ નગર ડલાસ પરગણાનું મુખ્ય વહીવટી મથક છે. મેક્સિકોના અખાતથી આશરે 400 કિમી. અંતરે આવેલું આ શહેર સમુદ્રસપાટીથી 132–216 મી. ઊંચાઈ પર વસેલું છે. યુ.એસ.નાં મોટાં નગરોમાં તેની ગણના થાય છે. તેનો કુલ વિસ્તાર 1407 ચોકિમી. અને મહાનગર સાથે 9287 ચોકિમી. છે. શહેરની વસ્તી 13,04,371 (2020), અર્બન વસ્તી 61,00,000 (2020) અને મહાનગરની વસ્તી 76,37,380 (2020) જેટલી છે. કુલ વસ્તીમાં 25%થી 30% અશ્વેત પ્રજા છે. ટ્રિનિટી નદી તેને બે ભાગમાં વહેંચી નાખે છે.

જાન્યુઆરી માસમાં તેનું સરેરાશ તાપમાન 8° સે. તથા જુલાઈ માસમાં 29° સે. હોય છે. નગરનો સરેરાશ વાર્ષિક વરસાદ 880 મિમી. છે.

અમેરિકાનું તે ખૂબ ઝડપથી વિકસતું ઔદ્યોગિક નગર છે. ત્યાં આશરે 4000 નાનામોટા ઔદ્યોગિક એકમો છે. ત્યાંના મુખ્ય ઉદ્યોગોમાં વીજળીનાં ઉપકરણો, ઇલેક્ટ્રૉનિક્સ, પ્રક્ષેપાસ્ત્રોના છૂટા ભાગ, હવાઈ જહાજ તથા સ્ત્રીઓના પોશાકનું ઉત્પાદન કરતા એકમોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત યંત્રો, ખાદ્યપ્રક્રમણ, છાપકામ તથા પ્રકાશનને લગતા એકમો નોંધપાત્ર છે. તેની આસપાસ કપાસનું ઉત્પાદન મોટા પાયા પર થતું હોવાથી વિશ્વનાં મહત્વનાં કપાસ-બજારોમાં આ નગરની ગણના થાય છે. નગરની આસપાસના 800 કિમી. વિસ્તારમાં યુ.એસ.ના ખનિજતેલનો આશરે 75% હિસ્સો કેન્દ્રિત થયેલો હોવાથી તેને લગતી ઘણી કંપનીઓનાં  અને ઘણી વીમાકંપનીઓનાં મુખ્ય કાર્યાલયો તથા મોટી બૅંકો ત્યાં આવેલાં છે.

ટૅક્સાસ રાજ્યનું ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કેન્દ્ર ડલાસ નગર

ટૅક્સાસ રાજ્યનું તે મહત્વનું શૈક્ષણિક તથા સાંસ્કૃતિક કેન્દ્ર છે. ત્યાં બિશપ કૉલેજ (1881), બેલર સ્કૂલ ઑવ્ ડેન્ટિસ્ટ્રી (1905), સધર્ન મેથૉડિસ્ટ યુનિવર્સિટી (1911), યુનિવર્સિટી ઑવ્ ટૅક્સાસ, હેલ્થ સાયન્સ સેન્ટર (1943) તથા યુનિવર્સિટી ઑવ્ ડલાસ (1955) જેવી શિક્ષણ-સંસ્થાઓ જુદી જુદી વિદ્યાશાખાનું શિક્ષણ આપે છે. નગરમાં ઘણાં વસ્તુસંગ્રહાલયો, નાટ્યગૃહો, ઑપેરા-કેન્દ્રો, પાશ્ચાત્ય સંગીતની સંસ્થાઓ, ઉદ્યાનો વગેરે છે. ફૂટબૉલ, બેઝબૉલ તથા બાસ્કેટબૉલની રમતો માટે આ નગર જાણીતું છે. આ રમતોના ઘણા રમતવીરોનું  તે આશ્રયસ્થાન રહ્યું છે.

ત્યાંનું ફૂટવર્થ વિમાનમથક દેશના અત્યંત પ્રવૃત્તિશીલ ગણાતાં મથકોમાંનું એક ગણાય છે.

યુ.એસ.ના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્હૉન એફ. કૅનેડી(1961–63)ની આ નગરમાં જ હત્યા થઈ હતી.

ઇતિહાસ : જ્હૉન નીલી બ્રાયન નામના એક વકીલે 1841માં આ નગરની સ્થાપના કરી હતી. 1846માં ત્યાં વસવાટ શરૂ થયો. 1846માં ગામને નગર(town)નો દરજ્જો તથા 1871માં શહેરનો દરજ્જો પ્રાપ્ત થયો. 1865માં ફ્રાન્સમાંથી સ્થળાંતર કરી ત્યાં આવેલા ઘણા વૈજ્ઞાનિકો, કલાકારો, લેખકો, કવિઓ અને સંગીતકારોએ આ નગરમાં કાયમી વસવાટ કરવાનું નક્કી કર્યું અને ત્યારથી ધીમે ધીમે કલા અને સંસ્કૃતિના એક કેન્દ્ર તરીકે તેનો વિકાસ થયો છે. અમેરિકાના આંતરવિગ્રહ (1861–65) દરમિયાન તે સંઘીય લશ્કરનું પુરવઠાકેન્દ્ર હતું. ઓગણીસમી સદીના આઠમા દશકા દરમિયાન ત્યાં રેલવે આવતાં ત્યારપછીના ગાળામાં દેશના એક ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્ર તરીકે તેનો ઝડપથી વિકાસ થયો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે