ટ્યૂનિસિયા : ઉત્તર આફ્રિકાનું સૌથી નાનું રાજ્ય. તે 29° 54´ અને 37° 21´ ઉ. અ. તથા 7° 33´ અને 11° 38´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેની ઉત્તર અને પૂર્વ દિશાએ ભૂમધ્ય સમુદ્ર, અગ્નિ ખૂણે લિબિયા તથા નૈર્ઋત્ય ખૂણે અને પશ્ચિમે અલ્જિરિયા છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 780 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 378 કિમી. છે. તે જિબ્રાલ્ટર અને સુએઝ નહેરની વચ્ચે આવેલા પ્રદેશના મધ્ય ભાગમાં વસેલું છે. સિસિલીની બોન ભૂશિર તેનાથી 139 કિમી. દૂર છે. તેના દરિયાકિનારા નજીક નાના બેટો આવેલા છે. તેનું કુલ ક્ષેત્રફળ 1,64,150 ચોકિમી. તથા વસ્તી 1.25 કરોડ (2024) છે. વસ્તીની ગીચતા પ્રતિ ચોકિમી. 51 છે. કુલ વસ્તીના 54 ટકા શહેરી વિસ્તારમાં તથા 46 ટકા ગ્રામ વિસ્તારમાં વસે છે. તેની મુખ્ય રાજ્યભાષા અરબી છે. ટ્યૂનિસ તેનું પાટનગર છે.

ટ્યૂનિસિયાના ઉત્તર કિનારે સાંકડી નીચાણવાળી પટ્ટી છે. નીચાણવાળા આ ભાગની દક્ષિણે ઍટલાસ ગિરિમાળા છે, જે અલ્જિરિયા સુધી વિસ્તરેલ છે. ઍટલાસ પર્વતના રેલ ઍટલાસ અને સહરા ઍટલાસ એવા બે ભાગ છે. તેનું સર્વોચ્ચ શિખર જેબલ ચંબી 1,544 મી. ઊંચું છે, જ્યારે બીજું શિખર જેબલ ઝાગવાન 1295 મી. ઊંચું છે. ઍટલાસ પર્વતમાળાની દક્ષિણે 600 મી.થી વધુ ઊંચો ઉચ્ચપ્રદેશ આવેલો છે. ઉચ્ચપ્રદેશની દક્ષિણે આવેલો ભાગ નીચો અને રેતાળ છે. ટ્યૂનિસિયાના એક-તૃતીયાંશ ભાગમાં સહરાનું રણ છે. ટ્યૂનિસિયાની સૌથી લાંબી નદી મેજર્દા છે. તેનું પાણી ટ્યૂનિસના અખાતમાં ઠલવાય છે.

ઉત્તર ટ્યૂનિસિયાની આબોહવા ભૂમધ્ય સમુદ્રના કુદરતી પ્રદેશ જેવી છે. શિયાળો સમધાત અને ભેજવાળો છે. અહીં શિયાળામાં વરસાદ પડે છે; જ્યારે ઉનાળો લાંબો, ગરમ અને સૂકો હોય છે. સરેરાશ વાર્ષિક વરસાદ 430 મિમી. પડે છે. ઑક્ટોબરથી એપ્રિલ દરમિયાન સરેરાશ વાર્ષિક તાપમાન જાન્યુઆરીમાં 9° સે. અને ઑગસ્ટમાં 21° સે. રહે છે. ઍટલાસ ગિરિમાળાના પ્રદેશમાં પર્વતની ઊંચાઈને કારણે વધારે ઠંડી પડે છે અને વરસાદ 750 –1250 મિમી. પડે છે. ટ્યૂનિસિયાનો મધ્યભાગ વેરાન છે. તે સ્ટેપ પ્રદેશ જેવી આબોહવા ધરાવે છે. તેના ઉત્તર ભાગમાં સરેરાશ 360 મિમી. વરસાદ અને દક્ષિણ ભાગમાં 200 મિમી. વરસાદ પડે છે. અહીં ટૂંકું ઘાસ અને કાંટાવાળા છોડ જોવા મળે છે. સ્ટેપ પ્રદેશમાં શિયાળામાં સરાસરી તાપમાન 10° અને ઉનાળામાં 27° સે. રહે છે. ચોટ્ટ-જેરીડ અને ગાબસ અખાતના પ્રદેશમાં 75 મિમી.થી પણ ઓછો વરસાદ પડે છે. અહીં રણ જેવી સ્થિતિ છે. માત્ર છૂટાંછવાયાં વરસાદનાં ઝાપટાં પડે છે અને ઘાસ ઊગી નીકળે છે. અહીં સરાસરી તાપમાન શિયાળામાં 10° અને ઉનાળામાં 32° સે. રહે છે.

