ટ્રેબિયેટેડ : સ્તંભ અને પાટડીની રચના દ્વારા ઇમારતનું માળખું ઊભું કરાય ત્યારે તે જાતની બાંધણીને ગ્રીક સ્થાપત્યમાં આપવામાં આવેલું  નામ. આ જાતની બાંધણી  દીવાલો અને કમાનાકાર રચનાથી તદ્દન અલગ હોય છે. આ પદ્ધતિમાં આધારોની સંખ્યા મર્યાદિત કરી શકાય છે, જેથી ફરસનો વિસ્તાર ગમે તે દિશામાં વિના વિઘ્ને કરી શકાય છે. ભારતીય મંદિરોના સ્થાપત્યમાં થતી મંડપોની રચનાને આ પદ્ધતિ સાથે સરખાવી શકાય. ગૂઢ મંદિરો ફક્ત દીવાલો  દ્વારા રચવામાં આવે છે. ગ્રીકસ્થાપત્યમાં પથ્થરના બહોળા ઉપયોગથી આવી પદ્ધતિ ખૂબ જ વિકસેલી હતી. ઇમારતોની રચનામાં સ્તંભોના આયોજન દ્વારા જુદા જુદા પ્રાંતોની આગવી પ્રણાલી અમલમાં આવેલી; જેમ કે, ડોરિક, આયોનિક, કોરિન્થિયન વગેરે.

રવીન્દ્ર વસાવડા