ટ્રેપેસી (Trapaceae) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું માત્ર એક જ પ્રજાતિ ધરાવતું કુળ. આ કુળની વનસ્પતિ–શિંગોડાં–મીઠા પાણીમાં સપાટી ઉપર મુક્ત રીતે તરતી એકવર્ષાયુ શાકીય સ્વરૂપે જોવા મળે છે. મૂળ ઝૂમખામાં ઉત્પન્ન થાય છે. રંગે લીલાં પરિપાયી (assimilatory) પર્ણો : વિષમ સ્વરૂપી (heteromorphic), નિમગ્ન પર્ણો ખંડિત, તંતુ જેવાં; સપાટી ઉપરનાં પર્ણો પાસાવત્, કદમાં મોટાં, ચક્રાકારે ગોઠવાઈ પર્ણચિત્રક્રમ (leaf mosaic) બનાવે છે. પર્ણો સાદાં, અનુપપર્ણીય, પર્ણદંડ ફૂલેલો વાદળી જેવો અગ્રભાગેથી સાંકડો, જેનાથી વનસ્પતિ પાણી ઉપર તરી શકે છે. પર્ણદંડ ઉપર એકરેખીય બહુકોષી રોમ હોય છે. પુષ્પો એકાકી, દ્વિલિંગી, નિયમિત, ચતુરવયવી પરિજાયી, કદમાં નાનાં અને સફેદ રંગનાં; વજ્રપત્રો 4, જોડાઈને નલિકા બનાવે, જે ટૂંકી અને તલસ્થ ભાગેથી બીજાશય સાથે જોડાયેલી હોય છે. દલપત્રો 4, મુક્ત બીજાશયના ઉપરના ભાગે ગોઠવાયેલા પુંકેસરો 4, એકચક્રમાં ગોઠવાયેલાં, મુક્ત, પરાગાશયો દ્વિકોટરીય, બીજાશય અધ: અધ:સ્થ, સ્ત્રીકેસરો 2, યુક્ત સ્ત્રીકેસરી, બીજાશય દ્વિકોટરીય, પ્રત્યેક કોટરમાં એક અંડક આવેલું. એક અંડક અવિકસિત રહે છે. અંડક બીજાશયના કોટરમાં અંદરના ખૂણા ઉપરથી લટકતું રહે છે. પરાગવાહિની નીચેથી પહોળી, અગ્રસ્થ ભાગેથી ક્રમશ: સાંકડી થતી જાય છે. ફળ પાષાણવત્ અષ્ઠિલ પ્રકારનું, ઊંધા પિરામિડ આકારનું, ફલાવરણ માંસલ જે વિકાસના શરૂઆતના તબક્કામાં ખરી પડે. અંત:ફલાવરણ કાષ્ઠમય, સ્થાયી વજ્ર ચાંચની જેમ તીક્ષ્ણ શિંગડાં જેવી રચના બનાવે તેથી તેને શિંગોડાં કહે છે. બીજ એક ઊંધું, બે અસમાન બીજપત્રો ધરાવતું, એક બીજપત્ર કાંજીથી ભરપૂર, જ્યારે બીજું ખાલી શલ્કીય. બીજાંકુરણ વખતે કાંજીથી ભરપૂર મોટું બીજપત્ર જમીનમાં રહે છે, જ્યારે નાનું અક્ષની સાથે જમીનની ઉપર આવે છે.
આ કુળનું વિતરણ મધ્ય અને દક્ષિણ પૂર્વ યુરોપ તેમજ સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય એશિયામાં થયેલું છે. જેમાં ત્રણ જાતિઓ Trapa bispinosa, Roxb (શિંગોડાં), T. maximowiczii, Korsh, અને T. natans Linn નો સમાવેશ કરવામાં આવ્યો છે. વધારે પ્રચલિત મંતવ્ય મુજબ આ પ્રજાતિ એક જ જાતિની બનેલી છે, જે બહુરૂપકતા દર્શાવતી હોવાથી તેના ઘણા વાનસ્પતિક પ્રભેદો (varieties) જોવા મળે છે.
આ કુળ ઓનેગ્રેસીથી એધારહિત વાહીપુલો, સૂચિસ્ફટ(raphede)ની હાજરી, અધ:સ્થ, દ્વિકોટરીય બીજાશય, 8-કોષીય ભ્રૂણપુટ, ભ્રૂણપોષનો અભાવ, સોલેનેડ પ્રકારનો ભ્રૂણવિકાસ, બાહ્ય રીતે વિકસેલાં નિલંબીય ચૂષકો, અસમાન બીજપત્રો વગેરે લક્ષણોથી જુદું પડે છે. આ કુળનો ઉદભવ ઓનેગ્રેસીમાંથી અવનતિ(reduction)ને કારણે થયો હોવાનું મનાય છે.
તેનું ફળ શેકીને ખવાય છે. તેના અનેક ઔષધીય ગુણધર્મો પણ છે. ફળનાં અશ્મિ ટર્શિયરીકાળમાં મળી આવ્યાં હોવાથી અતિપ્રાચીન કુળ છે.
જૈમિન વિ. જોશી