ટોનેગવા, સુસુમુ (જ. 5 સપ્ટેમ્બર 1939, નાગોયા) : 1987ના વૈદ્યક અને શરીરક્રિયાશાસ્ત્રના નોબેલ પુરસ્કારના જાપાની વિજેતા. તેમણે પ્રતિદ્રવ્યો(antibodies)ની વિવિધતાની પેઢીઓનો જનીનીય (genetic) સિદ્ધાંત શોધી કાઢ્યો. તેમણે કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી અને ત્યારબાદ તેઓ બેઝલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇમ્યુનોલૉજીમાં જોડાયા. ચેપ સામે સુરક્ષા માટે શરીરમાં પ્રતિરક્ષાતંત્ર (immune system) હોય છે. જે રસાયણો વડે પ્રતિરક્ષા થતી હોય છે તેમને પ્રતિદ્રવ્યો કહે છે. તેમણે દર્શાવ્યું કે પ્રતિરક્ષાતંત્ર(immune system)ના કોષીય પાયાની ઈંટ જેવાં પ્રતિદ્રવ્યોને ઉત્પન્ન કરવા માટે કોષમાંનાં જનીનો(genes)ની હેરફેર (shuffling) કરવામાં આવે છે. માલગાડીના ડબ્બાના ક્રમમાં ફેરફાર કરવા માટે જેવી પાટા પર ડબ્બાની હેરફેર (shunting) કરાય છે તેવી જ આ જનીનોની હેરફેર થતી હોય છે.
ત્યાં સુધી એવું મનાતું કે જનીનોના ક્રમમાં કોઈ ફેરફાર આણી શકાતો નથી. ટોનેગવાએ આ પ્રકારની વિવિધ જનીનીય ક્રમણિકાઓ દર્શાવીને સાબિત કર્યું કે તેનાથી જુદા જુદા રોગોની સામે લડી લેવા માટે વિવિધ પ્રકારનાં પ્રતિદ્રવ્યો ઉત્પન્ન કરી શકાય છે. તેમના આ સંશોધને કેટલાંક કૅન્સરના ઉદભવના કારણની સ્પષ્ટતા કરી છે. એઇડ્ઝ અને આમવાતી સંધિશોથ(rheumatoid arthritis)ના જનીનીય વિકારો વિશે પણ તેમાંથી વિશેષ પ્રકાશ પડશે એમ મનાય છે.
તેમણે 1963માં ક્યોટો યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી અને યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયા, સાન ડિયેગોમાંથી ડૉક્ટરેટની પદવી મેળવી. તેમણે 1981માં મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાં પ્રોફેસર તરીકે કામ કર્યું. એમઆઈટીમાં તેમણે પીકોવર ઇન્સ્ટિટ્યૂટ ફૉર લર્નિંગ ઍન્ડ મેમરી નામની સંસથા સ્થાપી અને તેમાં તેઓએ ડાયરેકટર તરીકે કાર્ય કર્યું. તેમને 1982માં કોલંબિયા યુનિવર્સિટી તરફથી લૂઈસા ગ્રોસ હોરવિટ્ઝ પ્રાઇઝ પ્રાપ્ત થયું. આ ઇનામ તેમને બાર્બરા મેક્ક્લિન્ટોકની સાથે પ્રાપ્ત થયું. હાલ તેઓ રીકેન એમઆઈટીમાં ડાયરેકટર છે.
શિલીન નં. શુક્લ