ડફ, જેમ્સ ગ્રાન્ટ (જ. 8 જુલાઈ 1789, બૅમ્ફ, સ્કૉટલૅન્ડ; અ. 23 સપ્ટેમ્બર 1858) : અંગ્રેજ અમલદાર અને ઇતિહાસકાર. ઈ. સ. 1806માં તે બૉમ્બે નેટિવ ઇન્ફન્ટ્રીમાં લશ્કરમાં જોડાવા અધિકારી તરીકે મુંબઈ આવ્યા. તેમણે મરાઠા વિગ્રહ વખતે એક બહાદુર લડવૈયા તરીકે પોતાની શક્તિઓ બતાવી આપવાથી પુણેના અંગ્રેજ રેસિડેન્ટ માઉન્ટ સ્ટુઅર્ટ ઍલ્ફિન્સ્ટનનું તેમના પ્રત્યે ધ્યાન દોરાયું. ખાસ કરીને ભારતના લોકોનાં લક્ષણો, વિશિષ્ટતાઓ વગેરે સમજવામાં તેઓ ખૂબ સફળ થયા હતા. તેમને પોતાની રેજિમેન્ટના કૅપ્ટન તરીકે બઢતી આપવામાં આવી. ત્યારબાદ ઈ. સ. 1818માં તેમને મહત્વના મરાઠા રાજ્ય સતારાના રેસિડેન્ટ નીમવામાં આવ્યા. 1819ની સંધિ હેઠળ તેમણે સતારા રાજ્યનો સપ્ટેમ્બર, 1822 સુધી, રાજાના નામે વહીવટ પણ કર્યો. તે દરમિયાન તેમણે સતારાના જાગીરદારો સાથે સંધિઓ કરી હતી. સતારામાં રેસિડેન્ટ તરીકે તે 1825 સુધી રહ્યા. તે દરમિયાન તેમણે રાજ્ય, રાજકુટુંબ, મંદિરો તથા અન્ય સંસ્થાઓના અનેક દસ્તાવેજો ખંતપૂર્વક એકઠા કર્યા હતા. તબિયત બગડવાથી તેઓ સ્કૉટલૅન્ડ પાછા ફર્યા. ત્યાં તેમણે 1826માં દસ્તાવેજોના આધારે ‘હિસ્ટરી ઑવ્ મરાઠાઝ’ નામનો પ્રમાણભૂત ગ્રંથ પ્રસિદ્ધ કર્યો. તેમના એક પુત્ર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન 1868–74 દરમિયાન ભારતના ઉપસચિવ તથા 1880–81માં ચેન્નાઈના ગવર્નર હતા.

ગ્રાન્ટ ડફ મરાઠી ભાષા જાણતા હતા, પરંતુ તે મોડી લિપિ વાંચી શકતા હતા કે નહિ તે શંકાસ્પદ છે. તેમણે પોતાના ઇતિહાસમાં મરાઠી બખરનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તેમણે હસ્તપ્રતનું નામ જણાવ્યું નથી. ચિટનીસ બખર માટે તેમણે ‘અર્થહીન સમૂહ’ શબ્દો વાપર્યા હતા અને તેમના ઇતિહાસમાં તેનો સારી પેઠે ઉપયોગ કર્યો હતો.

જાણીતા મરાઠી ઇતિહાસકાર રાજવાડેએ ડફના આ ઇતિહાસ પ્રત્યે ગુસ્સે થઈને જણાવ્યું કે તે બખરોની સુધારેલી આવૃત્તિ છે. તેનો મરાઠી ભાષામાં અનુવાદ થયો ત્યારે તેનું શીર્ષક અનુવાદકે ‘મરાઠ્યાંચી બખર’ રાખ્યું હતું.

ડફ જાણતા હતા કે પર્સિયન સ્રોતો વાંચ્યા વિના મરાઠાઓનો શરૂઆતનો ઇતિહાસ લખી શકાય નહીં. તેણે ફરિશ્તા, ખાફીખાન, અબુલ હુસેન કાજીનો બીજાપુરનો ઇતિહાસ વગેરે સ્રોતોનો પણ ઉપયોગ કર્યો હતો. ડફે તેમના ઇતિહાસનો મુસદ્દો તૈયાર કરતી વખતે ઘણા વિદ્વાનોની કૃતિઓ વાંચી હતી અને બનાવો પ્રત્યક્ષ જોનારને મળ્યા હતા. તેમની હસ્તપ્રત ઍલ્ફિન્સ્ટન, મુંબઈનો વિલિયમ એર્સકીન, ખાનદેશનો કલેકટર, જાન બ્રિગ્સ, મુંબઈની લિટરરી સોસાયટીના સેક્રેટરી વાન્સ કૅનેડી વાંચી ગયા હતા. ગ્રાંટનો ઇતિહાસ સૌપ્રથમ 1926માં પ્રગટ થયો ત્યારે તેને સારો આવકાર મળ્યો ન હતો. તેની હસ્તપ્રત વાંચનાર જૉન બ્રિગ્સ અને વાન્સ કૅનેડીને તે ઇતિહાસ સંતોષકારક લાગ્યો ન હતો. ઇતિહાસકાર રાજવાડેએ ગ્રાંટ ડફના ઇતિહાસમાં અનેક હકીકતદોષ તથા ઘણી વિગતો રહી ગયેલી દર્શાવી છે. તેણે આ ઇતિહાસને અપૂર્ણ આધારહીન અને મુખ્યત્વે બખરો તથા તવારીખો જેવા ગૌણ સ્રોતો પર આધારિત દર્શાવ્યો છે. રાજવાડે માનતા હતા કે ગ્રાંટ ડફ ઇતિહાસકારના કાર્ય માટે સજ્જ ન હતા. ગ્રાંટ પોતાની મર્યાદાઓ જાણતા હતા, તેમણે સ્વીકાર્યું છે કે પોતે તાલીમબદ્ધ ઇતિહાસકાર ન હતા. તેમના ઇતિહાસની બીજી આવૃત્તિ 1863માં, ત્રીજી આવૃત્તિ 1873માં, ચોથી આવૃત્તિ 1878માં, પાંચમી આવૃત્તિ 1912માં અને છેલ્લી આવૃત્તિ 1921માં ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રગટ થઈ હતી. તેનો મરાઠી અનુવાદ ‘મરાઠ્યાંચી બખર’ની પણ છ આવૃત્તિઓ થઈ હતી.

જયકુમાર ર. શુક્લ