ટ્રેડસ્કન્શિયા : એકદળી વર્ગના કોમ્મેલીનેસી કુળની શાકીય પ્રજાતિ. તે મેક્સિકોની મૂલનિવાસી છે.

ઉચ્ચાગ્ર ભૂશાય Tradescantia zebrena, Hort, (wanderingjew) syn. Zebrina pendula Schnize. નાની અધ:પતિત (decumbent) બહુવર્ષાયુ શાખિત જાતિ છે. તે જમીન પર પથરાઈ જાય છે અને લટકતી છાબમાં સુંદર દેખાય છે. પર્ણો  લાંબાં, અંડાકાર, નીચેની સપાટીએથી રોમિલ, અણીદાર, 7થી 8 સેમી. લાંબાં, 3થી 4 સેમી. પહોળાં ઉપરથી આછાં-ઘેરાં લીલા રંગનાં પટ્ટાવાળાં અને નીચેથી જાંબલી હોય છે.

T. discolor, Herit, syn. Rhoeo discolor, Hance ટૂંકા પ્રકાંડવાળી (30 થી 40 સેમી.) વામન શાકીય જાતિ છે. તેનાં પર્ણો લાંબાં, સાંકડાં, ભાલાકાર (lanceolate) અને જમીનમાંથી નીકળતાં હોય તે રીતે ફેલાય છે. તે ઉપરથી લીલાં અને નીચેથી જાંબલી રંગનાં હોય છે. પર્ણ તોડતાં અવાજ થાય છે, તેથી તેને ‘કડક બીજલી’ કહે છે. શૈલઉદ્યાનમાં અને કૂંડામાં શોભાની વનસ્પતિ તરીકે તેમજ પુંકેસરીય રોમમાં થતા જીવરસના પરિવહન(circulation)ના નિદર્શનમાં ઉપયોગી છે. તેથી પ્રયોગશાળામાં તે ખાસ દર્શાવવામાં આવે છે.

આ સિવાય T. verginiana, L., T. fuscata, T. regina, T. aureostriata વગેરે જાતિઓ થાય છે.

મ. ઝ. શાહ