ખેતીમાં જવ, ઘઉં, ઑલિવ, લીંબુ, સંતરાં, મોસંબી, ખજૂર, શેરડી, દ્રાક્ષ, બીટ, જરદાળુ, પેર, સફરજન, પીચ, અંજીર, દાડમ, બદામ, પિસ્તાં અને ઍસ્પાર્ટો ઘાસ થાય છે. મોટાં ખેતરોમાં યંત્રોનો ઉપયોગ થાય છે; પણ 90 ટકા ખેડૂતો જમીનના નાના ટુકડા ધરાવે છે. અનિશ્ચિત અને ઓછા વરસાદને કારણે પાક ઓછો આવે છે. બે લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળી શકે તેમ છે. મધ્ય ભાગ અને દક્ષિણમાં પશુપાલન મુખ્ય ધંધો છે. કિનારાના પ્રદેશ તથા સરોવરોમાં મચ્છીમારી થાય છે.

પેટ્રોલિયમ, સીસું, લિગ્નાઇટ અને રૉક-ફૉસ્ફેટ મુખ્ય ખનિજો છે. અહીંથી પેટ્રોલિયમનું ઉત્પાદન લેવાય છે. લોહઅયસ્ક, જસતઅયસ્ક અને મીઠું થોડા પ્રમાણમાં મળે છે.

પ્રક્રમણ કરેલ ખોરાકી ચીજો તથા મદ્ય ઉપરાંત કાપડ, ખાતર, રસાયણ, મોટર, સિમેન્ટ, કાગળ, સિગારેટ, ખાતર, ચર્મ, દવા વગેરે ઉદ્યોગો વિકસ્યા છે. ઉદ્યોગોનો  વાર્ષિક સરેરાશ વૃદ્ધિદર 4.5 ટકા છે. ટ્યૂનિસ નજીક કાર્થેજના પ્રાચીન અવશેષોને લીધે પ્રવાસન-ઉદ્યોગ પણ વિકસ્યો છે. પ્રાકૃતિક સાધનોની બાબતમાં દેશ સમૃદ્ધ ન હોવા છતાં તેની આસપાસના દેશોની સરખામણીમાં તેનું અર્થતંત્ર સમતોલ છે.

યંત્રો, ક્રૂડ અને પેટ્રોલ, અનાજ, મોટર, ઇમારતી લાકડું, રૂ અને સૂતરની આયાત  થાય છે; જ્યારે કાપડ, તૈયાર કપડાં, રૉક-ફૉસ્ફેટ, ઑલિવનું તેલ, દારૂ, શુદ્ધ કરેલું સીસું, પોલાદ અને ઘડતર લોખંડની નિકાસ થાય છે. ફ્રાન્સ સાથે આ દેશનો વિશેષ વેપાર છે.

અહીં જંગલી ભુંડ, હરણ અને શિયાળ જેવાં પ્રાણીઓ છે. પહાડોમાં જંગલી ઘેટાં અને સહરાના રણવિસ્તારમાં ફુરસા સાપ (horned viper) અને વીંછી જોવા મળે છે.

મોટાભાગના લોકો સુન્ની મુસલમાનો છે. તેમની મુખ્ય ભાષા અરબી અને ફ્રેન્ચ છે. થોડા તુર્કો પણ અહીં વસે છે. ઇબાધી જાતિના લોકો જેરબા ટાપુ ઉપર વસે છે. આશરે 9,000 જેટલા યહૂદીઓ તથા થોડા યુરોપિયનો છે, જે પૈકી ફ્રેન્ચોની સંખ્યા વિશેષ છે. હાલ મોટાભાગની વસ્તી આરબ છે. થોડાક બર્બર જાતિના લોકો  છે. આ સિવાય અહીં સ્પેનના નિર્વાસિત મુસ્લિમોની થોડી વસ્તી છે. 50 ટકા વસ્તી કાંઠાના વિસ્તારમાં વસે છે. ઉચ્ચપ્રદેશમાં પણ ગીચ વસ્તી છે. સ્ટેપ અને સહરાના રણવિસ્તારમાં પાંખી વસ્તી છે. ટ્યૂનિસ, સ્ફાક્સ, સુસાહ બિઝર્ટ અને કરવાન શહેરો પૈકી ટ્યૂનિસ મુખ્ય શહેર અને બંદર તથા ઔદ્યોગિક કેન્દ્ર છે.

