ટ્યૂનિસ (Tunis) : આફ્રિકાના ભૂમધ્ય સમુદ્રને કિનારે આવેલા ટ્યૂનિસિયાનું સૌથી મોટું શહેર અને રાજધાની. ભૌગોલિક સ્થાન : 36o 50’ ઉ. અ. અને 10o 15’ પૂ. રે.. તે ટ્યૂનિસના અખાતના દક્ષિણ કિનારાથી અંદરના ભાગમાં 10 કિમી. દૂર ટ્યૂનિસની ખાડીની ટોચ પર આવેલું છે. શહેરની દક્ષિણે ખારા પાણીનું સરોવર, ઉત્તરે અરિયાના સરોવર અને પૂર્વ તરફ ટ્યૂનિસ સરોવર આવેલાં છે. ટ્યૂનિસ સરોવરની બાજુમાં નગરનું લા ગુલેટ બંદર છે. પ્રાચીન કાર્થેજ તેનાથી આશરે 15 કિમી. દૂર છે. હલ્ક અલ્-વાડીનું બંદર ટ્યૂનિસ સાથે નહેરથી જોડાયેલું છે. મહાનગરની અંદાજે વસ્તી 26,71,882  (2014) જેટલી હતી. પાટનગરની વસ્તી 5,99,348 (2014).

જૂના ટ્યૂનિસનાં ઘરો નીચાં અને રસ્તા સાંકડા છે. નવા ટ્યૂનિસમાં આધુનિક શૈલીનાં મકાનો તથા પહોળા રસ્તા છે.

આ નગર ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલા દેશો જેવી આબોહવા ધરાવે છે. શિયાળો ભેજવાળો અને ઠંડો, જ્યારે ઉનાળો લાંબો અને સૂકો હોય છે. તાપમાન જાન્યુઆરીમાં 8.9o સે. અને જુલાઈમાં 25.6o સે. રહે છે.  સરેરાશ વાર્ષિક વરસાદ 400 મિમી. પડે છે. ઘઉં, ફળો વગેરેનો મુખ્ય પાક છે.

ઑલિવ અને પ્રક્રિયા કરેલ ખોરાકી ચીજોના ઉદ્યોગો ઉપરાંત કાપડ, સિમેન્ટ, મદ્ય, સાબુ, યંત્રો, રસાયણ, ધાતુકામ તથા ફળો પૅક કરવા વગેરે ઉદ્યોગો નગરમાં વિકસ્યા છે. બંદર નજીક બે અણુવિદ્યુત-મથકો છે. દેશની બૅંકો તથા વીમા કંપનીઓનાં મુખ્ય મથકો આ નગરમાં આવેલાં છે.

ટ્યૂનિસ નજીક બે વિમાનઘરો છે. તે ધોરી માર્ગો તથા રેલવે દ્વારા કાંઠાના તથા અંદરના ભાગો સાથે જોડાયેલ છે. નગરમાં મુખ્ય વસ્તી આરબોની છે. તે ઉપરાંત યહૂદીઓ, ફ્રેન્ચો, ઇટાલિયનો વગેરે લોકો પણ ત્યાં વસે છે. દેશને આઝાદી મળી ત્યાર પછી યુરોપિયનો તથા યહૂદીઓની વસ્તી ઘટતી ગઈ છે. અરબી અને ફ્રેન્ચ અહીંની મુખ્ય ભાષાઓ છે. કાર્થેજ નજીકના ફિનિશિયન અને રોમન અવશેષો જોવા માટે ઘણા પ્રવાસીઓ અહીં આવે છે તેથી પ્રવાસન-ઉદ્યોગ વિકસ્યો છે.

જૂની મુસ્લિમ યુનિવર્સિટી 1960માં સ્થપાયેલી નવી યુનિવર્સિટી સાથે જોડાઈ ગઈ છે. નગરનાં જોવાલાયક સ્થળોમાં ટ્યૂનિસ યુનિવર્સિટી, 732માં બંધાયેલી ઝીટોના મસ્જિદ, રોમન સ્નાનગૃહો, રોમન નહેર, સૌથી વધુ રોમન મોઝેઇક ધરાવતું બાર્ડો સંગ્રહસ્થાન, કૌબા ઇસ્લામિક કલાનું સંગ્રહસ્થાન, કિલ્લો વગેરેનો સમાવેશ થાય છે.

ઘઉં, ઑલિવ તેલ, સુપર ફૉસ્ફેટ, ગાલીચા, લોખંડની કાચી ધાતુ, ખજૂર, માટીનાં  વાસણો, આલ્ફા ઘાસ વગેરેની ત્યાંથી નિકાસ થાય છે.

ઈ. સ. પૂ. 800માં અહીં ફિનિશિયનોનું કાર્થેજનું નગરરાજ્ય હતું. ઈ. સ. પૂ. 146માં રોમનોએ તેનો નાશ કર્યો હતો. રોમન શાસન નીચે ટ્યૂનિસ આબાદ થયું હતું. ઈ. સ. 800થી 1574 સુધી તે વિવિધ આરબ રાજવંશોના તાબા નીચે હતું. ‘પવિત્ર રોમન સમ્રાટ’ ચાર્લ્સ પાંચમાએ 1535માં તે જીતી લીધું હતું. 1539માં તે તુર્કોના કબજામાં હતું. 1573–1574 સુધી તે સ્પેનને તાબે અને ત્યારબાદ તે ઑટોમન તુર્ક વંશને તાબે હતું. 1881થી તે આઝાદ થયું (1956) ત્યાં સુધી અહીં ફ્રેન્ચ શાસન હતું.

ઈ. સ. પૂ. 900 આસપાસ લિબિયનોએ તેની સ્થાપના કરી હતી. પ્રાચીન કાળમાં ટ્યૂનિસ કાર્થેજનું પરું હતું. ટ્યૂનિસ નગર જૂનું અને નવું ટ્યૂનિસ એવા બે ભાગમાં વહેંચાયેલું છે. જૂનું શહેર ટેકરી પાસેના કિલ્લા પાસે વસેલું છે. તેના મેદાની વિસ્તારમાં હેરાત તરીકે ઓળખાતા ભાગમાં યહૂદીઓનો વસવાટ છે. નવું શહેર ફ્રેન્ચોએ 1893માં બાંધ્યું. બાર્ડો અને માર્સાનાં આધુનિક પરાં નગરના નીચાણવાળા ભાગમાં જૂના શહેરની બહાર, હબીબ બુર્ગિબા ઍવન્યૂ વિસ્તારમાં આવેલાં છે.

શિવપ્રસાદ રાજગોર