ટ્યૂનિસ નગર ટ્યૂનિસિયાની જૂની રાજધાની છે અને તે પવિત્ર સ્થળ પણ છે. દીનાર એ દેશનું મુખ્ય ચલણ છે. આશરે ઈ. સ. પૂ. 1100માં ફિનિશિયન લોકોએ આ વિસ્તારમાં સંસ્થાન સ્થાપ્યું હતું. ઈ.સ.પૂ. આશરે 814માં ફિનિશિયનોએ આજના ટ્યૂનિસ નગરની નજીકમાં જ કાર્થેજ નગરની સ્થાપના કરી હતી. ઈ. સ. પૂ. 146માં રોમનોએ કાર્થેજનો પરાભવ કર્યો અને ત્યાર પછી 600 વર્ષ સુધી રોમનોએ આ પ્રદેશ પર રાજ્ય કર્યું હતું. ઈ. સ. 439માં વન્ડાલ્સ નામની યુરોપિયન જનજાતિએ ટ્યૂનિસિયા પર આક્રમણ કર્યું અને રોમનોને હરાવીને કાર્થેજ કબજે કર્યું. ત્યારપછીનાં આશરે 100 વર્ષ સુધી આ પ્રદેશ પર તેમનું શાસન રહ્યું હતું. ઈ. સ. 534માં કૉન્સ્ટૅન્ટિનોપલથી આવેલા બાઇઝેન્ટિયનોએ આ પ્રદેશ જીત્યો. સાતમી સદીના મધ્યમાં મધ્યપૂર્વમાંથી આવેલા મુસ્લિમ અરબોએ તેના પર આક્રમણ કર્યું. 1574માં તે ઑટોમન સામ્રાજ્યનો ભાગ બન્યો. પ્રથમ વિશ્વયુદ્ધ (1914 –18) સુધી તે ઑટોમન સામ્રાજ્યનો ભાગ ગણાતો. 1881માં ફ્રેન્ચોએ તેને રક્ષિત રાજ્ય બનાવ્યું. 1914 પહેલાં સ્વાધીનતાની ચળવળ શરૂ થઈ હતી પરંતુ 1934 પછી તે વધુ વેગવાન બની. નિયો દસ્તૂર પક્ષના નેતા હબીબ બુર્ગિબાએ સ્વાધીનતાની ચળવળને નેતૃત્વ પૂરું પાડ્યું. 1955માં આ દેશને આંશિક સ્વાયત્તતા તથા 1956માં પૂર્ણ સ્વાધીનતા બક્ષવામાં આવી. 1957માં તે પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. 1957–87 સુધી બુર્ગિબા તેના પ્રમુખ રહ્યા. 1989માં તેમને પદભ્રષ્ટ કરી સમાજવાદી દસ્તૂર પક્ષના ઝેન અલ્ આબિદિન બેન અલી દેશના પ્રમુખ બન્યા.

આબિદિન બેન અલી 1994 તથા 1999ની ચૂંટણીઓમાં પુન: પ્રમુખપદે ચૂંટાયા. ત્યાંની નવી લોકશાહી માટે કૉન્સ્ટિટ્યૂશનલ ડેમૉક્રેટિક રૅલીનું વર્ચસ્વ એક સમસ્યા હતી. ડીજેર્બાના ટાપુના સિનેગૉગમાં ઈ. સ. 2003માં બૉમ્બ નાખવામાં આવ્યા અને તેમાં 21 માણસો મરણ પામ્યા. આ હુમલો અલ્-કાયદાએ કરાવ્યાનો આરોપ થયો હતો. ઑક્ટોબર, 2004માં થયેલી ચૂંટણીમાં જનરલ ઝાઈન અલ્-આબિદિન બેન અલી પ્રમુખ તરીકે ચૂંટાયા. નવેમ્બર, 2005માં એક ફ્રેન્ચ પત્રકારને મારીને, છરા ભોંકીને લૂંટવામાં આવ્યો હતો. ત્યારે ત્યાંના સત્તાધીશોએ માનવઅધિકારો અંગે કાંઈ કર્યું નહિ. તેમ છતાં 25 ફેબ્રુઆરી, 2006ના રોજ ટ્યૂનિસિયાની સ્વતંત્રતાની 50મી જયંતી–સુવર્ણજયંતી વખતે 1600 લોકોને માફી આપવામાં આવી; તેમાંના 359ને શરતી પેરોલ પર છોડવામાં આવ્યા. ટ્યૂનિસિયાનો 2007માં અનાજનો પાક 20 લાખ ટન થયો. આ દરમિયાન સરકારની માનવ અધિકારોનાં સંગઠનો તથા પત્રકારો પ્રત્યેની દમનનીતિ ચાલુ હતી. જુલાઈ, 2008માં ટ્યૂનિસિયાના ચૂંટણીના નિયમો હળવા કરવામાં આવ્યા. 25 ઑક્ટોબર, 2009માં યોજાયેલી ચૂંટણીમાં ઝાઈન અલ્ આબિદિન બેન અલી પાંચમી વાર પ્રમુખપદે ચૂંટાયા. આ દરમિયાન ટ્યૂનિસિયાના વડાપ્રધાન તરીકે મોહંમદ ઘાનોચી હતા.

જયકુમાર ર. શુક્લ

શિવપ્રસાદ રાજગોર